News of Tuesday, 3rd November 2026
કુવાડવાના કોઠારીયામાં મધરાતે વંડી ઠેંકી આવેલા શખ્સે પ્રોૈઢને જગાડી નામ પુછી છરી ઝીંકી દીધી!
દેકારો થતાં પરિવારજનો જાગી જતાં હુમલાખોર ભાગી ગયોઃ હુમલામાં ઘાયલ થયેલા ખેડુત નથુભાઇ હાડગરડાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૩: કુવાડવા રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કોઠારીયા ગામ હોળી ધાર પાણીના ટાંકા પાસે રહેતા અને ખેતી કરવા સાથે દૂધનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતા નથુભાઈ તેજાભાઈ હાડગરડા (ઉ.વ.૫૩) નામના પ્રોૈઢ પર રાત્રીના અજાણ્યા શખ્સે આવી તેઓ ઓસરીમા઼ સુતા હોઇ જગાડીને નામ પુછ્યા બાદ છરીથી હુમલો કરી ભાગી જતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
આ બનાવમાં કુવાડવા પોલીસે નથુભાઇ હાડગરડાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે. નથુભાઇ પત્નિ લક્ષ્મીબેન, પિતા તેજાભાઇ સાથે રહે છે. મોટો દિકરો ગોવિંદ મોરબી રહે છે. નાની દિકરીઓના લગ્ન થઇ ગયા છે. સોૈથી નાનો દિકરો જગમાલ ગાંધીનગર અભ્યાસ કરે છે. તા.૨ના રાત્રિના આશરે સાડા ત્રણ વાગ્યાના સુમારે નથુભાઈ, તેમના પત્નિ પિતા તેજાભાઈ અને મોટા દીકરા ગોવિંદભાઈના પત્નિ સુરભીબેન ઘરમાં અલગ-અલગ રૂમમાં સૂતા હતા, જ્યારે નથુભાઈ ઘરની ખુલ્લી ઓસરીમાં ખાટલા પર સુતા હતાં.
આ દરિયાન રાત્રિના આશરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં એક અજાણ્યો શખ્સ ઘરની દીવાલ કૂદીને અંદર ઘૂસી આવ્યો હતો. ઓસરીમાં ખાટલા પર સુતેલા નથુભાઈ પાસે આવીને તે અજાણ્યા શખ્સે તેમને ઉઠાડીને નામ પૂછયું હતું અને તુરંત જ પોતાની પાસે રહેલી છરી વડે ડાબા હાથની કોણીની થોડી ઉપરના ભાગે ઘા મારીને ઈજા પહોંચાડી હતી. હુમલાને કારણે નથુભાઈએ બુમો પાડતાં ઘરના અન્ય સભ્યો તુરંત જાગી ગયા હતા અને દોડી આવ્યા હતા. આથી હુમલાખોર ભાગી ગયો હતો. આ હુમલામાં નથુભાઈના ડાબા હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હોઇ ૧૦૮ બોલાવી સારવાર માટે ખસેડયા હતાં. સારવાર બાદ તેમણે કુવાડવા પોલીસ સ્ટેશને જઇ ફરિયાદ નોંધાવતાં એએસઆઇ એમ. એમ. આજગ્યાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:45 PM IST)










