<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

મહિકાના પુડલા બનાવવાનું કામ કરતાં ભાવનાબેનના ઘરમાંથી ૬ાા લાખનો હાર ચોરાયોઃ બાળપણની બહેનપણી કાજલ પર શંકા

માંડા ડુંગર પાસે પીઠડઆઇ સોસાયટીમાં બનાવઃ આજીડેમ પોલીસે તપાસ શરૂ કરી કાજલ ચા પીવા આવી ત્‍યારે દુધ ન હોઇ ભાવનાબેન દુધ લેવા ગયાઃ પરત આવ્‍યા ત્‍યારે દરવાજો બંધ હોઇ ખખડાવતાં કાજલે ‘હું કપડા બદલુ છું' એવુ કહ્યું: ભત્રીજીની સગાઇ પ્રસંગ હોઇ કબાટ ખોલતાં હાર ગાયબ જણાયોઃ કાજલે અન્‍ય બે સ્‍થળે પણ હાથફેરો કર્યાની શંકા

રાજકોટ તા. ૯: શહેરની આજીડેમ ચોકડી પાસે આવેલા માંડાડુંગર વિસ્‍તારમાં રહેતી અને મહિકાના પુડલા બનાવવાનું કામ કરતી મહિલાના ઘરેથી ૬ાા લાખનો સોનાનો હાર ચોરાઇ જતાં ફરિયાદ નોંધાવી છે.  ગંજીવાડામાં રહેતી બાળપણની સહેલી ચા પીવાના બહાને ઘરે આવી ચોરી કરી ગયાની શંકા દર્શાવાતા અને આ બાળપણની બહેનપણીએ આ મહિલાની અન્‍ય બે બહેનપણીઓના ઘરે પણ હાથફેરો કર્યાનું જણાવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે માંડા ડુંગર નજીક પીઠડઆઇ સોસાયટી-૧માં રહેતાં ભાવનાબેન ભીમજીભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી ગંજીવાડામાં રહેતી તેની જ બહેનપણી કાજલ દીપકભાઇ વાઘેલાને શકદાર ગણી તેણી વિરૂધ્‍ધ રૂા. ૬,૫૦,૦૦૦ના દાગીના ચોરી જવાનો ગુનો નોંધ્‍યો છે. ભાવનાબેન પરિવાર સાથે રહે છે અને મહિકા ગામ ખાતે પુડલા બનાવવાની રસોઇનું કામ કરે છે. તેની નાનાપણથી બહેનપણી કાજલ વાઘેલા છે તેણીના લગ્ન માંડા ડુંગર પાસે રહેતાં નરેશભાઇ સાથે થયા છે. જો કે હાલ તેણી રિસામણે ગંજીવાડામાં માવતરે રહે છે. તેમજ તે પણ સાથે પુડલા બનાવવાનું કામ કરે છે.

ફરિયાદમાં જણાવાયા મુજબ  ગત તા. ૧૭ ઓગસ્‍ટના રોજ સવારના અગિયારેક વાગ્‍યાના અરસામાં ભાવનાબેન પોતાના ઘરે એકલા હતા ત્‍યારે તેમની નાનપણની બહેનપણી કાજલ દીપકભાઈ વાઘેલા તેમના ઘરે આવી હતી. કાજલે ચા પીવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરતા ઘરમાં દૂધ  ન હોવાથી ભાવનાબેન સામેની જ દુકાને દૂધ લેવા ગયા હતા. દૂધ લઈને પરત ફરતા ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ખખડાવતા કાજલે હું કપડાં બદલાવુ છું તેમ કહી થોડીવાર પછી દરવાજો ખોલ્‍યો હતો. આ પછી ભાવનાબેને ચા બનાવ્‍યો હતો અને બંને બહેનપણીએ પીધો હતો. બાદમાં ભાવનાબેનના પતિ આવતાં તેણીને દવા લેવા જવું હોઇ કાજલ પણ ઘરે જવા નીકળી ગઇ હતી.

આ પછી કાજલ નજીકમાં જ રહેતાં ભાવનાબેનના જેઠના ઘરે ગઇ હતી. ત્‍યાં ભાવનાબેનની બાર વર્ષની દિકરી શાળાએથી છુટીને આવી હોઇ તેણીને કાજલે કહેલુ કે મારે તારી મમ્‍મીનું કામ છે. જેથી દિકરીએ હું તમને ઓળખતી નથી તેમ કહેતાં કાજલે ઓળખ આપી હતી અને ભાવનાબેનને દિકરી સાથે ફરીથી ભાવનાબેનના ઘરે આવી હતી અને તેણીને પણ ચા બનાવવાનું કહ્યું હતું. આ પછી બપોરે બે વાગ્‍યે ભાવનાબેન દવા લઇ પરત આવ્‍યા ત્‍યારે કાજલ ઘરમાં જ જોવા મળી હતી. થોડીવાર રહીને તે જતી રહી હતી.

ત્‍યારબાદ તા. ૩૦ ઓગષ્‍ટના રોજ  ભાવનાબેનના જેઠની દીકરી અંજુની સગાઈનો પ્રસંગ હોવાથી તેમને સોનાનો હાર પહેરવાનો હતો. જ્‍યારે તેમણે કબાટ ખોલીને તપાસ કરી ત્‍યારે હાર ગાયબ જણાયો હતો. આશરે ૫ તોલા વજનનો આ હાર તેમણે ૨૧ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ના રોજ ખરીદ્યો હતો. હાલના બજારભાવ પ્રમાણે આશરે રૂ. ૧,૩૦,૦૦૦  પ્રતિ તોલાના હિસાબે કુલ રૂ. ૬,૫૦,૦૦૦ ની કિંમતનો આ હાર ચોરાઇ ગયાની જાણ થઇ હતી.

પોતાના ઘરે ચોરી થયા બાદ ભાવનાબેને પોતાની શંકાના આધારે અન્‍ય બહેનપણીઓનો સંપર્ક કરતા ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. ભાવનાબેનના અન્‍ય બહેનપણી કાથરોટા ગામના વૈશાલીબેન મકવાણાએ જણાવ્‍યું હતું કે તેમના ઘરેથી પણ સોનાનો હાર ચોરાયો છે. તેમજ અન્‍ય બહેનપણી મનીષાબેન કાનજીભાઈ સારદીયાએ પણ માહિતી આપી હતી કે ગત ૫ ઓગસ્‍ટના રોજ કાજલ તેમના ઘરે આવી હતી અને તેણીને સાથે લઇ પોત ફઈબાના ઘરે ગયેલી ત્‍યારે ફઇબાના ઘરેથી પણ સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ હતી. આ તમામ હકીકતો સામે આવતા કાજલ ઉપરની ચોરીની શંકા વધુ મજબુત બની હતી.

આ સમગ્ર મામલે ભાવનાબેને સોનાના હારની ખરીદીના અસલ બિલની નકલ સાથે રાખીને આરોપી કાજલ દીપકભાઈ વાઘેલા વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ ડી. કે. ધાંધલાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(2:50 PM IST)