News of Wednesday, 29th April 2026
મોટી ટાંકી ચોકમાં સીટી બસની ઠોકરે સ્કૂલ વેન ગોથુ મારી ગઇઃ ૧૨ છાત્રોની ચીસાચીસઃ સદ્દનસિબે તમામનો બચાવ
અકસ્માત બાદ બસ મુકી ચાલક ભાગી ગયોઃ વેપારીઓએ પલ્ટી ખાઇ ગયેલી વેનને ઉભી કરીઃ કોટક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમાં હતાઃ સીસીટીવી ફૂટેજમાં વેનની સ્પીડ પણ વધુ હોવાનું જણાયું

રાજકોટઃ શહેરમાં અવાર-નવાર સીટી બસની ઠોકરે ટુવ્હીલર સહિતના વાહનો ચડી જતાં હોવાના બનાવ બને છે. અવાર-નવાર લોકો સીટી બસની બેફામ સ્પીડ મામલે ફરિયાદ કરતાં જોવા મળે છે. દરમિયાન આજે સવારના પ્હોરમાં મોટી ટાંકી ચોકમાં સીટી બસના ચાલકે સ્કૂલ વેનને ઉલાળી દેતાં વેન પલ્ટી મારી ગઇ હતી. જેમાં બાર જેટલા છાત્રો-ભુલકાઓ હોઇ ચીસાચીસ કરી મુકી હતી અને ભયભીત થઇ ગયા હતાં. બનાવને પગલે નજીકમાં જ યશ મેડીકલ સ્ટોર ધરાવતાં પિયુષભાઇ સહિતના વેપારીઓ, બીજા રાહદારીઓ દોડી ગયા હતાં અને પલ્ટી ખાઇ ગયેલી વેનને ઉભી કરી બાળકોને, ચાલકને બહાર કાઢયા હતાં. તમામને હોસ્પિટલે લઇ જવાયા હતાં. જો કે એક બાળકને સામાન્ય ઇજા હોઇ પ્રાથમિક સારવાર અપાઇ હતી. બાદમાં બાળકો ડરી ગયા હોઇ તમામને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા હતાં. આ વેનમાં કોટક સ્કૂલના બાળકો હતાં. અકસ્માત સર્જાયા બાદ બસ મુકી ચાલક ભાગી ગયો હતો. અકસ્માતને કારણે વેનમાં ભારે નુકસાની થઇ હતી, ઉપરનું કેરીયર પણ નીકળીને રોડ પર આવી ગયુ હતું. સદ્દનસિબે બાળકોને ઇજાઓ થઇ નહોતી. લોકોના કહેવા મુજબ બસની સ્પીડ વધારે હતી. વેન મોટી ટાંકીથી રાજકુમાર કોલેજવાળા રોડ પર જતી હતી અને બસ લીમડા ચોક તરફથી આવી રહી હતી. તસ્વીરમાં વેન અને સીટી બસ, વિગતો જણાવતાં પિયુષભાઇ જોઇ શકાય છે. દરમિયાન ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતાં. જેમાં સ્કૂલ વેન પણ સ્પીડથી જતી દેખાઇ હતી. જો બસ ચાલકે બ્રેક ન લગાવી હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત તેમ જણાયું હતું. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:55 PM IST)










