News of Wednesday, 16th September 2026
ઇતિહાસના અશાંત પાનામાંથી ઊભરતી માનવીય પીડાની કહાનીઃ ‘‘દિલ્લી અઠ્ઠાસી''
રાજકોટના પ્રણવ મોરઝરીયાનો અદ્ભુત અભિનય : ૧૯૮૪ થી ૧૯૮૮ના સંવેદનશીલ સમયગાળાની સત્યઘટનાઓથી પ્રેરિત હિન્દી શોર્ટ ફિલ્મ ‘દિલ્લી અઠ્ઠાસી' ઇતિહાસને માત્ર યાદ નથી કરતી, પરંતુ અશાંતિ વચ્ચે જીવતા માણસની પીડા, ભય અને સંઘર્ષને પડદા પર અનુભવે છે, કોમી તંગદિલી વચ્ચે માનવીય પીડા અને સંઘર્ષને કેન્દ્રમાં રાખતી હિન્દી શોર્ટ ફિલ્મ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ યુટ્યુબ પર રજૂઃ તજિન્દરસિંહ સોબતી (ખાલિસ્તાની નેતા) ના પાત્રમાં રાજકોટના પ્રણવ મોરઝરિયાનોઅદભૂત અભિનય

રાજકોટ, તા.૧૬:ભારતના ઇતિહાસના એક સંવેદનશીલ અને અશાંત સમયગાળાની પૃષ્ઠભૂમિ પર આધારિત હિન્દી શોર્ટ ફિલ્મ ‘દિલ્લી અઠ્ઠાસી' દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. બાલી પ્રોડક્શન દ્વારા નિર્મિત આ શોર્ટ ફિલ્મ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ યુટ્યુબ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. વર્ષ ૧૯૮૪થી ૧૯૮૮ દરમિયાન બનેલી સત્યઘટનાઓથી પ્રેરિત ‘દિલ્લી અઠ્ઠાસી' એ સમયની પરિસ્થિતિઓને માનવીય લ્લષ્ટિકોણથી રજૂ કરવાનો પ્રયાસ કરે છે. ફિલ્મમાં કોમી તંગદિલી અને સામાજિક અશાંતિના માહોલ વચ્ચે સામાન્ય લોકોએ અનુભવેલી પીડા, ભય, સંઘર્ષ અને માનવીય લાગણીઓને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે. આ ફિલ્મમાં તજિન્દરસિહ સોબતી (ખાલિસ્તાની નેતા) ના પાત્રમાં પ્રણવ મોરઝરિયા (મો.૯૮૯૮૫ ૫૫૯૮૯)નો અદભૂત અભિનય જોવા મળે છે. મૂળ રાજકોટના પ્રણવભાઇએ જણાવ્યું હતું કે, આ ફિલ્મનું શૂટીંગ મુંબઇ અને ઇન્દોરમાં કરવામાં આવ્યું છે જે એક વિક ચાલ્યું હતું. હાલ યુટ્યુબ પર ખુબ લોક ચાહના મેળવી રહેલી આ શોર્ટ ફિલ્મ આગામી સમયમાં જીઓ, એમેજોન, ઝી જેવા પ્લેટફોર્મ પર આવી શકે છે. આ ૨૭ મીનિટની મવીમાં ૮૦ ના દાયકાની સ્ટોરી, તેવાજ ડ્રેસીંગ અને તેવાજ ફિલ્મ કલરનો ઉપયોગ થયો છે જેથી લોકોને તે સમય સ્ક્રિન પર જીવંત થતો લાગે. પ્રણવભાઇ કહે છે આ પહેલા તેમણે રજત રાજ ફિલ્મ્સપ્રોડક્શન્સ - નવી દિલ્હીની ‘‘બેલ્ચા'' નામની ફિલ્મમાં અભિનય કર્યો હતો. જે માત્ર દિલ્હી, ગુડગાંવ અને દહેરાદુનના થિયેટરમાં રીલિઝ થઇ હતી. તેમએ અનુપમ ખેરની એક્ટર પ્રિપેર્સ એકેડમીમાં અભિનયનો ફાઉન્ડેશન કોર્સ પણ કર્યો છે. તેઓની આગામી ફિલ્મ બાલી પ્રોડકશનની ‘‘ગુનાહ'' છે જેનું શૂટીંગ આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં શરૂ થવાનું છે. ‘દિલ્લી અઠ્ઠાસી' ફિલ્મ માત્ર તે સમયની ઘટનાઓને રજૂ કરવા પૂરતી સીમિત નથી રહેતી પરંતુ અશાંત પરિસ્થિતિઓ વચ્ચે માનવીના જીવન અને સંબંધો પર પડતી અસરને પણ સ્પર્શવાનો પ્રયાસ કરે છે. એક સંવેદનશીલ ઐતિહાસિક પૃષ્ઠભૂમિને કલાત્મક માધ્યમ દ્વારા રજૂ કરતી આ ફિલ્મ દર્શકોને વિચારવા પ્રેરે તેવી હોવાનું નિર્માતાઓએ જણાવ્યું છે. ફિલ્મમાં પ્રણવ મોરઝરિયાએ તજિન્દરસિહ સોબતી એક ખાલિસ્તાની નેતાનું પાત્ર ભજવ્યું છે. જ્યારે સૌરવ બાલી કર્તાર સિહના પાત્રમાં જોવા મળે છે. દીપશિખા તિવારીએ રુમાના કુરેશીની ભૂમિકા નિભાવી છે જ્યારે વિક્રમાદિત્ય ગુપ્તાએ ગૌરવ રાજપૂતનું પાત્ર ભજવ્યું છે.
આ ફિલ્મમાં ધાર્મિક કટ્ટરતા, ભાગલાવાદી રાજકારણ અને તેની વચ્ચે ફસાયેલા નિર્દોષ સંબંધો અને કલાકારોની વાર્તા રજૂ કરવામાં આવી છે. કરતાર સિહનું પાત્ર એક નાટક મંડળી ચલાવતો કલાકાર અને યુવાન છે જે ક્રાંતિકારીઓના વિચારોને માને છે. તે લોકોને વિભાજિત કરવાના પ્રયાસોનો વિરોધ કરે છે અને પોતાની કલા (નાટકો) દ્વારા સમાજને સાચો સંદેશ આપવા માંગે છે. જ્યારે રૂમાનાનું પાત્ર આ કરતાર સિહ સાથે પ્રેમમાં છે. બંને અલગ- અલગ ધર્મ, પૃષ્ઠભૂમિમાંથી આવતા હોવાથી કટ્ટરપંથી લોકો તેમના સંબંધનો સખત વિરોધ કરે છે અને તેમને ધમકાવે છે. જ્યારે અન્ય પાત્રોમાં ગૌરવ અને સનાતન જેવા પાત્રો પણ છે જેઓ સમાજના નિયમો સામે લડવા અને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાના ભય અને અસમંજસમાં જીવી રહ્યા છે. ફિલ્મના અંતમાં જ્યારે આ નાટક મંડળી તેમની આગામી રજૂઆતની રિહર્સલ કરી રહી હોય છે ત્યારે ધાર્મિક ઝનૂનીઓ તેમના પર હુમલો કરી દે છે જે એક હિસક પરિણામ તરફ દોરી જાય છે. ‘દિલ્લી અઠ્ઠાસી'નું લેખન અને દિગ્દર્શન સૌરવ બાલી દ્વારા કરવામાં આવ્યું છે. ઐતિહાસિક રીતે સંવેદનશીલ સમયગાળાને શોર્ટ ફિલ્મના માધ્યમથી માનવીય અભિગમ સાથે રજૂ કરવાનો પ્રયાસ આ ફિલ્મની વિશેષતા છે.૧૯૮૪થી ૧૯૮૮નો સમયગાળો દેશના સામાજિક અને રાજકીય ઇતિહાસમાં ઉથલપાથલ અને અનેક પડકારોથી ભરેલો રહ્યો હતો. આ સમયગાળાની ઘટનાઓથી પ્રેરિત ‘દિલ્લી અઠ્ઠાસી'માં પીડા અને સંઘર્ષ વચ્ચે જીવતા લોકોની લાગણીઓ તથા જીવનની વાસ્તવિકતાઓને સ્પર્શવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ૧૯૮૪થી ૧૯૮૮ દરમિયાન બનેલી સત્યઘટનાઓથી પ્રેરિત આ ફિલ્મનો પ્રયાસ માત્ર ભૂતકાળની ઘટનાઓને પડદા પર ફરીથી જીવંત કરવાનો નથી, પરંતુ તે સમયની વચ્ચે જીવતા માણસની આંતરિક પીડાને સમજવાનો છે. બાલી પ્રોડક્શન દ્વારા નિર્મિત આ હિન્દી શોર્ટ ફિલ્મ હવે યુટ્યુબ પર દર્શકો માટે ઉપલબ્ધ છે. ભવિષ્યમાં આ મુવી ફિલ્મ ફેસ્ટીવલમાં પણ જઇ શકે છે. ફિલ્મ નિહાળવા યુટ્યુબ ચેનલ ‘‘બાલી પ્રોડક્શન્સ'' https://youtu.be/WcrqijteoUE
હિન્દી શોર્ટફિલ્મ
‘‘દિલ્લી અઠ્ઠાસી''
નિર્માણ સંસ્થાઃ બાલી પ્રોડક્શન, રિલીઝઃ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬, પ્લેટફોર્મઃ યુટ્યુબ પાત્રો અને કલાકારોઃ તજિન્દરસિહ સોબતી (ખાલિસ્તાની નેતા) -પ્રણવ મોરઝરિયા, કર્તાર સિહ- સૌરવ બાલી, રુમાના કુરેશી -દીપશિખા તિવારી, ગૌરવ રાજપૂત -વિક્રમાદિત્ય ગુપ્તા, લેખન અને દિગ્દર્શન -સૌરવ બાલી
(2:34 PM IST)










