News of Tuesday, 27th October 2026
શહેરમાંથી ૮૦૦ કિલો નુડલ્સ સહિત કુલ ૮૪૧ કિલો અખાદ્ય ખોરાક પકડાયો
શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા : મનપા દ્વારા ચેકીંગ : ભારતી ફુડસ-માધાપર ચોકડી, વ્હાઇટ ફયુમ્સ કાફે-કાલાવડ રોડ તથા મા વૈષ્ણવી કેળા વેફર-પરાબજારમાં ફુડ શાખા ત્રાટકી : ૬ નમુના લેવાયા

રાજકોટ, તા., ૨૭ : આરોગ્ય શાખા-ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૩૦ પેઢીની તપાસ કરવામાં આવેલ. તપાસ દરમિયાન મળી આવેલ કુલ ૮૪૧ કિલો અખાદ્ય/ વાસી/ પડતર/ એક્સપયાર્ડ જથ્થાનો નાશ કરવામાં આવેલ. જે પૈકી કુલ-૦૫ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કુલ રૂ.૧૨,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કુલ ૦૬ નમૂના લઈ પળથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.
મનપાની સતાવાર યાદી મુજબ ભારતી ફૂડ્સ એન્ડ બેવરેજીસ(ઉત્પાદક પેઢી): યોગી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, પ્લોટ નં-૪૬, ઉદ્યોગ ઝોન, વોરા સોસાયટી સામે, માધાપર ચોકડી પાસે, જામનગર રોડ ખાતે હાઇજેનિક કંડીશન તેમજ યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તેમજ વાસી/પડતર નૂડલ્સનો અંદાજિત ૮૦૦ કિલો જથ્થો SWM વાહનમાં સ્થળ પર નાશ કરેલ. હક્કા નુડલ્સ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ તથા રૂ.૧૦,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
THE WHITE FUMES CAFE: રાધે ક્રિષ્ના પાર્ક -૧, ભગીરથ ગ્રેનાઇટ પાસે, કાલાવડ રોડ ખાતે હાઈજેનિક કન્ડિશન બાબતે નોટીસ આપેલ તેમજ એક્સપાયરી બેકરી પ્રોડક્ટસ, પ્રીપેડ વાસી ફૂડની આઈટમ, પડતર લોટ, કાપેલા પડતર શાકભાજી, એક્સપાયરી પિઝા બેઝ, તથા સ્પાઇસીસ, વાસી નુડલ્સ અને મંચુરિયન નો કુલ મળી અંદાજિત ૩૧ કિલો અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરેલ તથા રૂ.૨૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
માં વૈષ્ણવી કેળાં વેફરઃ પરાબજાર, ધર્મેન્દ્રસિંહ કાપડ માર્કેટ પાસે, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપેલ. વપરાશમાં લેવા માટે રાખેલ અંદાજિત ૧૦ કિલો દાજિયું તેલનો નાશ કરી તથા રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
ભરત ફરસાણ(ગળહ ઉદ્યોગ): કોટક શેરીનં -૨, સાંગણવા ચોક, હાઇજિન તથા ટેકનિકલ પર્સન બાબતે નોટિસ આપેલ તેમજ (૧)સેવ (ફરસાણ લૂઝ) (૨)હળદર પાવડર (લૂઝ) (૩)બેસન (લૂઝ)ના નમૂના લેવામાં આવેલ.
કેફેટો રેસ્ટોરન્ટઃ લાભ એન્ક્લેવ, ફર્સ્ટ ફ્લોર, નવજીવન કો.ઓ. હા. સોસાયટી, કિશાનપરા ચોક, હાઇજિન બાબતે નોટિસ આપેલ તેમજ (૧)ગોપી બ્રાન્ડ મલાઈ પનીર (from 1kg pkd)નો નમૂનો લેવામાં આવેલ.
જયારે જે.ડી. એન્ટરપ્રાઇઝઃ યોગી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, માધાપર ચોકડી પાસે, જામનગર રોડમાંથી (૧) BAILLEY PACKAGED DRINKING WATER (1 LITRE PACK)નો નમૂનો લેવામાં આવેલ.
(2:32 PM IST)










