News of Saturday, 14th November 2026
રેલનગરમાં અમી લક્ઝુરીયામાં સાતમા માળે સરદારજી પાસે તાળુ તોડાવી મહિલા સહિત ત્રણની ઘુસણખોરી!
પોલીસની ધાક જ ન હોય તે રીતે કાયદાનો ભંગઃ દેખરેખ રાખતા મેનેજર પીયુષભાઇ કારીયાની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે રાહુલ બારોટ, હરેશ બારોટ અને મહિલા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૪: શહેરમાં પોલીસનો ભય જ ન રહ્યો હોય એ રીતે ગુનાખોરી આચરવામાં આવી રહી હોવાના કિસ્સા અવાર-નવાર સામે આવતા રહે છે. દરમિયાન આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં રેલનગરમાં આવેલા અમી લક્ઝરીયા એપાર્ટમેન્ટમાં સાતમા માળે અમુક ફલેટ વેંચાણ વગર ખાલી પડયા હોઇ અહિ બે શખ્સ અને એક મહિલાએ એક સરદારજી મારફત તાળુ તોડાવી ગેરકાયદેસર રીતે ફલેટમાં ઘુસણખોરી કરી લેતાં ફલેટની દેખરેખ સંભાળતાં આ પેઢીના મેનેજર દ્વારા ત્રણેય વિરૂધ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. આ રીતે કાયદાની ઐસી તૈસી કરી જે કૃત્ય આચરાયુ છે તેમાં પોલીસ આરોપીઓએ પોલીસની ધાક જ ન રહી હોય તે રીતે સરદારજીને બોલાવી તાળા તોડાવી ઘુસણખોરી કર્યાનું ફરિયાદ પક્ષને લાગ્યું છે.
આ બનાવમાં પ્ર.નગર પોલીસે ગાંધીગ્રામ નાણાવટી ચોક નાઇન્થ એવન્યુ ફલેટ નં. સી-૭૦૫ ખાતે રહેતાં પિયુષભાઇ અમૃતલાલ કારીયા (ઉ.વ.૫૬)ની ફરિયાદ પરથી રાહુલ બારોટ, હરેશ બારોટ અને એક મહિલા સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરી છે. વધુ વિગત મુજબ પીયુષભાઇ કારીયા પરિવાર સાથે રહે છે અને મલયભાઇ અનીલભાઈ દેસાઈની માલીકીની અમી બીલ્ડકોન નામથી ચાલતી ભાગીદારી પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમજ રેલનગરમાં આવેલ આવેલ અમી લકઝરીયા એપાર્ટમેન્ટમાં દેખરેખ રાખે છે.
પીયુષભાઇના જણાવ્યા મુજબ આ બીલ્ડીંગ મા ઘણા ફલેટ ખાલી હોઇ તેના વેચાણંનુ કામ આ મલયભાઇ વતી હું સંભાળુ છું. ગઇ તા.૧૨/૧૧/૨૦૨૬ના બપોરના સાડા બારેક વાગ્યા આસપાસ હુ એપાર્મન્ટ ખાતે ફરજ પર હતો ત્યારે ત્યાં સાતમા માળે આવેલ એ-૭૦૨ના ફલેટનુ તાળુ એક સરદારજી તોડતા હતાં. મને જાણ થતાં ત્યાં રાહુલ બારોટ તથા હરેશ બારોટ તથા અન્ય એક મહીલા હાજર હતાં. મેં સરદારજીને- ભાઇ તમે કેમ ફલેટનું તાળુ તોડો છો? તેમ પુછતાં તેણે જણાવેલ કે આ રાહુલભાઇ બારોટના કહેવાથી તાળુ તોડુ છું.
ત્યારબાદ તાળુ તોડી રાહુલ, હરેશ અને મહિલા ફલેટમાં ગેરકાયદેસર રીતે ઘુસતાં હોઇ મેં પેઢીના શેઠ મલયભાઇ દેસાઇને ફોનથી જાણ કરતાં મલયભાઇએ તુરત ૧૧૨ને ફોન કર્યો હતો. આ લોકોએ અમારા ફલેટનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હોઇ મેં ફરિયાદ દાખલ કરાવી હતી. તેમ વધુમાં પીયુષભાઇએ જણાવતાં પ્ર.નગર પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં પીએસઆઇ કે. કે. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસની ધાક ઓસરી ગઇ હોઇ તેમ આ રીતે ફલેટમાં કબ્જો જમાવવાની પેરવીની આ ઘટનાએ ચર્ચા જગાવી છે. પોલીસ આ મામલે આકરી કાર્યવાહી કરે તે જરૂરી બની ગયું છે.
(4:08 PM IST)










