News of Monday, 13th July 2026
લોઠડામાં મોબાઇલમાં વિડીયો કોલ ચાલુ કરી રાહુલ આર્યાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો
મુળ યુપીનો વતનીઃ ત્રીજી તારીખે મુંબઇથી કામની શોધમાં મોટા ભાઇ પાસે આવ્યો હતોઃ સવારે ભાઇને ઘટનાની જાણ થઇઃ ઉમર ઓછી હોઇ કામ મળતું નહોતું: વતનની યુવતિ સાથે વાત કરતો હતો

રાજકોટ તા. ૧૩: તાલુકાના સરધાર તાબેના લોઠડા ગામે થોડા દિવસ પહેલા જ કામની શોધમાં મોટા ભાઇને ત્યાં આવેલા મુળ યુપીના યુવાને રાતે કોઇપણ સમયે બારીમાં મોબાઇલ ફોન રાખી વિડીયો કોલ ચાલુ કરી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. સવારે મોટો ભાઇ જાગ્યો ત્યારે આ ઘટનાની જાણ થઇ હતી.
જાણવા મળ્યા મુજબ લોઠડા ગામમાં રહેતાં રાહુલ નનકુભાઇ આર્યા (ઉ.વ.૧૮)એ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી તબિબ મારફત થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના હેમંતભાઇ ધરજીયા, જયપાલભાઇ સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આપઘાત કરનાર રાહુલ ચાર બહેન અને બે ભાઇમાં ત્રીજો તથા અપરિણીત હતો. મુળ યુપીનો વતની રાહુલ હાલ મુંબઇ રહી છુટક કામ કરતો હતો. તે ગત ત્રીજી તારીખે જ લોઠડા ગામે રહેતાં મોટા ભાઇ સાથે કામની શોધમાં આવ્યો હતો. પરંતુ અઢાર વર્ષ પુરા થવામાં હજુ વાર હોઇ નાની ઉમરને કારણે કામ ન મળતાં ગુમસુમ રહેતો હતો.
સવારે તેનો મોટો ભાઇ અજયભાઇ જાગ્યો ત્યારે નાના ભાઇ રાહુલને લટકતો જોતાં દેકારો મચાવી મુકતાં બીજા લોકો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવી હતી. પણ તેના તબિબે તેને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. રાહુલે આપઘાત પુર્વે બારીમાં મોબાઇલ ફોન રાખી વિડીયો કોલ કર્યો હોવાનું જણાયું હતું. તે વખતમાં કોઇ છોરી સાથે વાત કરતો હતો. આ પગલુ કામધંધો ન મળવાને કારણે કર્યાની શક્યતા છે. પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે.
(3:22 PM IST)










