News of Friday, 24th April 2026
માલધારી ફાટક પાસે સાયકલ હંકારીને જઇ રહેલા યુવાનનો મોબાઇલ ઝુંટવાયોઃ કલાકોમાં ભેદ ખુલ્યો
ચિલઝડપ કરાયેલા મોબાઇલ સાથે કવરમાં પાંચ હજારની રોકડ પણ હતી : આજીડેમ પીઆઇ એચ. એન. પટેલની ટીમે લોઠડાના રોહિતને પકડયોઃ તેના મિત્ર સુનિલની શોધખોળઃ હેડકોન્સ. તેજપાલસિંહ સરવૈયા, કોન્સ. ગોપાલભાઇ બોળીયા, હરપાલસિંહ જાડેજા, શક્તિભાઇ મેહરીયાની બાતમી

રાજકોટ તા. ૨૪: શહેરમાં ચિલઝડપનો વધુ એક બનાવ બન્યો છે. માલધારી ફાટક પાસે આ બનાવ બન્યો છે. સાયકલ હંકારી કામ પર જઈ રહેલા મુળ વઢવાણના ૧૮ વર્ષીય શ્રમિક યુવાનના હાથમાંથી મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સો મોબાઈલ ફોન ઝૂંટવી ભાગી ગયા છે. આ મોબાઇલ ફોનના કવરમાં પ હજારની રોકડ પણ હતી. આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા રોલેક્ષ રોડ ગુલાબનગર-૨૧ નવદુર્ગા ગરબી ચોકમાં રહેતાં મુળ સુરેન્દ્રનગરના વઢવાણના વતી શોબાન ભીખુભાઇ પરમાર (ઉ.વ.૧૮)ની ફરિયાદ પરથી બે અજાણયા બાઇકસવાર ચિલઝડપકાર વિરૂધ્ધ ગુનો નોંધી કલાકોમાં ભેદ ઉકેલી લોઠડાના એક શખ્સને પકડી લીધો છે, જ્યારે રીબડા રહેતાં તેના મિત્રની શોધખોળ થઇ રહી છે. પૈસાની જરૂર હોઇ ચિલઝડપ કર્યાનું રટણ આ શખ્સે કર્યુ હતું.
વધુ વિગત મુજબ શોબાન પરમાર હાલ રાજકોટ પરિવાર સાથે રહે છે અને માલધારી ફાટક પાસે આવેલી સ્કાયલાઇન એન્ટરપ્રાઇઝ નામની એજન્સીમાં કામ કરે છે. ગુરૂવારે ૨૩મીએ બપોરે આશરે બે વાગ્યાની આસપાસ શોબાન ઘરેથી જમીને સાયકલ લઈને પોતાના કામ પર જઈ રહ્યો હતો ત્યારે માલધારી ફાટકથી આગળના રોડ પર પહોંચતા તેના મોબાઈલ પર ફોન આવતા તેણે ખિસ્સામાંથી ફોન કાઢી વાત ચાલુ કરી હતી.
શોબાન વાત કરતો જઈ રહ્યો હતો ત્યારે પાછળથી સ્પ્લેન્ડર જેવા મોટરસાયકલ પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. મોટરસાયકલની પાછળ બેઠેલા શખ્સે શોબાનના હાથમાંથી રૂ. ૧૪,૦૦૦ની કિંમતનો ઓપ્પો એ-થ્રીએક્સ મોડેલના ફોનની ચિલઝડપ કરી લીધી હતી. આ મોબાઈલ ફોનના કવરમાં રૂ. ૫,૦૦૦ રોકડા પણ રાખેલા હતા. મોબાઈલ ઝૂંટવીને બંને શખ્સો પૂરઝડપે બાઇક હંકારી નાસી છૂટયા હતા.
શોબાને બનાવને પગલે બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા, પણ ચિલઝડપકાર હાથમાં આવ્યા નહોતા. શોબાને આ અંગે ઘરે જાણ કર્યા બાદ પોતાની બહેન સાથે આજીડેમ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, મોટરસાયકલ ચલાવનારની ઉંમર આશરે ૨૦ વર્ષ અને પાછળ બેસનારની ઉંમર આશરે ૧૯ વર્ષની હતી. પીઆઇ એચ. અને. પટેલની રાહબરીમાં તેજપાલસિંહ સરવૈયાએ ગુનો દાખલ કરતાં ડી. સ્ટાફની ટીમે તપાસ શરૂ કરી હતી.
દરમિયાન હેડકોન્સ. તેજપાલસિંહ, સાથેના કોન્સ. ગોપાલભાઇ બોળીયા, હરપાલસિંહ જાડેજા, શક્તિભાઇ મેહરીયાની બાતમી પરથી લોઠડા ગામે સર્વિસ સ્ટેશન પાસે ભાડાના મકાનમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં મુળ ચોટીલાના સુરી ગામના રોહિત મનસુખભાઇ પરમાર (ઉ.વ.૨૦)ને કોઠારીયા રોડ જયનગરમાંથી પકી લઇ મોબાઇલ ફોન અને ૫ હજારની રોકડ કબ્જે કરી તેની આ ગુનામાં ધરપકડ કરી છે. રોહિતે પોતાની સાથે રીબડાનો સુનિલ વઢીયારા પણ સામેલ હોવાનું કહેતાં શોધખોળ થઇ રહી છે.
ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ એસ. વી. ગોહિલ, એએસઆઇ રવિભાઇ વાંક, હેડકોન્સ. સંજયભાઇ મિયાત્રા, તેજપાલસિંહ સરવૈયા, પિયુષભાઇ ચીરોડીયા, હરપાલસિંહ જાડેજા, દેવાંગભાઇ પાલા, ભરતભાઇ જોગીયા, હિતેષભાઇ અગ્રાવત, આકાશભાઇ સોલંકી, કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ, વિરેન્દ્રસ્ંિહ જાડેજા, ગોપાલભાઇ બોળીયા, મહેશભાઇ કોઠીવાળ, કુલદીપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, શક્તિભાઇ, વિશ્વરાજસિંહે આ કામગીરી કરી હતી.
(2:00 PM IST)










