<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

યુવતિને પુર્વ મિત્રના મિત્ર ભરતે લગ્નની લાલચ દઇ કુંવારી માતા બનાવી દીધી, પછી તરછોડી દીધી

અગાઉ જેની સાથે કેટરર્સમાં કામ કરતી એ મિત્ર સાથે ઝઘડો થતાં મિત્રતા તુટી ગઇઃ તેનો ફાયદો ઉઠાવી ફસાવી : યુવતિ કુંવારી મા બની પછી ભરત બીજીને લઇને ગેસ્‍ટહાઉસમાં ગયાનો તેના મિત્રનો ફોન આવતાં યુવતિ માવતરના ઘરે જતી રહેતાં તેણીના માતાને પણ ફોનમાં ધમકી દીધીઃ આજીડેમ પોલીસે યુવતિની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૮: શહેરમાં રહેતી અને કેટરર્સમાં કામ કરતી એક યુવતિને તેની સાથે જ કામ કરતાં યુવાન સાથે મિત્રતા હોઇ તે મદદરૂપ થતો હોઇ પણ બાદમાં ઝઘડો થતાં આ મિત્રતા તુટી જતાં  આ જુના મિત્રના મિત્રએ તેણીને ફોન કરી હવે તું મારી સાથે મિત્રતા રાખ, હું તને સાચવીશ તેમ કહી ભોળવી પોતાની સાથે રહેવા લઇ જઇ વારંવાર ગેસ્‍ટ હાઉસ, ઘરમાં શરીર સંબંધ બાંધી લીધા હતાં. લગ્નની લાલચ આપી આ શખ્‍સે ગર્ભ રાખી દેતાં યુવતિએ દિકરીને જન્‍મ આપ્‍યો હતો. આ પછી પણ લગ્ન નહિ કરી તરછોડીને ભાગી જતાં યુવતિએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે ૨૩ વર્ષની એક યુવતિની ફરિયાદ પરથી ભરત મુળજીભાઇ ચંદ્રપાલ વિરૂધ્‍ધ લગ્નની લાલચ આપી અવાર-નવાર શરીર સંબંધ બાંધી લઇ બાદમાં યુવતિની કુખે દિકરીનો જન્‍મ થતાં તેણીને તરછોડીને ભાગી ગયાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ભોગ બનનાર યુવતિએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું. બે વર્ષ પહેલા કેટરર્સમાં મારા મિત્ર સાથે કામે જતી હતી. તે મને નાનુ મોટુ કામ આપી સંભાળ રાખતો હતો. તે વખતે મિત્રના મિત્ર ભરત મુળજીભાઇ ચંદ્રપાલ સાથે પણ તે ક્‍યારેક ક્‍યારેક કેટરર્સમાં કામે આવતો હોવાથી તેની સાથે ઓળખાણ થઇ હતી. વર્ષ ૨૦૨૪માં મારે મિત્ર સાથે બોલચાલી થતાં તેની સાથે સંબંધ તુટી ગયો હતો. એ પછી અચાનક એક અજાણ્‍યા નંબર પરથી ફોન આવતાં મેં રિસીવ કરતાં સામેથી વાત કરનારે કહેલું કે-હું તારા જુના મિત્રનો મિત્ર ભરત ચંદ્રપાલ બોલુ છું, તું હવે મારી સાથે મિત્રતા રાખ હું તને સાચવીશ અને તારો ખયાલ રાખીશ.

પણ મારે કોઇ મિત્રતા રાખવી ન હોઇ તેનો નંબર બ્‍લોકમાં મુકી દીધો હતો. એ પછી ભરત અવાર-નવાર મને મળવા માટે આવતો હતો અને વાતચીત કરતો હતો. આ પછી તે મને બહાર ફરવા લઇ ગયો હતો. એક દિવસ ગેસ્‍ટ હાઉસમાં મારી સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો. ત્‍યારબાદ તેની સાથે ફોનમાં વાચતીત થતી હતી. પણ મારા ઘરમાં તે ગમતું ન હોઇ જેથી ઘરમાં ઝઘડો થતાં ભરત મને તેની સાથે રહેવા લઇ ગયો હતો. તે મને સારી રીચે સાચવતો હતો અને મારી સાથે લગ્ન કરશે તેવું કહેતો હતો. આ રીતે તે લગ્નની લાલચ આપી વારંવાર દેહસંબંધ બાંધી લેતો હતો. એ પછી ભરત તેની બહેનના ઘરે મને મુકી ગયો હતો. ત્‍યાં બે મહિના સુધી અમે રોકાયા હતાં. બાદમાં નજીકમાં જ એક મકાન ભાડે રાખી ત્‍યાં રહેવા લાગ્‍યા હતાં.

અમે બંને સાથે રહી કેટરર્સમાં કામે જતાં હતાં. હું જ્‍યારે પણ લગ્નનું કહેતી ત્‍યારે ભરત કહેતો કે હાલમાં આપણી પાસે રૂપિયા નથી, રૂપિયા ભેગા થાય એટલે લગ્ન કરી લઇશું. આ પછી ભરત દારૂ પીવાના રવાડે ચડયો હતો અને અવાર-નવાર દારૂ પી મારી સાથે બોલાચાલી કરી ઝઘડો કરતો હતો. તે દારૂ પીવાના કેસમાં પોલીસમાં પકડાયો ત્‍યારે હું જ તેને છોડાવવા ગઇ હતી. આમ છતાં તેણે મારી સાથે ઝઘડો કર્યો હતો. તે મારી સાથે શરીર સંબંધ બાંધતો હોઇ તેના થકી મને ગર્ભ રહી ગયો હતો. આ વખતે પણ તે ઝઘડોક રી બોલાચાલી કરતો હતો. મને અધુરા માસે બાળકનો જન્‍મ થતાં બાળકનું બે દિવસમાં મૃત્‍યુ થયું હતું.

ત્‍યારબાદ ફરીથી ભરત થકી ગર્ભ રહી ગયો હતો અને એક દિકરીનો જન્‍મ થયો હતો. સાડા ત્રણ મહિના પહેલા આ દિકરીનો જન્‍મ થયો હતો. આ પછી અમે અન્‍ય ભાડાના મકાનમાં રહેવા ગયા હતાં. હવે ભરતે મને અને દિકરીને સાચવવાને બદલે મારી પાસે સામા રૂપિયા માંગવાનું ચાલુ કર્યુ હતું અને ઝઘડો ચાલુ કર્યો હતો.  દરમિયાન ૩૧/૫ના રોજ ભરતના મિત્રનો મને ફોન આવ્‍યો હતો અને કહ્યું હતું કે ભરત કોઇ બીજી યુવતિને લઇ ગેસ્‍ટહાઉસમાં ગયો છે. જેથી મેં તેને ફોન કરતાં તેણે ફોન ઉપાડયો નહોતો. આથી હું દિકરીને લઇ માવતરના ઘરે જતી રહી હતી. આ પછી તેણે મારા માતાને ફોન કરી કહેલું કે તમારી દિકરીના બધા ડોક્‍યુમેન્‍ટ મારી પાસે છે, તેને કહો પાછી આવી જાય. તેમ કહી મારા માતા સાથે પણ બોલાચાલી કરી હતી. આ પછી ભરતની બહેન મને સમજાવવા આવી હતી અને ભરતે આપેલો ફોન લઇ ગઇ હતી.

પોણા બે વર્ષ સુધી ભરતે મારી સાથે લગ્નની વાતો કરી વારંવાર શરીર સંબંધ બાંધી લીધા હતાં. દિકરીનો જન્‍મ થયા પછી તેણે લગ્નની ના પાડી દીધી હતી અને મુકીને જતો રહ્યો હોઇ અંતે ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતું. તેમ ભોગ બનનાર યુવતિએ જણાવતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના પીઆઇ એચ. એન. પટેલના માર્ગદર્શનમાં પીએસઆઇ એસ. એલ. ગોહિલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(2:04 PM IST)