<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

પત્‍નિને ક્રુરતાથી પતાવી બહાર આવી પ્રવિણે પુત્રવધૂને કહ્યું-મેં તારી સાસુને મારી નાંખી છે!

મોરબી રોડની સ્‍કાય સોસાયટીમાં કલેશ-શંકાને લીધે હત્‍યાઃ ત્રીસ વર્ષ પહેલા લગ્ન થયા ત્‍યારથી પતિ કામધંધો કરતો ન હોઇ શારદાબેનને બહાર કામે જવું પડતું: ત્‍યારથી પતિ વારંવાર ‘તારે આડાસંબંધ છે' એવું શંકા કરી ઝઘડો કરતો રહેતો પત્‍નિને પતાવી પ્રવિણ ઝેર પી ગયો હતોઃ ઝેર પીધેલી હાલતમાં બસમાં બેસી જુનાગઢ તરફ ભાગતો હતોઃ બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણ, પીએસઆઇ શેખ, પીએસઆઇ ડોબરીયા, ડી. સ્‍ટાફ ટીમે કલાકોમાં આરોપીને દબોચી લીધો : હત્‍યાનો ભોગ બનેલા શારદાબેન ચાર બહેન, બે ભાઇમાં ત્રીજા હતાં: નાના બહેન વેલનાથપરામાં રહેતાં ગીતાબેન અશોકભાઇ વઢુકીયાની ફરિયાદ પરથી પોલીસે હત્‍યાનો ગુનો નોંધ્‍યો : વચ્‍ચે પડેલી પુત્રવધૂ કાજલને સસરા પ્રવિણે ધક્કો દઇ બહાર કાઢી રૂમ બંધ કરી પત્‍નિને છથી સાત છરીના ઘા મારી દીધા

શંકા-કલેશની આગમાં પતિએ જ વેરવિખેર કર્યો પરિવારનો માળો  :  પતિના હાથે ક્રુર હત્‍યાનો ભોગ બનેલા શારદાબેન પરસોડા (ઉ.વ.૪૮)નો નિષ્‍પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો, ઘટના સ્‍થળે પોલીસ કાર્યવાહી, હકિકત જણાવનાર પુત્રવધૂ કાજલ મયુર પરસોડા, બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણ અને આરોપી પ્રવિણ ઉકાભાઇ પરસોડા જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૨૧: મોરબી રોડ પર વેલનાથપરાથી આગળ રોઝ હોટેલ પાછળ સ્‍કાય સોસાયટીમાં રહેતાં અને ખાનગી યુનિવર્સિટીમાં કચરા પોતા કરી પરિવારને મદદરૂપ થતાં ૪૮ વર્ષના કોળી મહિલાને તે કામેથી છુટીને સાંજે ઘરે પહોંચ્‍યા ત્‍યાં જ પતિએ રૂમમાં ખેંચી જઇ પુત્રવધૂને ધક્કો દઇ બહાર કાઢી મુકી રૂમ બંધ કરી પત્‍નિને આડેધડ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દઇ બાદમાં પોતે ઝેરી દવા પી ભાગી જતાં પોલીસે તત્‍કાળ પગરૂ દબાવી ગોંડલી પાસેથી પકડી લીધો હતો. હત્‍યા બાદ બહાર નીકળી તેણે પુત્રવધૂને ‘મેં તારી સાસુને મારી નાંખી છે' તેમ કહી ભાગી ગયો હતો. ત્રીસ વર્ષ પહેલા લગ્ન થયા ત્‍યારથી પતિ સરખો કામધંધો કરતો ન હોઇ આ મહિલાને બહારના કામ કરવા જવુ પડતું હતું. પતિ ત્‍યારથી તેણીને તારે આડાસંબંધો છે કહીને શંકા કરી હેરાન કરતો હતો. આ શંકા અને કલેશને કારણે જ તેણે હત્‍યા કરી નાંખી હતી.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે હત્‍યાનો ભોગ બનેલા શારદાબેન પ્રવિણભાઇ પરસોડા (ઉ.વ.૪૮)ના બહેન મોરબી રોડ વેલનાથપરા-૧૬માં રહેતાં ગીતાબેન અશોકભાઇ વઢુકીયા (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી શારદાબેનના પતિ પ્રવિણ ઉકાભાઇ પરસોડા (ઉ.વ.૫૮) વિરૂધ્‍ધ હત્‍યાનો ગુનો નોંધ્‍યો છે. પત્‍નિને છરીના ઘા ઝીંકી હત્‍યા કરી પતિ પ્રવિણે પોતે ઝેરી દવા પી લીધી હતી. આ પછી તે ઘરેથી નીકળી ગયો હતો. બસમાં બેસી જુનાગઢ તરફ જતો હોઇ ગોંડલની પાટીદળ ચોકડીએથી બી-ડિવીઝન પોલીસે પગેરૂ દબાવી પકડી લીધો હતો. તેણે ઝેર પીધું હોઇ પોલીસ પહેરા હેઠળ સારવાર માટે દાખલ કરાયો છે. હત્‍યા કર્યાનો તેને કોઇ અફસોસ નહિ હોવાનું રટણ કર્યુ હતું.

ગીતાબેન વઢુકીયાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મારવાડી યુનિવર્સિટીમાં પોતા કરવાનું કામ કરુ છું. અમે ચાર બહેનો અને બે ભાઇઓ છીએ. જેમાં મોટા બેન પ્રભાબેન હયાત નથી. તેનાથી નાના શારદાબેન (ઉ.વ.૪૮) હતાં. ત્‍યાર પછી હું છું. મારાથી નાની બહેન ઉષાબેન પણ હયાત નથી. નાના ભાઇઓના નામ સવજીભાઇ અને મહેશભાઇ છે. આ બંને ભાઇઓ સંત કબીર રોડ પર રહે છે. મારા બહેન શારદાબેનના લગ્ન ૩૦ વર્ષ પહેલા પ્રવિણ ઉકાભાઇ પરસોડા સાથે થયા હતાં. તેમને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે.

જેમાં દિકરી પૂજા લોધીકાના ઇટાળા ગામે સાસરે છે. તેનાથી નાનો દિકરો મયુર (ઉ.વ.૨૫) અને સોૈથી નાનો દિક્ષીત (ઉ.વ.૧૮) છે. મારા બહેન શારદાબેન તેના પતિ, દિકરા, પુત્રવધૂ કાજલ મયુર પરસોડા સાથે મોરબી રોડ સ્‍કાય સોસાયટી રોઝ હોટેલ પાછળ શેરી નં. ૧માં રહેતાં હતાં. શારદાબેન પણ મારી સાથે મારવાડીમાં કચરા પોતાનું કામ કરવા આવતાં હતાં. મારા બહેન શારદાબેનના લગ્ન થયા ત્‍યારથી બનેવી પ્રવિણ પરસોડા સરખો કામધંધો કરતાં નહોતાં. આથી લગ્ન થયા ત્‍યારથી ઘરનું ગુજરાન ચલાવવામાં શારદાબેનને બહારનું કામ કરવા જવુ પડતું હતું. આ કારણે મારા બનેવી તેણી પર શંકાઓ કરીને કહેતાં કે-તારે કોઇ સાથે આડા સંબંધો છે. આવુ બોલી તે વારંવાર મારી બહેન સાથે ઝઘડા કરતાં હતાં. મારા ઘરે બહેન આવે ત્‍યારે આ વાત મને કરતાં હતાં.

ગીતાબેને વધુમાં જણાવ્‍યું છે કે સાંજે હું અને મારી પુત્રવધૂ પ્રગતિ મોરબી રોડ જકાતનાકે શુક્રવારી બજારમાં  ખરીદી કતા હતાં ત્‍યારે સાતેક વાગ્‍યે મને ભાણે જપૂજાએ ફોન કરી કહ્યું હતું કે-માસી મારા બાને મારા પપ્‍પાએ છરીના ઘા મારી દીધા છે, મને આ વાતની જાણ ભાઇ મયુરે કરી છે, તમે જલ્‍દી મારા ઘરે જાવ. ભાણેજનો આવો ફોન આવતાં હું અને પ્રગતી મારી બહેન શારદાબેનના ઘરે જતાં ત્‍યાં નીચેના હોલમાં શારદાબેન લોહીલુહાણ પડયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવી લીધી હતી. તેના ડોક્‍ટરે મારા બહેનને મૃત જાહેશર કર્યા હતાં. તેણીને ગળા, ગાલ, છાતીના ભાગે, જમણા ડાબા હાથની આંગળીઓમાં ઇજાઓ હતી.

આ વખતે મારા બહેનની પુત્રવધૂ કાજલ મયુર પરસોડા હાજર હતી. કાજલને મેં શું થયું છે? તેમ પુછતાં કાજલે કહ્યું હતું કે-મારા સાસુ શારદાબેન કચરા પોતાના કામ કરવા બપોરે ત્રણ વાગ્‍યે ઘરેથી ગયા હતાં, સાંજે છ વાગ્‍યે ઘરે આવતાં જ મારા સસરાએ તેની સાથે ઝઘડો કર્યો હતો. આથી મેં તુરંત પતિ મયુરને ફોન કરી બોલાવ્‍યો હતો. હું ઝઘડામાં વચ્‍ચે પડતાં મારા સસરાએ કહેલું કે તું બહાર બેસ. આ મકહી મને ધક્કો દઇ ઘરની બહાર કાઢી મુકી અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. આ વખતે અંદર મારા સાસુને મારા સસરા મારતાં હોય તેવા અવજા આવતાં હતાં, બૂમો સંભળાતી હતી. થોડીવાર બાદ મારા સસરા દરવાજો ખોલીને બહાર આવ્‍યા હતાં અને તેના કપડા લોહીવાળા હતાં. તેણે મને કહેલું કે-મેં તારી સાસુને મારી નાંખી છે.  આમ કહી તે ભાગી ગયા હતાં. હુ઼ અંદર જતાં મારા સાસુ લોહીલુહાણ હાલતમાં પડેલા હતાં. આ હકિકત મારા બહેનની પુત્રવધૂ કાજલે મને જણાવી હતી. તેમ વધુમાં ગીતાબેને કહ્યું હતું.

બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણ, પીએઅસાઇ એમ.આઇ. શેખ, પીએસઆઇ એન. આર. ડોબરીયા અને ડી. સ્‍ટાફ ટીમે તત્‍કાળ કાર્યવાહી કરી હતી. ઘરમાંથી ઝેરી દવાની બોટલ મળી હોઇ આરોપી પ્રવિણ હત્‍યા કર્યા બાદ ઝેર પીને ઘરેથી ભાગ્‍યાની વિગતો સામે આવી હતી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. એ દરમિયાન આરોપી પ્રવિણ કોઇ બસમાં બેસીને જુનાગઢ તરફ જઇ રહ્યાની બાતમી મળતાં ડી. સ્‍ટાફ ટીમે પગેરૂ દબાવ્‍યું હતું. એ દરમિયાન ગોડલના પાટીદળ ચોકડી પાસેથી પ્રવિણ પકડાઇ ગયો હતો. તેણે દવા પીધાનું જણાતાં તુરંત સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ પોલીસ પહેરા હેઠળ સારવાર ચાલુ છે. રજા અપાયે તેની ધરપકડ થશે. હત્‍યાની આ ઘટનાથી ત્રણ સંતાન મા વિહોણા થયા છે.

હત્‍યા કરીને ભાગ્‍યો ત્‍યારે રસ્‍તામાં નાનો દિકરો દિક્ષીત મળતાં તેની જ રિક્ષામાં બેસી પારેવડી ચોક સુધી ગયો હતો

* પ્રવિણ પોતાની પત્‍નિની હત્‍યા કરી ઝેર પીને ઘરેથી નીકળી ગયો હતો. ભાગતી વખતે ઘરથી આગળ રસ્‍તામાં તેને નાનો દિકરો દિક્ષીત રિક્ષા લઇને સામે મળતાં તેણે દિકરાને હત્‍યાની જાણ કરી નહોતી, પોતાને પારેવડી ચોક જવું છે તેમ કહી તેની રિક્ષામાં બેસી પારેવડી ચોક સુધી ગયો હતો. બાદમાં દિક્ષીત ઘરે આવતાં તેને માતાની હત્‍યા થયાની ખબર પડી હતી.

(2:16 PM IST)