News of Thursday, 25th June 2026
વર્ષો બાદ જનરલ બોર્ડ દિવસભર ચાલ્યું: મેયર નેહલ શુક્લની અધ્યક્ષતામાં પ્રજાના પ્રશ્નોનું સાચું નિરાકરણ
બપોરે ૩:૪૫ વાગ્યે

રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકાના ઈતિહાસમાં વર્ષો બાદ એક નવો અધ્યાય શરૂ થયો છે. મેયર ડો. નેહલ શુક્લના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભા માત્ર ઔપચારિકતા પૂરી કરવાને બદલે દિવસભર ચાલી હતી. નવી પદ્ધતિના કારણે કોર્પોરેટરો સાચા અર્થમાં પ્રજાના પ્રશ્નો રજૂ કરવા મેદાને આવ્યા હતા. ગૃહમાં વર્ષો પછી એવો માહોલ જોવા મળ્યો જ્યાં જનતાની સમસ્યાઓ પર ગંભીર ચર્ચા થઈ અને જે તે વિભાગના અધિકારીઓએ જાતે હાજર રહીને જવાબો આપવા પડ્યા હતા.
નવી ડીઆઈ પાઈપલાઈન નાખ્યા છતાં પાણીનો ફોર્સ કેમ ધીમો? બોર્ડમાં ગાજ્યો જળ વિતરણનો મુદ્દો
જનરલ બોર્ડમાં સૌથી વધુ સમય પાણી અને ડ્રેનેજ પ્રોજેક્ટની ચર્ચા પાછળ ગયો હતો. કોર્પોરેટરોએ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું કે, કરોડોના ખર્ચે નવી નાખેલી ડી.આઈ. પાઈપલાઈન છતાં અનેક વિસ્તારોમાં પાણીનો ફોર્સ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. અધિકારીઓની ટેકનિકલ બેદરકારીના કારણે જનતા તરસથી ટળવળી રહી હોવાના આક્ષેપો સાથે કોર્પોરેટરોએ એન્જિનિયરોને આડે હાથ લીધા હતા અને વહેલી તકે નળમાં પૂરતું પાણી આપવા માગ કરી હતી.
‘આરોગ્ય વિભાગનો રિપોર્ટ ૪૫ દિવસે આવે તે શરમજનક': ભાજપના જ કોર્પોરેટરનો પોતાની સત્તા સામે સવાલ
મહાપાલિકાની કામગીરીની પોલ ખોલતા ટાઉન પ્લાનિગ (ટીપી) અને આરોગ્ય વિભાગ સામે ફરિયાદોનો અંબાર લાગ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા લેવાતા ખાદ્ય પદાર્થોના નમૂનાનો રિપોર્ટ આવવામાં ૪૫ દિવસ જેટલો લાંબો સમય કેમ લાગે છે? તેવો ધારદાર સવાલ ખુદ શાસક પક્ષ ભાજપના જ કોર્પોરેટરે ઉઠાવ્યો હતો અને આ સ્થિતિને અત્યંત શરમજનક ગણાવી હતી. આ ઉપરાંત ટીપી વિભાગની ઢીલી નીતિ અને ભ્રષ્ટાચાર મામલે પણ ઉગ્ર સવાલો પૂછાયા હતા.
ચોમાસું માથે છતાં રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્યઃ ચોમાસા પહેલાં જનતાની સેફટી સામે કોર્પોરેટરો લાલઘૂમ
વર્ષાઋતુ બિલકુલ નજીક આવી ગઈ હોવા છતાં શહેરમાં વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત ખોદવામાં આવેલા ખાડાઓ હજુ સુધી પૂરવામાં આવ્યા નથી. પ્રી-મોન્સૂન કામગીરીની અધૂરી તૈયારીઓ મામલે કોર્પોરેટરોએ અધિકારીઓ પાસેથી જવાબો માગ્યા હતા. રસ્તાઓ પરના ખાડાના કારણે ચોમાસામાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે, ત્યારે તંત્ર આ ખાડા ક્યારે પૂરશે અને જનતાને કાદવ-કીચડથી ક્યારે મુક્તિ આપશે તેવા તીખા સવાલોથી બોર્ડ ગુંજી ઉઠ્યું હતું.
જનરલ બોર્ડમાં કોર્પોરેટરોની તડાફડી
વોર્ડ નંબર ૮ ના કોર્પોરેટર મનીષ ભટ્ટે જનરલ બોર્ડમાં કહ્યું બધે વહીવટ જ ચાલે છેઃ અધિકારીઓ હાઈ રાઇઝ બિલ્ડિંગ માં ધ્યાન આપે છે નાના ટેનામેન્ટમાં ધ્યાન પૂરતું અપાતું નથી : રોડ રસ્તાના પ્રશ્નો હોય કે ડીઆઈ પાઇપલાઇનના પ્રશ્નો અધિકારીઓ ધ્યાન આપતાજ નથી : મ્યુનિસિપલ કમિશનરને કોર્પોરેટરોએ મોઢે મોઢ તમારા અધિકારીઓ વહીવટ કરે છે તેવું કહેતા કોર્પોરેટરોએ આ વાતને વધાવી હતી
(3:57 PM IST)










