<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

આજીડેમ પોલીસે તમંચા-કાર્ટીસ સાથે નવાગામના રાજુને અને એસઓજીએ પિસ્‍તોલ સાથે કાલાવડ રોડની અફરોઝને પકડી

મુળ સાયલા પંથકનો રાજુ પંચાલ નવાગામ રહી મજુરી કરે છેઃ રણુજા મંદિર સામેથી પકડી લેવાયોઃ કાલાવડ રોડ આદિત્‍ય હાઉસીંગ સોસાયટીની અફરોઝ ઉર્ફે ફરીન અગાઉ ડ્રગ્‍સ કેસમાં પકડાઇ હતીઃ પાલનપુરના હિસ્‍ટ્રીશીટર અઝહરખાને સાચવવા આપ્‍યાનું રટણ : પીઆઇ એચ. એન. પટેલ, પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ એસ. વી. ગોહિલ, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ અને ટીમની કામગીરીઃ પિયુષભાઇ ચીરોડીયા, પ્રદિપસિંહ ગોહિલ, ફિરોઝભાઇ રાઠોડ, ઇન્‍દ્રસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૧૬: શહેરમાં કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે શહેર પોલીસ, બ્રાંચ, એસઓજીની ટીમો સતત સક્રિય છે. દરમિયાન ગેરકાયદે હથીયાર સાથે એક યુવાન અને એક મહિલાને અલગ અલગ દરોડામાં આજીડેમ પોલીસ તથા એસઓજીએ ઝડપી લીધા છે. આજીડેમ પોલીસે કોઠારીયા  રણુજા મંદિરની સામે લાપાસરીના રસ્‍તેથી નવાગામના શખ્‍સને તમંચા સાથે પકડયો છે. જ્‍યારે એસઓજીની ટીમે કાલાવડ રોડ પરની હાઉસીંગ સોસયાટીમાં રહેતી મહિલાને ગેરકાયદે દેશી પિસ્‍તોલ સાથે પકડી છે. આ મહિલાને પાલનપુરનો હિસ્‍ટ્રીશીટર થોડા દિવસ માટે આ હથીયાર સાચવવા આપી ગયાનું ખુલતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

શહેરના આજીડેમ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ગેરકાયદે પ્રવળત્તિઓ ડામવા માટે પોલીસ સતર્ક હોઇ સ્‍ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કોઠારીયા ચોકડી પાસેથી એક શખ્‍સને દેશી બનાવટના હથિયાર અને જીવતા કાર્ટીઝ સાથે ઝડપી લેવામાં આવ્‍યો છે. આ કામગીરી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એચ.એન. પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.

જાણવા મળ્‍યા મુજબ  હેડ કોન્‍સ્‍ટેબલ પિયુષભાઇ ચિરોડીયા, પ્રદિપસિંહ ગોહીલ, કુલદીપસિંહ જાડેજા અને વિરેન્‍દ્રસિંહ જાડેજા સહિતનો સ્‍ટાફ ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન રાત્રિના બાતમી મળી હતી કે રણુજા મંદિરની સામે લાપાસરી જવાના રસ્‍તે એક યુવાન શંકાસ્‍પદ હાલતમાં ઉભો છે અને તેની પાસે હથિયાર છે. બાતમીના આધારે પોલીસે તુરંત કાર્યવાહી કરી શકમંદને કોર્ડન કરી તલાશી લેતાં દેશી બનાવટનો રૂા. ૫ હજારનો તમંચો અને એક જીવતો કાર્ટીસ મળી આવતાં કબ્‍જે કરી આ શખ્‍સની પુછતાછ કરતાં તેણે પોતાનું નામ  રાજુ જગાભાઈ પંચાલ (ઉ.વ. ૨૧, રહે. નવાગામ, કુવાડવા રોડ, રાજકોટ) જણાવ્‍યું હતું.

પોલીસને તેના પેન્‍ટના નેફામાંથી તમંચો મળ્‍યો હતો.પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલીક,  ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત આ કામગીરી પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ એસ. વી. ગોહિલ અને ટીમે કરી હતી. રાજુ છુટક મજૂરી કરે છે અને મુળ સાયલાના ગુંદાયાવાડાનો વતની છે. આ શખ્‍સ તમંચો ક્‍યાંથી લાવ્‍યો? કોને આપવાનો હતો? તેની તપાસ થઇ રહી છે.

બીજા દરોડામાં શહેર એસઅદજીના એએસઆઇ ફિરોઝભાઇ રાઠોડ, ઇન્‍દ્રસિંહ જાડેજાની બાતમી પરથી કાલાવડ રોડ રતન વિલાસ પેલેસની સામે આદિત્‍ય-૭૯ હાઉસીંગ કો. ઓપરેટીવ સોસાયટી સર્વિસ સોસાયટી બ્‍લોક નં. એચ-૧૦૮માં દરોડો પાડી અફરોઝ ઉર્ફે ફરીનબેન ઇલ્‍યાસ આરબીયાણી (ઉ.વ.૩૮)ને રૂા. ૧૦ હજારની કિંમતની દેશી બનાવટની પિસ્‍તોલ સાથે પકડી લેવામાં આવી છે. આ મહિલા વિરૂધ્‍ધ અગાઉ બનાસકાંઠાના આગથળા પોલીસમાં નારકોટીક્‍સનો ગુનો દાખલ થયો હતો.

એસઓજીની ટીમે પુછતાછ કરતાં અફરોઝ ઉર્ફે ફરીનબેને રટણ કર્યુ હતું કે તેને આ પિસ્‍તોલ પાલનપુરમાં રેહતો તેનો પરિચીત અઝહરખાન પઠાણ સાચવવા આપી ગયો છે. થોડા દિવસ પહેલા તે રાજકોટ આવ્‍યો ત્‍યારે હથીયાર સાચવવા આપ્‍યું હતું. પોતે પછી  આ હથીયાર લઇ જશે તેમ કહ્યું હતું. પરંતુ બાદમાં લેવા આવ્‍યો નહોતો. અફરોઝખાનને પણ સકંજામાં લેવા તજવીજ થઇ રહી છે. તે પણ પાલનપુરનો હીસ્‍ટ્રીશીટર હોવાનું પોલીસને જાણવા મળ્‍યું છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ બી. જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ ફિરોઝભાઇ રાઠોડ, ઇન્‍દ્રસિંહ જાડેજા, હેડકોન્‍સ. મોૈલિકભાઇ સાવલીયા, દિગ્‍વીજયસિંહ ગોહિલ, કોન્‍સ. હાર્દિકસિંહ પરમાર, યોગેન્‍દ્રસિંહ ઝાલા અને કોન્‍સ. મોનાબેન બુસાએ આ કામગીરી કરી હતી.

(3:59 PM IST)