News of Monday, 20th July 2026
ચોટીલાના બે રિક્ષાચાલક અને રાજકોટના ડ્રાઇવરને ૩ દેશી પિસ્તોલ સાથે દબોચી લેવાયા ; જુઓ વિડિયો
‘વેપન કાર્ટેલ'માં પીસીબીએ વધુ ત્રણને પકડયાઃ કુલ ૩૪ હથીયાર જપ્ત થયા : ત્રણેયે શોખ માટે હથીયાર રાખ્યા હતાં!: ૧૭ આરોપીઓ પાસેથી જીવતા કાર્ટીસ પણ કબ્જે થયાઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, પીએસઆઇ આર. કે. જાડેજા અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૦: શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે હથીયારોની સપ્લાય કરતાં મધ્યપ્રદેશ મીરઝાપુરના શકીલ સાદીક મન્સુરી સહિત પાંચને અગાઉ હથીયારો સાથે પકડી લેવાયા બાદ પુછતાછમાં એક પછી એક આખી વેપન કાર્ટેલનો પર્દાફાશ થયો છે. વધુ ત્રણ શખ્સોને પીસીબીની ટીમે ૩ દેશી બનાવટની પિસ્તોલ સાથે પકડી લેતાં કુલ ૧૭ આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં ૩૪ ગેરકાયદે દેશી પિસ્તોલ, તમંચા અને જીવતા કાર્ટીસ જપ્ત થયા છે. ચોટીલાના બે રિક્ષાચાલક અને રાજકોટમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં એક શખ્સને પિસ્તોલ સાથે પકડી લેવાયા છે. આ ત્રણેયે શોખ ખાતર આ હથીયારો ખરીદીને રાખ્યા હતાં.
પીસીબીની ટીમે અગાઉ બાતમીના આધારે એમપીના સુત્રધાર સહિતને દબોચ્યા હતાં. આ શખ્સો પિસ્તોલ, તમંચા અને કાર્ટીસ સાથે ઝડપાયા બાદ વધુ વિગતો ખુલી હતી. શકીલ સાદીક મન્સુરીએ અગાઉ ચોટીલા પંથકના બે શખ્સો કિશોર કોબીયા, વિપુલ સાંકળીયા અને રાજકોટના સાવન ડાભીને ગેરકાયદે દેશી બનાવટના હથીયારો આપ્યા હોવાનું ખુલતાં આ ત્રણેયને પણ પકડી લેવાયા છે.
પોલીસે કિશોર ઉર્ફે ભગત વજાભાઇ કોબીયા (ઉ.વ.૩૬-રહે. ખેરડી (કાળાસર) તા. ચોટીલા), વિપુલ ઉર્ફે ભોલુ ભરતભાઇ સાંકળીયા (ઉ.વ.૩૩-રહે. ગોકુળધામ સોસાયટી, હરિધામની બાજુમાં મોટી વાડી પાસે ચોટીલા) અને સાવન કેશુભાઇ ડાભી (ઉ.વ.૨૬-રહે. માલધારી સોસાયટી-૩, આરટીઓ પાસે ગાર્ડન રેસ્ટોરન્ટ પાછળ)ને દેશી બનાવટની ૩ પિસ્તોલ રૂા. ૩૦ હજારની સાથે પકડી લીધા છે. કિશોર ઉર્ફે ભગત અને વિપુલ ઉર્ફે ભોલુ રિક્ષા ડ્રાઇવીંગ કરે છે અને રાજકોટનો સાવન છુટક ડ્રાઇવીંગ કરે છે. આ ત્રણેયે પ્રાથમિક પુછતાછમાં શોખ માટે હથીયાર રાખ્યાનું રટણ કર્યુ હતું. અત્યાર સુધીમાં પીસીબીની ટીમે કુલ ૧૭ આરોપીઓને પકડી લઇ ૩૪ પિસ્તોલ, તમંચા અને ૩૨ જીવતા કાર્ટીસ કબ્જે કર્યા છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચનાથી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચોૈહાણ, હેડકોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગોસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદિપસિંહ સરવૈયા, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને ડ્રા.હેડકોન્સ. જયેશભાઇ ગઢવીએ આ કામગીરી કરી છે.
(3:14 PM IST)










