<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

લોધીકાના ખીરસરા (રણમલજી)ની વીડીમાં પશુઓને ચરાવવાની મંજુરી આપોઃ ઘાસચારાનું વિતરણ કરો

રાજકોટ જીલ્લા પંચાયતના ૧૯ લોધીકાના સદસ્‍ય દિલીપભાઇ સરવૈયાની અર્જુનભાઇ મોઢવાડીયાને રજૂઆત

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા. ૯: રાજકોટ જીલ્લા પંચાયત ૧૯ લોધીકાના સદસ્‍ય દિલીપભાઇ ધીરૂભાઇ સરવૈયાએ રાજયમંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાને પત્ર પાઠવીને રજુઆત કરી છે.

તેઓએ જણાવ્‍યુ છે કે લોધિકા તાલુકામાં નહિવત અને અપૂરતા વરસાદના કારણે સમગ્ર વિસ્‍તારમાં દુષ્‍કાળ જેવી પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે. વરસાદની તંગીને લીધે સ્‍થાનિક ખેડૂતો અને માલધારીઓ માટે પોતાના પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીની વ્‍યવસ્‍થા કરવી અત્‍યંત મુશ્‍કેલ બની ગઈ છે. પશુપાલન એ આ વિસ્‍તારના ગ્રામજનોની ઉપજીવિકાનું મુખ્‍ય સાધન હોવાથી પશુધનને બચાવવું ખૂબ જ જરૂરી છે.લોધિકા તાલુકાના ખીરસરા (રણમલજી) મુકામે વન વિભાગ હસ્‍તકની સરકારી ‘વીડી' આવેલી છે, જેમાં હાલ પૂરતા પ્રમાણમાં કુદરતી ઘાસ ઉપલબ્‍ધ છે. જો આ વીડીમાં ખીરસરા તથા આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારના પશુઓને ચરાવવાની ખાસ મંજૂરી આપવામાં આવે, તો વિસ્‍તારના માલધારીઓને મોટી રાહત મળી શકે તેમ છે.ખીરસરા (રણમલજી) ગામની વન વિભાગની વીડીમાં આસપાસના ગામોના પશુઓને ચરાવવા માટે તાત્‍કાલિક ધોરણે મંજૂરી આપવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપશો. તથા પશુપાલકોની આર્થિક સ્‍થિતિને ધ્‍યાને રાખીને આ વિસ્‍તારમાં વિનામૂલ્‍યે ઘાસચારો પૂરો પાડવા માટે ઘાસ ડેપો/વિતરણ કેન્‍દ્ર શરૂ કરવાની મંજૂરી આપશો.આપશ્રી તરફથી આ બાબતે સત્‍વરે હકારાત્‍મક નિર્ણય લેવાશે તો હજારો પશુધનનો જીવ બચી શકશે અને લોધિકા તાલુકાના પશુપાલકોને આર્થિક હોનારતમાંથી ઉગારી શકાશે

(11:35 AM IST)