તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Monday, 1st June 2026
દેશવ્યાપી એલપીજી કટોકટી વચ્ચે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને નોંધાવ્યું રેકોર્ડબ્રેક લોડિંગ : મે મહિનામાં ૨૦૮૧ વેગન રવાના કરીને ઇતિહાસ રચ્યો
એપ્રિલ મહિનાના ૧૫૨૭ વેગન લોડિંગના રેકોર્ડને તોડીને ૩૬.૨૮ ટકાનો નોંધપાત્ર વધારો કરાયો : કાનાલુસ સ્થિત રિલાયન્સ રેલવે ટર્મિનલ પરથી દેશના વિવિધ રાજ્યોમાં ગેસનો પુરવઠો સુચારૂ રખાયો

રાજકોટ : દેશભરમાં એલપીજીની વધતી જતી માંગ અને પુરવઠા સંબંધિત વિવિધ પડકારો વચ્ચે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માલસામાન વહનના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાસલ કરી છે. રાજકોટ ડિવિઝન દ્વારા મે ૨૦૨૬ના માત્ર એક જ મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુ ૨૦૮૧ એલપીજી વેગનનું રેકોર્ડબ્રેક લોડિંગ નોંધાવીને રાષ્ટ્રીય ઉર્જા સપ્લાય ચેઇનને ખૂબ જ મજબૂત ટેકો પૂરો પાડવામાં આવ્યો છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ અભૂતપૂર્વ સિદ્ધિએ ડિવિઝનના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ સફળતા ભારતીય રેલવેની માલસામાન વહન ક્ષમતા ઝડપી કાર્યપ્રણાલી અને જનસેવા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાને સાબિત કરે છે. ડિવિઝન દ્વારા આ અગાઉ એપ્રિલ ૨૦2૬માં ૧૫૨૭ એલપીજી વેગનના લોડિંગનો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો જેને મે ૨૦૨૬માં પાછળ છોડીને ૨૦૮૧ વેગનનું ઐતિહાસિક લોડિંગ મેળવવામાં આવ્યું છે જે અગાઉના રેકોર્ડની સરખામણીમાં આશરે ૩૬.૨૮ ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
આ રેકોર્ડબ્રેક લોડિંગ રાજકોટ ડિવિઝનના કાનાલુસ સ્થિત રિલાયન્સ રેલવે ટર્મિનલ પરથી કરવામાં આવ્યું હતું. અહીંથી એલપીજી રેકને હરિયાણા ઉત્તર પ્રદેશ દિલ્હી મધ્ય પ્રદેશ તેલંગાણા છત્તીસગઢ અને ઓડિશા સહિત દેશના વિવિધ રાજ્યો માટે રવાના કરવામાં આવ્યા હતા. આ ઝડપી પરિવહને દેશવ્યાપી એલપીજી પુરવઠો સુચારૂ રાખવામાં રાજકોટ ડિવિઝનની મહત્વની ભૂમિકાને રેખાંકિત કરી છે.
આ ગૌરવપૂર્ણ પ્રસંગે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે દેશવ્યાપી એલપીજી પુરવઠાને સુચારૂ રાખવામાં રાજકોટ ડિવિઝન ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. કાનાલુસ સ્થિત રિલાયન્સ રેલવે ટર્મિનલ પરથી થયેલું આ રેકોર્ડ લોડિંગ ભારતીય રેલવેની માલસામાન વહન ક્ષમતા ઉત્કૃષ્ટ ટીમ વર્ક અને શ્રેષ્ઠ સંકલનનું એક બેજોડ ઉદાહરણ છે.
રાજકોટ ડિવિઝન દ્વારા માલસામાનની હેરફેરના ક્ષેત્રમાં સતત નવી ઊંચાઈઓ સર કરવામાં આવી રહી છે. આવી જ રીતે દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓનો સમયસર અને સુરક્ષિત પુરવઠો સુનિશ્ચિત કરીને રાજકોટ ડિવિઝન રાષ્ટ્રની પ્રગતિ અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન સતત આપી રહ્યું છે.
(4:37 PM IST)










