<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

ઉથલ-પાથલની અટકળો વચ્‍ચે પ્રદેશ મહામંત્રીએ મોબાઈલના સ્‍પીકર પર જાહેર કર્યા પદાધિકારીઓના નામ

રાજકોટઃ મહાનગરપાલિકાના પાંચ મુખ્‍ય હોદાઓ માટે પ્રદેશ હાઈકમાન્‍ડ દ્વારા ફાઈનલ કરાયેલા નામોમાં છેલ્લી ઘડીએ ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્‍યા હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્‍યું છે. જોકે શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓએ આવા તમામ દાવાઓને સ્‍પષ્ટપણે નકારી કાઢયા છે.

ઉથલ-પાથલની ચર્ચાઓ વચ્‍ચે પ્રદેશ ભાજપ મહામંત્રી તથા રાજકોટના સંગઠન પ્રભારી અનિરુદ્ધભાઈ દવેએ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેના મોબાઈલ પર ફોન કરીને ચાલુ સંકલન બેઠક દરમિયાન જ પાંચેય પદાધિકારીઓના નામોની જાહેરાત કરી હતી. માધવ દવેએ મોબાઈલનું સ્‍પીકર ચાલુ કરી ફોનને માઈક પાસે રાખતાં બેઠકમાં ઉપસ્‍થિત આગેવાનો સમક્ષ સીધી જાહેરાત કરવામાં આવી હતી.

ચર્ચાઓના માહોલ વચ્‍ચે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ સ્‍પષ્ટતા કરતા જણાવ્‍યું હતું કે, પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે પ્રભારી તરીકે પોતે જ નામોની જાહેરાત કરવા ઈચ્‍છતા હતા. તેથી મોબાઈલના સ્‍પીકર દ્વારા સંકલન બેઠકમાં સીધી જાહેરાત કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, તે પહેલાં કોઈ પણ પ્રકારનું નામોનું લીસ્‍ટ પ્રાપ્ત થયું નહોતું.

(3:45 PM IST)