<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

પારેવડી ચોકમાં રસ્‍તો ઓળંગી રહેલા જંગલેશ્વરના વૃધ્‍ધા હલુબેન ચાવડાનું એસટી બસની ઠોકરે મોત

મોચીનગરમાં બહેનના ઘરે જતી વખતે બનાવઃ બી-ડિવીઝન પોલીસે બસચાલક સામે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૮: પારેવડી ચોકમાં રસ્‍તો પસાર કરી રહેલા જંગલેશ્વરમાં રહેતાં  વૃધ્‍ધા હલુબેન અબ્‍દુલભાઇ ચાવડા (ઉ.વ.૭૦) એસટી બસની ઠોકરે ચડી જતા ગંભીર ઇજા થતાં મોત થયું છે. આ વૃધ્‍ધા પોતાના મોચી બજારમાં પોતાના બહેનના ઘરે જવા નીકળ્‍યા ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ જંગલેશ્વર હુશેની ચોક શેરી નં. ૨માં શાહબાઝ પાનવાળી શેરીમાં રહેતાં હલુબેન ચાવડા ગઇકાલે ઘરેથી મોચી બજારમાં રહેતાં બહેન રોશનબેનના ઘરે જવા નીકળ્‍યા ત્‍યારે પારેવડી ચોકમાં રસ્‍તો ઓળંગતા હતાં ત્‍યારે એસટી બસની ઠોકરે ચડી જતાં બસની જમણી બાજુના પાછળના ટાયર નીચે આવી જતાં બંને પગમાં ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિથી વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરતી વખતે ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે જ હલુબેન બેભાન થઇ જતાં ફરી સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર હલુબેનને સંતાનમાં ત્રણ દિકરા અને એક દિકરી છે. પોતે દિલાવરભાઇ ચાવડા સાથે રહેતાં હતા. બી-ડિવીઝન એએસઆઇ કે. વી. ગોહિલે દિવાલરભાઇની ફરિયાદ પરથી બસના ચાલક રણજીતસિંહ વાઘેલા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. અકસ્‍માત સર્જાયો ત્‍યારે એસટી બસના આ ડ્રાઇવરે વૃધ્‍ધા પાસે આવી પોતાનું નામ જણાવ્‍યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:45 PM IST)