તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Friday, 6th November 2026
શારીરિક મર્યાદાઓને મ્હાત આપનાર રાજકોટના તેજસ્વી યુવાન સ્મિત ચાંગેલાની અભૂતપૂર્વ પ્રેરણાદાયી સફર
હાથ-પગ અશક્ત હોવા છતાં ધોરણ-૧૦ અને ૧૨માં ડંકો વગાડનાર સ્મિતને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી મળ્યો પ્રોત્સાહન પત્રઃ કલેક્ટર બની દિવ્યાંગોની સેવા કરવાનું છે અડગ લક્ષ્ય ‘નોઝ ટિપ'થી ટાઈપિંગ કરી મેળવ્યો ગોલ્ડ મેડલ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાઠવવામાં આવ્યા અભિનંદન

રાજકોટઃ રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલા આદિત્ય હાઇટ્સમાં રહેતા અને ૨૨ વર્ષની યુવા વયે અસાધારણ ઇતિહાસ રચનાર સ્મિત ચાંગેલા આજે સમગ્ર ગુજરાત અને દેશના યુવાનો માટે એક જીવંત પ્રેરણાષોત બની ગયા છે. જન્મજાત શારીરિક વિષમતાઓને કારણે વ્હીલચેર પર નિર્ભર રહેવું પડતું હોવા છતાં અને હાથ-પગ બિલકુલ કાર્યરત ન હોવા છતાં, સ્મિતએ પોતાની દ્રઢ મનોબળ અને અથાક મહેનતના બળે અકલ્પનીય સફળતાઓ હાંસલ કરી છે.
તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેમને એક વિશેષ પ્રોત્સાહન પત્ર પાઠવવામાં આવ્યો છે, જે તેમના સંઘર્ષની સાચી કદર સમાન છે. આ વિશેષ પત્ર મળતાની સાથે જ સ્મિતએ મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ માત્ર એક પ્રોત્સાહન પત્ર નથી, પરંતુ તેમના વર્ષોના સંઘર્ષ અને અથાક મહેનતનું પરિણામ છે.
સ્મિતની અસાધારણ સિદ્ધિઓ અને સંઘર્ષની ગાથા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્મિતને સંબોધીને મોકલેલા પત્રમાં તેમની અદ્વુત સિદ્ધિઓની પ્રશંસા કરી છે. સ્વામી વિવેકાનંદના ‘ઉતિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત' (ઉઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો) સૂત્રને તેમણે પોતાના જીવનમાં સાર્થક કરી બતાવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે વિપરીત પરિસ્થિતિઓમાં પણ અડગ આત્મવિશ્વાસ દાખવનાર સ્મિત અને તેમના પરિવાર દ્વારા આપવામાં આવેલું સમર્થન બંને અત્યંત આદરને પાત્ર છે. તેમની આ જીદ અને સક્ષમતા આવનારા સમયમાં વહીવટી પ્રશાસનમાં ચોક્કસપણે નવો આશાવાદ લાવશે.
શિક્ષણ ક્ષેત્રે મેળવેલી ઐતિહાસિક સિદ્ધિઓઃ
સ્મિતની શૈક્ષણિક સફર અત્યંત સંઘર્ષભરી અને ગૌરવવંતી રહી છે. શાળાના દિવસોમાં તેમના માતા-પિતા તેમને રોજ શાળાએ મૂકવા જતા અને આજે પણ તેમનો તમામ સહારો પરિવાર જ બને છે. તેમણે માર્ચ-૨૦૨૦ની ધોરણ-૧૦ ની બોર્ડ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં દિવ્યાંગ કેટેગરીમાં ૯૮.૧૫ PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ માર્ચ-૨૦૨૨માં ધોરણ-૧૨ ની પરીક્ષામાં ૯૯.૯૭ PR મેળવીને દિવ્યાંગ કેટેગરીમાં બોર્ડમાં પ્રથમ અને જનરલ કેટેગરીમાં બોર્ડમાં ત્રીજું સ્થાન મેળવીને સળંગ ઇતિહાસ રચ્યો હતો. આ અદ્વુત સિદ્ધિ બદલ તારીખ ૧૨ જૂન ૨૦૨૩ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના હસ્તે તેમને વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ૨૦૨૫માં તેમણે બેચલર ઓફ કોમર્સ (B.Com) નો અભ્યાસ ૯.૮ CGPA સાથે યુનિવર્સિટી ટોપર એટલે કે ગોલ્ડ મેડલ મેળવીને પૂર્ણ કર્યો છે.
‘નોઝ ટિપ'થી ટાઈપિગ અને રાષ્ટ્રીય રેકોડઃ
શારીરિક અક્ષમતાને ક્યારેય પોતાની મુસાફરીમાં બાધક ન બનવા દેતા સ્મિતએ મોબાઈલ સ્ક્રીન અને લેપટોપ પર નાકના ટેરવાથી (Nose Tip) અદ્વુત ઝડપે ટાઈપિગ કરવાનું અનોખું કૌશલ્ય વિકસાવ્યું છે. આ અતિ કઠિન કૌશલ્યના આધારે તેમણે ૧૦ મે ૨૦૨૩ના રોજ ૧ મિનિટમાં ૩૬ શબ્દો અને ૧૫૧ કેરેક્ટર ટાઈપ કરીને ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ' (India Book of Records) માં પોતાનું નામ નોંધાવ્યું હતું. તેમની આ પ્રેરણાદાયી ગાથાને અખબારો સહિતના દેશના પ્રતિષ્ઠિત ન્યૂઝ હાઉસિસ દ્વારા ટેલિવિઝન, યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર મોટા પાયે કવર કરવામાં આવી છે, તેમજ ઇન્ટરનેટ પર તેમના ૧૦૦થી વધુ ઇન્ટરવ્યુ ઉપલબ્ધ છે. તેમને અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રેષ્ઠ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે.
બહુમુખી પ્રતિભા અને યુવા પેઢી માટે માર્ગદર્શનઃ
માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ સ્મિતએ સ્વબળે આર્થિક આત્મનિર્ભરતા પણ મેળવી છે. કોરોના લોકડાઉન દરમિયાન તેમણે જાતે જ એફિલિએટ માર્કેટિગ શીખીને ટૂંક સમયમાં શૂન્ય રોકાણથી એક લાખ રૂપિયા જેવી આવક ઊભી કરી હતી. હાલ તેઓ સ્ટોક માર્કેટનું નિષ્ણાત જ્ઞાન ધરાવે છે અને અન્ય લોકોને પણ શીખવે છે, જે દિવ્યાંગો માટે આર્થિક સ્વતંત્રતાનો ઉત્તમ વિકલ્પ છે. આ ઉપરાંત, તેઓ સોશિયલ મીડિયા માર્કેટિગ સંભાળે છે, વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને મોટિવેશનલ સ્પીકર તરીકે દિવ્યાંગ મિત્રોને સતત પ્રોત્સાહિત કરતા રહે છે. અગાઉ તેમને કેન્દ્ર સરકારમાં ABPM ની નોકરીની ઓફર મળી હતી, પરંતુ IAS બનીને દેશસેવા કરવાનું તેમનું સ્પષ્ટ લક્ષ્ય હોવાથી તેમણે તે નોકરી જતી કરી હતી.
કલેક્ટર બનીને દિવ્યાંગોના પ્રશ્નો ઉકેલવાનો નિર્ધારઃ
હાલ તેઓ માસ્ટર ઓફ કોમર્સ (M.Com) ના અભ્યાસની સાથેસાથે યુપીએસસી (UPSC) ની સખત તૈયારી કરી રહ્યા છે. દિવ્યાંગજનોને રોજિંદા જીવનમાં નડતી મુશ્કેલીઓ જેવી કે એક્સેસિબિલિટી (પહોંચ), સંસદમાં દિવ્યાંગોનું પ્રતિનિધિત્વ ન હોવું અને તેમની સમસ્યાઓ સરકાર સુધી યોગ્ય રીતે ન પહોંચવી જેવા પ્રશ્નોના કાયમી ઉકેલ લાવવા માટે તેઓ IAS અધિકારી બનીને વહીવટી તંત્રમાં જોડાવા માંગે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પોતાના પ્રોત્સાહન પત્રમાં સ્મિતના આ અડગ આત્મવિશ્વાસ અને પરિવારોના સહયોગની મુક્તકંઠે પ્રશંસા કરી છે અને તેમની આ જીદ તથા સક્ષમતા પ્રશાસનમાં નવો આશાવાદ લાવશે તેમ જણાવી ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
(2:51 PM IST)










