<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

વિતરાગ સોસાયટીમાં જલારામ જયંતિ ઉજવણીની તૈયારી કરી રહેલા અંકિતભાઇ શેઠને ઉમંગ પટેલે છરી ઝીંકી દીધી

મંદિરના ચોગાનમાં શાકભાજી ખાલી કરવાના હોઇ અંકિતભાઇ છોટાહાથી લઇ અંદર જતાં હતાં ત્‍યારે સ્‍કોર્પિયો ચાલક ઉમંગે તારુ વાહન ઝડપથી બહાર કાઢ કહી ઝઘડો કર્યોઃ ઢીકાપાટુનો માર મારી છરી ઝીંકીઃ સોસાયટીના રહેવાસઓએ વધુ મારથી બચાવ્‍યાઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૬: ગાંધીગ્રામ વિતરાગ સોસાયટીમાં આવેલા શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે રવિવારે રાતે સોસાયટીના રહેવાસી-સદસ્‍યો-કાર્યકરો શ્રીજલારામ જયંતિની ઉજવણીની તૈયારી કરતાં હતાં ત્‍યારે એક રહેવાસી મંદિર ખાતે પોતાના છોટાહાથીમાં રહેલા શાકભાજી ખાલી કરવા મંદિરના ગેઇટમાં વાહન લઇને આવતાં તે વખતે જ સામેથી એક સ્‍કોર્પિયો ચાલક આવતો હોઇ તેણે તારી ગાડી ઝડપથી બહાર કાઢ તેમ કહી ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી છરીનો ઘા ઝીંકી દેતાં દેકારો મચી ગયો હતો. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી ભાગી ગયેલા હુમલાખોરની શોધખોળ હાથ ધરી હતી.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે નાણાવટી ચોક પાસે વિતરાગ સોસાયટી સી-૫માં રહેતાં અને સાઉન્‍ડ સિસ્‍ટમનો વેપાર કરતાં અંકિતભાઇ ગુણવંતરાય શેઠ (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી કાળા કલરની સ્‍કોર્પિયોમાં આવેલા ઉમંગ ભૂત નામના શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. અકિંતભાઇ શેઠે ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું. અમારી સોસાયટીના બિલ્‍ડીંગમાં બે માસથી જતીનભાઇ મજેઠીયાના મકાનમાં એક ફેમિલી ભાડેથી રહેવા આવ્‍યું છે, જેમાં અનિતાબેન આશરે દસેક દિવસ પહેલા મૃત્‍યુ પામ્‍યા છે.

અકિતભાઇએ વધુમાં જણાવ્‍યું છે કે  હાલ અનિતીનાબેનના દિકરી સુમનબેન અને તેના સંબંધીઓ સાથે અહિ રહે છે. રવિવારે ૧૫/૧૧ના રાતે અગીયારેક વાગ્‍યે હું અને અભિજ્ઞભાઇ વેગડ તથા રોહિતભાઇ કારીયા, દેવભાઇ રાઠોડ, રાજેશભાઇ દેસાઇ એમ સોસાયટીના માણસો અમારી સોસાયટીના સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે જલારામ જયંતિની ઉજવણીની તૈયારી માટે ભેગા થયા હતાં. આ વખતે મારુ શાકભાજી ભરેલુ છોટાહાથી વાહન મંદિરની બાજુના રોડ પર પાર્કિંગમાં રાખ્‍યું હતું. આ શાકભાજી મંદિરના સ્‍ટોર રૂમમાં ખાલી કરવાના હતાં. પણ વચ્‍ચે ટેબલ રાખેલ હોઇ જેથી સોસાયટીના કાર્યકરોએ ટેબલ હટાવતાં હું છોટા હાથી લઇ મંદિરના ચોગાનમાં શાકભાજી ખાલી કરવા માટે ગયો હતો. ગેઇટમાં અંદર જતો હતો ત્‍યાં જ એક ભાઇ કાળા રંગની સ્‍કોર્પિયો ગાડી લઇ બહાર આવતાં હતાં. આથી અમારા બંનેના વાહન સામ સામે આવી ગયા હતાં. 

આ વખતે સ્‍કોર્પિયોના ચાલકે-તું ઝડપથી તારુ વાહન બહાર કાઢ તેમ મને કહી બોલાચાલી કરી ગાળો દેવા માંડતાં હું તેને સમજાવવા ગયો હતો કે શાકભાજીનો થોડો સામાન ઉતારીને લઇ લઉ છું. આ સાંભળતા જ સ્‍કોર્પિયોના ચાલકે ઉશ્‍કેરાઇ જઇ તેની ગાડીમાંથી છરી કાઢી હતી અને મારી પાસે આવી ગાળો દેવા માંડયો હતો. તેમજ મને ઢીકાપાટુનો માર મારવા માંડયો હતો. છરીનો એક ઘા તેણે મને ડાબા કાન નીચે ગળા પાસે મારી દીધો હતો. હું મારો બચાવ કરવા લાગ્‍યો હતો. આ વખતે આસપાસથી માણસો આવી જતાં મને મારથી બચાવ્‍યો હતો. આ વખતે જ ૧૧૨ પોલીસ વાન આવતી હોઇ તેની લાઇટ જોઇ જતાં સ્‍કોર્ર્પિયોનો ચાલક જતો રહ્યો હતો.

બાદમાં અમે તપાસ કરતાં ખબર પડી હતી કે સોસાયટીમાં રહેતાં સુમનબેનનો આ સ્‍કોર્પિયો ચાલક સંબંધી હતો અને તેનું નામ ઉમંગ ભુત છે. મને સારવાર માટે ૧૦૮ મારફત હોસ્‍પિટલે લઇ જવાયો હતો. છરીનો ઘા લાગ્‍યો હોઇ ડોક્‍ટરે ટાંકા લઇ રજા આપી હતી. બાદમાં મેં પોલીસ ફરિયાદ કરી હતી. મારા છોટાહાથીમાંથી શાકભાજી ઉતારવા હોઇ જેથી મેં સ્‍કોર્પિયો ચાલકને તેની ગાડી કાઢવામાં થોડી વાર રાહ જોવાનું કહેતાં ઉશ્‍કેરાઇ જઇ મને ઢીકાપાટુ માર્યા હતાં અને છરી પણ ઝીંકી હતી. તેમ વધુમાં અંકિતભાઇએ જણાવતાં ગાંધીગ્રામ પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં એએસઆઇ અમે. એ. વાઘેલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:48 PM IST)