<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

રાજકોટની ૧૬ વર્ષની અપહૃત સગીરાને એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે નાસિકથી શોધી કાઢી

માલવીયાનગર પોલીસમાં ચાર મહિના પહેલા ગુનો દાખલ થયો હતો : પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ અજયભાઇ શુક્‍લા, હસમુખભાઇ, જીજ્ઞેશભાઇ સહિતની ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૦:  શહેરમાંથી અપહરણ થયેલા સગીરોને શોધી કાઢવા માટે એન્‍ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને ખાસ સુચનાઓ આપવામાં આવી હતી. આ ઝુંબેશના ભાગરૂપે રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્‍ટેશન ખાતે  નોંધાયેલા ૧૬ વર્ષની સગીરાના અપહરણના ગુનાની તપાસ એન્‍ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને સોંપવામાં આવી હતી. આ ટીમે અપહૃત સગીરાને નાસિકથી શોધી શકમંદ આરોપીને પણ પકડી માલવીયાનગર પોલીસને સોંપ્‍યો છે. ચારેક મહિના પહેલા આ સગીરાના અપહરણની ફરિયાદ દાખલ થઇ હતી.

 એન્‍ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટના એએસઆઇ અજયકુમાર શુક્‍લા, પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ હરસુખભાઇ ડી. વાછાણી, જીગ્નેશભાઈ આર. મારૂ પોલીસ કોન્‍સ્‍ટેબલ હસમુખભાઇ બાલધા, મહેશ ગણેશપ્રસાદ પ્રસાદ તથા જયોતિબેન બાબરીયા દ્વારા ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન રીસોર્સના આધારે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ભોગબનનાર સગીરા મહારાષ્‍ટ્રના નાસિક ખાતે છે. જે અંગેની પુષ્ટિ થતા યુનીટના પીએસઆઇ બી.વી. ચુડાસમા  ટીમ સાથે તાત્‍કાલિક તપાસ માટે નાસિક પહોંચ્‍યા હતાં. નાસિકમાં ભોગબનનારનો ફોટો બતાવી અલગ-અલગ વિસ્‍તારોમાં તપાસ કરતા સગીરા મળી આવી હતી.  પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર કે.કે. ગોહીલ, પીએસઆઇ બી.વી. ચુડાસમા, એએસઆઇ અજયકુમાર શુક્‍લા, હેડકોન્‍સ. જીજ્ઞેશભાઇ મારૂ, હરસુખભાઇ વાછણી, કોન્‍સ. હસમુખભાઇ બાલધા, મહેશ ગણેશપ્રસાદ,  જ્‍યોતીબેન બાબરીયા તથા ડ્રાઇવર પોલીસ કોન્‍સ્‍ટેબલ સુર્યકાંતભાઈએ આ કામગીરી કરી હતી.

 

(12:28 PM IST)