તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
News of Wednesday, 15th July 2026
મિલ્કત નામ ટ્રાન્સફર અને નળ જોડાણની અરજી પ્રક્રિયા થશે ઓનલાઇન
નાગરિકોને મનપાની કચેરીએ ધક્કામાંથી મળશે છુટકારોઃ તૈયારીઓ શરૂ : ઓનલાઇન અરજી સાથેના ડોકયુમેન્ટ ચકાસણી બાદ અરજદાર નાણા ભરી શકે તેવી સુવિધા અપાશેઃ મનપાના આરોગ્ય કેન્દ્રને પણ એકબીજા સાથે ઓનલાઇન લીંક કરાશે

રાજકોટ,તા.૧૫: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને વધુ ઝડપી અને પારદર્શક સેવા મળી રહે તે માટે ટેક્સ વિભાગની નામ ટ્રાન્સફર તેમજ નળ જોડાણની અરજી પ્રક્રિયા ઓનલાઇન કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ માટે વિશેષ સોફ્ટવેર ડેવલપ કરવામાં આવી રહ્યું છે.
નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ નાગરિકો નામ ટ્રાન્સફર અને નળ જોડાણ માટે ઓનલાઇન અરજી કરી શકશે. સંબંધિત અધિકારીઓ ઓનલાઇન અરજી સાથે રજૂ થયેલા દસ્તાવેજોની ચકાસણી કરશે. અરજી મંજૂર થયા બાદ અરજદાર ઓનલાઇન નાણાં ભરી શકશે અને ત્યારબાદ નામ ટ્રાન્સફર અથવા નળ જોડાણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની મેડિકલ હિસ્ટ્રી થશે ડિજિટલ મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રોને પણ એકબીજા સાથે ઓનલાઇન લિંક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સિસ્ટમ દ્વારા દર્દીઓની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી ડિજિટલ સ્વરૂપે સાચવવામાં આવશે.
દર્દીના આધાર નંબર સાથે જોડાયેલા મોબાઇલ નંબરના આધારે તેની ફાઇલ કમ્પ્યુટર સ્ક્રીન પર ઉપલબ્ધ થશે. દર્દીએ અગાઉ લીધેલી દવાઓ, કરાવેલા ટેસ્ટ, મેડિકલ રિપોર્ટ અને અન્ય સારવાર સંબંધિત તમામ રેકોર્ડ સિસ્ટમમાં સચવાશે.
આ વ્યવસ્થાનો સૌથી મોટો લાભ એ રહેશે કે દર્દી રાજકોટ મહાનગરપાલિકાના કોઈપણ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે જાય ત્યારે તેનો અગાઉનો મેડિકલ રેકોર્ડ તાત્કાલિક જોઈ શકાશે. પરિણામે ડોક્ટરને દર્દીની સારવાર અને રોગના ઇતિહાસ અંગે ચોક્કસ માહિતી મળી રહેશે.
મહાનગરપાલિકા હેઠળ હાલમાં કુલ ૩૧ આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. બજરંગવાડી આરોગ્ય કેન્દ્ર ખાતે આ ડિજિટલ સિસ્ટમનો સફળ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યો છે. આરોગ્ય કેન્દ્રોમાં જેટલી ઓપીડી નોંધાશે, એટલા દર્દીઓનો ડિજિટલ મેડિકલ રેકોર્ડ તૈયાર થતો જશે.
મહાનગરપાલિકા દ્વારા વિવિધ નાગરિક સેવાઓ અને આરોગ્ય સેવાઓને ઓનલાઇન બનાવી કામગીરીમાં ઝડપ, પારદર્શિતા અને સરળતા લાવવા માટે આ તૈયારીઓ કરવામાં આવી રહી છે. (
(2:48 PM IST)










