<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

​સિવિલ હોસ્પિટલ રાજકોટમાં તબીબો અને સ્ટાફની સરાહનીય સેવા: બે દર્દીઓને મળી નવી જિંદગી: બીજા કિસ્સામાં એકલવાયું જીવન જીવતા ૫૦ વર્ષીય વિક્રમભાઈ સોલંકીને સારવાર સાથે મળ્યો ‘માનવતાનો સહારો’

ત્રણ વર્ષની અસહ્ય પીડા બાદ ૫૬ વર્ષીય મુકેશભાઈ પટેલને મળી ચાલવાની નવી આશા: ઢાંકણી બદલવાનું જટિલ ઓપરેશન સફળ રહ્યું

રાજકોટ: દુખાવા વગર જીવવાની ક્ષણ જ્યારે માણસને પાછી મળે છે, ત્યારે એ માત્ર તબીબી સફળતા નથી રહેતી પરંતુ એક દર્દી માટે જીવનની નવી શરૂઆત બની જાય છે. આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, રાજકોટ ખાતે સામે આવ્યો છે, જ્યાં ત્રણ વર્ષથી ગોઠણની તકલીફથી પીડાતા દર્દીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. સત સેવા ગાંડા ની મોજ આશ્રમ (દેગામ, ખીરસરા) ખાતે રહેતા ૫૬ વર્ષીય મુકેશભાઈ બાબુભાઈ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી જમણા ગોઠણના અસહ્ય દુખાવા અને ચાલવાની મુશ્કેલીથી પીડાતા હતા. તેઓ તા. ૧૨-૦૯-૨૦૨૬ના રોજ પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા. જરૂરી તબીબી તપાસ બાદ ઓર્થોપેડિક વિભાગ દ્વારા તેમના જમણા ગોઠણની ઢાંકણી બદલવાનું ઓપરેશન (Knee Replacement) કરવાનો નિર્ણય લેવાયો હતો. તા. ૧૭-૦૯-૨૦૨૬ના રોજ તબીબોની વિશેષ ટીમ દ્વારા આ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. સર્જરી બાદ મુકેશભાઈ હવે દુખાવા વગર બેસી અને ચાલી શકે છે. ત્રણ વર્ષની પીડામાંથી રાહત મળતાં તેમના ચહેરા પર ખુશી અને રાહતની લાગણી જોવા મળી હતી.

​ઓપરેશન કરનાર તબીબી ટીમ તથા સ્ટાફ: ​મુકેશભાઈની સફળ સારવારમાં ઓર્થોપેડિક વિભાગના વડા (HOD) Dr. નિકુંજ મારું, Associate Professor Dr. દીક્ષિત સવજીયાની, Assistant Professors Dr. શ્રીપાલ દોશી અને Dr. કુલદીપ પરમાર, Resident Doctors Dr. ચિરાગ વાઘેલા (R3), Dr. ગણેશ ટાંક (R3), Dr. વિરાજ પટેલ (R3), Dr. મુક્તેશ મેહતા (R2), Dr. સુરજ મિશ્રા (R2), Dr. ધવલ (R1), Dr. મિત પટેલ (R1) અને Dr. દેવ જેઠવા (R1) તેમજ સમગ્ર નર્સિંગ સ્ટાફ અને વર્ગ-૪ ના કર્મચારીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

તેમજ અન્ય કિસ્સામાં તબીબી સારવારની સાથે જ્યારે હૂંફ અને માનવતા ઉમેરાય છે ત્યારે હોસ્પિટલ માત્ર ઇલાજનું કેન્દ્ર ન રહેતાં આશાનું સ્થાન બની જાય છે. રાજકોટના રામનાથ મહાદેવ મંદિર ખાતે એકલવાયું જીવન વિતાવતા ૫૦ વર્ષીય વિક્રમભાઈ સોલંકી માટે પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ આવી જ એક આશાનું કિરણ સાબિત થઈ છે. 

​નબળાઈ અને માથાના અસહ્ય દુખાવાની ફરિયાદ બાદ વિક્રમભાઈને તા.૧૩-૦૯ના રોજ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના મેડિસિન વોર્ડ નં. ૧૦માં દાખલ કરવામાં આવ્યા હતા. પત્ની અને દીકરી હોવા છતાં મનમાં અસંતોષ અને એકલાપણાનો અનુભવ કરતા વિક્રમભાઈને હોસ્પિટલની હેલ્પ ડેસ્ક ટીમે સંવેદનશીલતાથી સાંભળ્યા હતા. દવાઓની સાથે સાથે તેમને માનસિક હૂંફ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પૂર્ણ સારવાર બાદ તબિયતમાં સુધારો આવતાં તા. ૧૯-૦૯-૨૦૨૬ના રોજ તેમને સન્માનપૂર્વક ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

​વિક્રમભાઈની સફળ સારવારમાં મેડિસિન વિભાગના વડા Dr. મનીષા પાંચાલ તથા Resident Doctors Dr. ક્રિષ્ના (R1), Dr. પ્રિયંકા (R2), Dr. સાહીલ (R3) અને વોર્ડના નર્સિંગ તથા વર્ગ-૪ ના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત દર્દીને સેવાકીય માર્ગદર્શન પૂરું પાડવામાં તબીબી અધિક્ષક Dr. કામલસિંહ ડોડીયા, RMO તથા હેલ્પ ડેસ્કના આસિસ્ટન્ટ નોડલ ઓફિસર Dr. હર્ષદ દૂસરા, HR મેનેજર ભાવનાબેન સોની અને તેમની સમગ્ર હેલ્પ ડેસ્ક ટીમ સતત કાર્યરત રહી હતી.

(11:52 AM IST)