News of Monday, 25th May 2026
બાઇક ચોરી આઠ મહિનાથી ફેરવતો અરમાન સોઢા આજીડેમ પોલીસના હાથે પકડાઇ ગયો
માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો ગુનો ઉકેલાયો

રાજકોટ તા. ૨૫: વાહન ચોરીના ગુનાઓ ડીટેકટ કરવા અને ઉઠાવગીરોને શોધી કાઢવાની સુચના અંતર્ગત આજીડેમ પોલીસે એક વાહનચોરને પકડયો હતો જેના કારણે આઠ મહિના પહેલા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો ગુનો ઉકેલાયો હતો.
આજીડેમ પોલીસની ટીમે વાહન ચોરીના ગુના ઉકેલવા, શકમંદોને શોધવા પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. હાર્દિકભાઇ સાંગા અને કોન્સ. કુલદીપસિંહ જાડેજાને બાતમી મળતાં માલધારી ફાટક પાસેથી જીજે૦૩ઇક્યુ-૯૩૧૩ નંબરના બાઇક સાથે નીકળેલા શખ્સને પકડી લીધો હતો. પુછતાછમાં આ શખ્સે પોતાનું નામ અરમાન જીતેન્દ્રભાઇ સોઢા (ઉ.વ.૨૧-રહે. મવડી હુડકો ક્વાર્ટર, ગોવર્ધન ચોક) જણાવ્યું હતું અને હોન્ડા પોતાનું જ હોવાનું રટણ કર્યુ હતું.
પોલીસે વાહનના કાગળો માંગતા ગલ્લા તલ્લા કરવા માંડયો હતો. આથી પોલીસે વિશેષ પુછતાછ કરતાં તેણે આઠ મહિના પહેલા આ વાહનની ચોરી માલવીયાનગર પોલીસની હદમાંથી કરી હોવાનું કબુલ્યું હતું. છુટક મજૂરી કરતાં શખ્સે આ વાહન ફેરવવા માટે ચોરી કર્યાનું કબુલતાં ૨૫ હજારનું વાહન જપ્ત કરી માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. ઇન્ચાર્જ ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. વી. જાદવની સુચના અંતર્ગત પીઆઇ એચ. એન. પટેલના માર્ગદર્શનમાં પીએસઆઇ એસ. વી. ગોહિલ, હેડકોન્સ. હાર્દિકભાઇ સાંગા, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, મહેશભાઇ કોઠીવાળ, વિશ્વરાજસિંહ પરમાર અને પ્રતિકભાઇ બોરસદીયાએ આ કામગીરી કરી હતી.
(4:08 PM IST)










