<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

લોઠડામાં ૮ થી ૧૦ એકર સરકારી જમીન ઉપર રપ૦ થી ૩૦૦ જેટલા દબાણોઃ રપ૦ થી ૩૦૦ કરોડની જમીનઃ બૂલડોઝર ફેરવી દેવાશે

કલેકટરની સૂચના બાદ તાલુકા મામલતદારે ૮ દિ' પહેલા તમામને મુદતી નોટીસ ફટકારીઃ હવે તંત્ર દ્વારા સૂનાવણી ચાલૂ...

રાજકોટ તા. ૧૮: રાજકોટ કલેકટર ભૂમાફીયાઓ સામે આવતા મહિને રપ૦ થી ૩૦૦ કરોડની સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણો ઉપર બૂલડોઝર ફેરવી દેવાના મૂડમાં હોવાનું અને આ અંગે તાલુકા મામલતદાર તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ થયાનું બહાર આવ્‍યું છે.

શહેરના ખોખળદળથી કોઠારીયા જવાના રસ્‍તે અંદાજે ૮ થી ૧૦ એકર જેટલી કિંમતી સરકારી જમીન પર થયેલા વિશાળ દબાણ પર આવતા મહિને તંત્રનું બુલડોઝર ફરી વળશે તે નકકી છે. આ અંગે વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક કાર્યવાહીના ભાગરૂપે રપ૦ થી ૩૦ જેટલા દબાણકારોને મુદતી નોટિસ ફટકારવામાં આવી હતી. હાલ આ તમામને રૂબરૂ બોલાવી સુનાવણી મામલતદાર દ્વારા ચાલી રહી છે.

ખોખળદળ અને કોઠારીયાને જોડતા મુખ્‍ય માર્ગ પર આવેલી અંદાજે ૮ થી ૧૦ એકર લોઠડાની સરકારી ગૌચર અથવા તો સરકારી ખરાબાની જમીન પર લાંબા સમયથી ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્‍યા હતા. આ વિસ્‍તારમાં રહેણાંક તેમજ વાણિજિયક હેતુ માટે કાચા-પાકા મકાનો અને દુકાનો બનાવીને અંદાજે રપ૦ થી ૩૦૦ જેટલા આસામીઓ દ્વારા જમીન પચાવી પાડવામાં આવી છે, વર્તમાન બજાર કિંમત મુજબ આ જમીનની કિંમત રપ૦ થી ૩૦૦ કરોડ રૂપિયા થવા જાય છે.

કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને તમામ આસામીઓને નોટિસો ઇશ્‍યુ કરવામાં આવી છે. નોટિસમાં સ્‍પષ્‍ટ સૂચના આપવામાં આવી છે કે નિયત સમયમર્યાદામાં તેઓ પોતાના દબાણો આપમેળે હટાવી લે, અન્‍યથા કલેકટરની સૂચના બાદ આવતા મહિને તાલુકા મામલતદાર મકવાણાની ટિમ કડક હાથે ડિમોલિશનની કામગીરી કરશે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, ચોમાસાની સ્‍થિતિ અને વહીવટી તૈયારીઓને ધ્‍યાનમાં રાખીને આ મેગા ડિમોલિશન આગામી મહિનામાં હાથ ધરવાનું આયોજન છે. પોલીસ બંદોબસ્‍ત અને ચુસ્‍ત સુરક્ષા વ્‍યવસ્‍થા સાથે આગામી માસમાં આ ૮ થી ૧૦ એકર જમીન પરના તમામ ગેરકાયદેસર બાંધકામો પર જેસીબી અને બુલડોઝર ફેરવી દેવામાં આવશે અને કરોડોની સરકારી જમીન દબાણકારોના સકંજામાંથી મુકત કરાવવામાં આવશે તેમ મનાઇ રહ્યું છે.

(2:48 PM IST)