તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Saturday, 2nd May 2026
લાંચ કેસમાં ઈન્કમટેક્ષ વિભાગના આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસરના
જામીન રાજકોટની સ્પેશિયલ એસીબી કોર્ટ દ્વારા મંજૂર : નિવૃત આવકવેરા અધિકારીના પગાર-એરિયર્સ રિલીઝ કરવા માટે રૂ. ૫૦,૦૦૦/- ની લાંચ સ્વીકારતા એસીબી પોલીસ સ્ટેશન રાજકોટમાં ગુન્હો નોંધાયેલ હતો

રાજકોટઃ રાજકોટ ઈન્કમટેક્ષ વિભાગના આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર રવિકુમાર જાંગીડની એસીબી પોલીસ સ્ટેશન, રાજકોટ દ્વારા લાંચ કેસમાં ધરપકડ થયા બાદ આરોપી દ્વારા જામીન ઉપર મુક્ત થવા માટે કરેલી અરજીની સુનવણી થતા આરોપીને જામીન ઉપર મુક્ત કરતો હુકમ રાજકોટની સ્પેશિયલ એસીબી કોર્ટ દ્વારા તાજેતરમાં ફરમાવવામાં આવેલ છે.
આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદીના પોતાની નોકરીના કાર્યકાળ દરમ્યાન સરકારશ્રી તરફથી મળવાપાત્ર પગાર-એરિયર્સ બિલની રકમ મંજૂર થયેલ જે રકમ ચુકવણીના વહીવટ પેટે અરજદાર આરોપીએ ફરિયાદી પાસે રૂ.૮૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.૫૦,૦૦૦/-ની લાંચ આપવાનું નક્કી થતાં, જે રકમ પૈકી રૂ.૫,૦૦૦/- ફરિયાદી દ્વારા અગાઉ આપી દેવામાં આવેલ હોય અને બાકી રહેતી લાંચની રકમ રૂ.૪૫,૦૦૦/- આપવા માંગતા ન હોય, ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા, ફરિયાદીની ફરિયાદ આધારે ઈન્કમટેક્ષ ઓફિસની બહાર ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આરોપી દ્વારા ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી સહઆરોપી મારફત પંચની હાજરીમાં લાંચની રકમ સ્વીકારી પકડાઈ જતાં, જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરતા અને ગુનાહિત વર્તણુક આચરતા આરોપીની ધી પ્રીવેન્શન ઓફ કરપ્શન એક્ટ, ૧૯૮૮ની કલમ ૭, ૧૨, ૧૩(૧) અને ૧૩(૨) ના ગુન્હા સબબ ધરપકડ કરવામાં આવેલ હતી. ત્યારબાદ આ કામના આરોપીને સ્પેશિયલ એસીબી કોર્ટમાં રજૂ કરી તપાસ કરનાર અધિકારી દ્વારા રિમાન્ડની માંગણી કરાતા નામદાર કોર્ટ દ્વારા દિવસ- ૨ના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલ અને ત્યારબાદ અરજદાર આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ.
ત્યારબાદ જામીન ઉપર મુક્ત થવા આરોપી દ્વારા પોતાના વકીલ મારફત રાજકોટની સ્પેશિયલ એસીબી કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ. ઉપરોક્ત જામીન અરજી ચાલવા ઉપર આવતા આરોપીના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે અરજદાર આરોપી પાસે ફરિયાદીનું કોઈ જ કામ ફરિયાદ સમયે પેન્ડિંગ ન હોય અને ફરિયાદમાં આક્ષેપિત પગાર-એરિયર્સ પહેલેથી જ ચૂકવી આપવામાં આવેલ હોય, આમ કરપ્શન કેસ માટેના જરૂરી આવશ્યક તત્વો પ્રસ્તુત ગુન્હામાં ફલિત થતાં નથી. વધુમાં આરોપી પાસે કોઈ રિકવરી-ડિસ્કવરી બાકી રહેતી નથી અને ચાર્જશીટ પણ દાખલ થઇ ગયેલ છે. વધુમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત જામીન માટેના ત્રિપલ ટેસ્ટ ટાંકીને તથા કાયદાની જોગવાઈઓ બાબતે તર્ક-સંગત દલીલો, રજુઆતો કરી અને વિવિધ ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રજુ રાખીને અરજદાર આરોપીને જામીન ઉપર મુક્ત કરવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ. ઉપરોક્ત અરજીનો સરકાર પક્ષ દ્વારા સખત વિરોધ કરી આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ હોય અને ગંભીર ગુન્હો આચરેલ હોય જેથી જામીન અરજી નામંજૂર કરવા રજૂઆત કરવામાં આવેલ.
ઉપરોક્ત બંન્ને પક્ષોની દલીલોના અંતે બચાવ પક્ષની દલીલોને માન્ય રાખીને રાજકોટની સ્પેશિયલ એસીબી કોર્ટ દ્વારા અરજદાર આરોપીને શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરતો હુકમ તાજેતરમાં ફરમાવવામાં આવેલ છે.
ઉપરોક્ત કેસમાં અરજદાર ઇન્કમટેક્ષ અધિકારી વતી ગુજરાત હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અપૂર્વ એન. મહેતા તથા જયદીપ એમ. કુકડિયા રોકાયેલા હતા.
(4:16 PM IST)










