<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

માસીને સોના-ચાંદીમાં રોકાણ પર મહિને ૨૫ હજારના નફાની લાલચ દઇ ભાણેજે ૨૧ લાખનો ચૂનો લગાવ્‍યો

નફાના નામે માત્ર ૧ લાખ જ દીધાઃ સ્‍વામિનારાયણ ચોક કૃષ્‍ણનગરમાં રહેતાં એનઆરઆઇ વૃધ્‍ધા મૃદુલાબેન ચાવડાની જીવરાજ પાર્ક પાસે રહેતાં ભાણેજ રાજન રાઠોડ વિરૂધ્‍ધ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૪: રાજકોટના મુળ વતની અને દિકરા સાથે અમેરિકા પણ રહેતાં એક વૃધ્‍ધા સાથે તેના જ સગા નાના બહેનના દિકરા એવા ભાણેજે માસી હું સોના ચાંદીના વેપારમાં રૂપિયા રોકુ છું, સારો પ્રોફીટ મળે છે તમે ૧૫ લાખ આપો તો દર મહિને ૨૫ હજારનો નફો આપીશ કહી રોકાણના નામે માસી પાસેથી રૂા. ૨૧ લાખ મેળવી લઇ તેની સામે માત્ર ૧ લાખનો જ નફો આપી રકમ પાછી ન આપતાં છેલ્લે આ રકમ અને નફાની રકમ આપવાની ના પાડી દેતાં અંતે ફરિયાદ નોંધાવાઇ છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે   મવડી પ્‍લોટ સ્‍વામિ નારાયણ ચોક કૃષ્‍ણનગર-૮ ખાતે રહેતાં અનેઅમેરિકા ફલોરીડા ખાતે પણ રહેતાં મૃદુલાબેન (મધુબેન) જગદીશભાઇ ચાવડા-દરજી (ઉ.વ.૬૫)ની ફરિયાદ પરથી તેના નાના બહેન ગીતાબેનના દિકરા રાજન કમલેશભાઇ રાઠોડ (રહે. સીટી ક્‍લાસીક એપાર્ટમેન્‍ટ, ૧૦મો માળ, જીવરાજ પાર્ક મેઇન રોડ) વિરૂધ્‍ધ ઠગાઇનો ગુનો નોંધ્‍યો છે.

મૃદુલાબેન (મધુબેન) ચાવડાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારા પતિ હયાત નથી. મારે સંતાનમાં એક દિકરો ભોૈતિક છે જે હાલ અમેરિકા રહે છે. અમે કુલ છ ભાઇ બહેનો છીએ. કંચ્નબેન અમદાવાદ રહેછે, બીજા નંબરે હું છું. જયસુખભાઇ, ગીતાબેન, રાજકોટ, સ્‍મીતાબેન સુરત રહે છે. વસંતભાઇ અને સંજયભાઇ પણ રાજકોટ રહે છે. મારા નામે રાજકોટમાં ત્રણ મકાનો છે. હુ઼ થોડો સમય રાજકોટ અને થોડો સમય દિકરા સાથે અમેરિકા રહુ છું. વર્ષ ૨૦૨૩માં રાજકોટ ગીતાંજલી સોસાયટીમાં રહેતાં મારા સગા નાના ભાઇ વસંતભાઇના પુત્રવધૂનું સિમંત હોઇ હું રાજકોટ આવી હતી. આ પ્રસંગ મવડી પ્‍લોટના અમારા બીજા નાના ભાઇ જયસુખભાઇના ઘરે રખાયો હતો. જ્‍યાં મારા નાના બહેન ગીતાબેનનો દિકરો  રાજન મને મળ્‍યો હતો.

તેણે મને સાઇડમાં લઇ જઇ કહ્યું હતું કે-હું સોના-ચાંદીના વેપારમાં રૂપિયા રોકું છું અને સારો પ્રોફિટ મળે છે. તમે ૧૫ લાખ રૂપિયા આપો તો દર મહિને રૂ. ૨૫,૦૦૦ નો પ્રોફિટ કરાવી આપીશ. હું તમારો ભાણેજ થાઉં છું, હું ક્‍યાં તમારા રૂપિયા ખોટા કરવાનો છું, તમે મારા પર વિશ્વાસ રાખો. ભાણેજના કથન પર વિશ્વાસ રાખીને મળદુલાબેને સોની બજારમાં પોતાની સ્‍વર્ગસ્‍થ માતાના સોનાના દાગીના વેચી મેળવેલા રૂ. ૪,૫૦,૦૦૦ રોકડા પોતાના ભાઈ સંજયભાઈ મારફતે રાજનને સોંપ્‍યા હતા. આ ઉપરાંતં રાજનની અવાર-નવારની માગણીથી મળદુલાબેને આઇસીઆઇસીઆઇ બેંક, યસ બેંક તથા પોતાના ભાઈ સંજયભાઈ અને ભાભી અંજનાબેનના ખાતા મારફતે કટકે-કટકે અનેક ટ્રાન્‍સફર કરી તેમજ ચેક મારફતે કુલ રૂ. ૧૫,૦૦,૦૦૦ પુરા કર્યા હતા.ત્‍યારબાદ પણ વધુ રોકાણના નામે ચેક અને રોકડા મળી બીજા રૂ. ૬,૦૦,૦૦૦ મેળવ્‍યા હતા. આમ ભાણેજ રાજને માસી મળદુલાબેન પાસેથી સોના-ચાંદીમાં રોકાણ અર્થે કટકે-કટકે કુલ રૂ. ૨૧,૦૦,૦૦૦ મેળવી લીધા હતા. આ પછી મૃદુલાબેને પ્રોફીટની વાત કરતાં સપ્‍ટેમ્‍બર ૨૦૨૪માં હરિદ્વાર યાત્રા દરમિયાન રાજનના માતા ગીતાબેને રૂ. ૫૦,૦૦૦ રોકડા આપ્‍યા હતા અને ઓક્‍ટોબર ૨૦૨૪ માં રાજને બીજા રૂ. ૫૦,૦૦૦ પ્રોફિટ પેટે ચુકવ્‍યા હતા. આમ, કુલ રૂ. ૨૧ લાખના રોકાણ સામે ભાણેજે માસીને માત્ર રૂ. ૧,૦૦,૦૦૦ નો જ પ્રોફિટ આપ્‍યો હતો.

 ત્‍યારબાદ મળદુલાબેને પોતાના રોકાણનો બાકીનો પ્રોફિટ તેમજ મુળ રૂ. ૨૧,૦૦,૦૦૦ની રકમ પરત માંગતા રાજન બહાના બતાવવા લાગ્‍યો હતો અને આખરે નાણાં આપવાની સ્‍પષ્ટ ના પાડી દીધી હતી. પોતાનો સગો ભાણેજ જ રૂ. ૨૧ લાખની રકમ ઓળવી જઈ વિશ્વાસઘાત કરી રહ્યો હોવાનું માલુમ પડતાં અને કૌટુંબિક રીતે સમાધાનના પ્રયાસો નિષ્‍ફળ જતાં આખરે મળદુલાબેને માલવીયાનગર પોલીસ સ્‍ટેશનમાં જાણ કરતાં પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ જે. જે. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:30 PM IST)