News of Sunday, 10th May 2026
રાજકોટના જામનગર રોડ પર નાગેશ્વરના રસ્તે શનિવારે સાંજે બે મિત્રો વચ્ચે બખેડો-ફાયરિંગ
ગાંધીગ્રામ પીઆઇ એચ. પી. ગઢવી, પીએસઆઇ ડી.જે. જોશી અને ટીમે આર્મ્સ એકટ હત્યાની કોશિષનો ગુનો નોંધી રામદેવ ડાંગર, દિવયરાજસિંહ સરવૈયાની અટકાયત કરી: ડીસીપી રાકેશ દેસાઈની રહબરીમાં તપાસ

રાજકોટ: શહેરના જામનગર રોડ પર આવેલ નાગેશ્વર પાસેના જેમ્કો સેલ્સ એન્ડ સર્વીસ સ્ટેશન ખાતે બે મિત્રોએ જાહેરમાં એકબીજા પર હથિયાર તાકીને ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ફાળ પડી ગઈ હતી. ગાંધીગ્રામ પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે. પૈસાની લેતીદેતીના મામલે કુખ્યાત છાપ ધરાવતા શખ્સ અને મિત્ર વચ્ચે બબાલ થઈ હતી. ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તેમ જાહેરમાં થયેલા આ હુમલાની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હથિયારબંધીના જાહેરનામાના ધજાગરા ઉડાડનાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરવા તજવીજ કરી છે.
મળતી વિગત મુજબ શનિવારે સાંજના સમયે જામનગર રોડ પર સ્થિત જેમ્કો સેલ્સ એન્ડ સર્વીસ સ્ટેશન પાસે દીવ્યરાજસીંહ સરવૈયા અને રામદેવ ડાંગર (બંને રહે. વીનાયક વાટીકા) વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડાએ હિંસક વળાંક લીધો હતો જ્યારે બંને પક્ષોએ પોતાની પાસે રહેલા હથિયારો કાઢ્યા હતા.
આરોપી દીવ્યરાજસીંહ સરવૈયાએ રામદેવ ડાંગર તરફ નિશાન સાધીને બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. સામા પક્ષે રામદેવ ડાંગર પણ પાછો ન પડતા તેણે પણ હથિયાર સાથે ફાયરિંગની પોઝિશન લઈ દીવ્યરાજસીંહ તરફ તાકી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જાહેરમાં થયેલા આ ફાયરિંગથી ચકચાર મચી ગઇ છે.
આ બનાવની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. પી. ગઢવી, પીએસઆઇ ધારાબેન જે. જોષી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા - ૨૦૨૩: કલમ ૧૦૯ (૧) (હત્યાનો પ્રયાસ) અને ૧૨૫ અને આર્મ્સ એક્ટ: કલમ ૨૫ (૧) (એ), ૨૫ (૧-બી) એ, ૨૭, જી.પી. એક્ટ: કલમ ૧૩૫ (૧) (જાહેરનામાનો ભંગ).
શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસનો ગુનો દાખલ કરી બંનેને સકંજામાં લીધા છે.
પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓએ પોલીસ કમિશનરના હથિયારબંધી જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો છે. જાહેરમાં હથિયારો વડે આતંક ફેલાવીને રાજકોટ શહેરની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવા કર્યો છે. હાલ આ કેસની આગળની તપાસ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.પી. ગઢવી ચલાવી રહ્યા છે. બંને મિત્રો વચ્ચે પૈસાની લેટિદેતી મામલે માથાકૂટ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે બંનેને સકંજામાં લઈ કાર્યવાહી હાથ ધરી છે.
(10:19 AM IST)










