<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

​રાજકોટના જંગલેશ્વરમાં ભક્તિનગર પોલીસનો દરોડો રૂા. ૮૬ હજારના ગાંજા સાથે ઈમ્તિયાઝ ઉર્ફે ઇમતુડો ઝડપાયો

ડીસીપી હેતલ પટેલ, એસીપી બી.વી. જાધવની રહબરીમાં પીઆઇ જે.ડી. પરમાર, પીએસઆઇ જે. જે. ગોહિલ, એએસઆઈ નીલેશભાઈ મકવાણા અને ટીમની કામગીરી: પ્રકાશભાઈ અને યુવરાજસિંહની બાતમી

​રાજકોટ: રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોની ગેરકાયદે પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા શરૂ કરાયેલી ખાસ "SAY NO TO DRUGS" ડ્રાઇવ અંતર્ગત ભક્તિનગર પોલીસ સ્ટેશનની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે જંગલેશ્વર વિસ્તારમાંથી એક આરોપીને ૧.૭૩૫ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો છે.

ભક્તિનગર પોલીસની ટીમ પૈકીના પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ લાલજીભાઈ મકવાણા અને યુવરાજસિંહ જેસીંગભાઈ જાદવને મળેલી ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે જંગલેશ્વર શેરી નં. ૩૧ માં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તલાશી દરમિયાન મકાનમાંથી રૂા. ૮૬,૭૫૦ની કિંમતનો ૧.૭૩૫ કિલોગ્રામ ગેરકાયદે ગાંજો તેમજ રૂા. ૧૦,૦૦૦ની કિંમતના ૨ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૯૬,૭૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ બાદ FSL અધિકારી કે.એમ. તાવીયા દ્વારા આ પદાર્થ ગાંજો હોવાનો અભિપ્રાય આપવામાં આવ્યો છે.

​પોલીસે આ મામલે ૨૮ વર્ષીય આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે ઇમ્તુડો ભીખુભાઇ ઉર્ફે મહેબૂબભાઇ પઠાણ (રહે. જંગલેશ્વર શેરી નં-૩૧, રાજકોટ) ની અટકાયત કરી છે. પકડાયેલો આરોપી રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં મારામારી, દારૂ તેમજ અન્ય ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં તેની સામે પાસા હેઠળ પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

​અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશનર ઝોન-૦૧ હેતલ પટેલ તથા મદદનીશ પોલીસ કમિશનર પૂર્વ વિભાગ બી.વી. જાદવના માર્ગદર્શન હેઠળ આ સફળ કામગીરીને ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. પરમાર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જે. ગોહીલની રાહબરીમાં અંજામ આપવામાં આવ્યો હતો. આ રેડમાં એએસઆઇ નિલેષભાઇ મકવાણા, પોલીસ હેડકોન્સ્ટેબલ હરવિજયસિંહ ગોહિલ, રમેશભાઇ માલકીયા અને કેતનભાઇ બોરીચા, તેમજ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ મકવાણા, યુવરાજસિંહ જાદવ, નરસંગભાઇ ગઢવી, પ્રભાતભાઇ મૈયડ, નિલેષભાઇ મીયાત્રા, યોગીરાજસિંહ જાડેજા અને અરજણભાઇ પરમાર સહિત હોમગાર્ડ જવાન દિપભાઇ ટાંક અને હાર્દિકભાઇ પીપળીયા સક્રિયપણે જોડાયા હતા.

(10:22 PM IST)