News of Monday, 11th May 2026
કોઠારીયા સોલવન્ટમાં પાડોશીઓએ માર મારતાં ભરત ફિનાઇલ પી ગયો
રસ્તામાંથી રેતી-કપચી દૂર લેવાનું કહેતાં ડખ્ખો થયો

રાજકોટ તા. ૧૧: કોઠારીયા સોલવન્ટ શીતળાધાર ૨૫ વારીયામાં રહેતાં ભરત પોપટભાઇ પરમાર (ઉ.વ.૨૧) નામના યુવાનને ઘર પાસે હતો ત્યારે પરપ્રાંતીય પરિવારના પુરૂષ-મહિલાઓ મળી છ-સાત જણાએ પાઇપથી અને ઢીકાપાટુનો માર મારતાં માઠુ લાગી જતાં ફિનાઇલ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી.
ભરત એક બહેનથી નાનો છે અને કારખાનામાં કામ કરે છે. તેણે કહ્યું હતું કે ઘર પાસે શેરીમાં અન્ય રાજ્યના રહેવાસીના ઘરે કડીયાકામ ચાલે છે. રસ્તામાં રેતી, કપચી રાખ્યા હોઇ ત્રણ દિવસ પહેલા તેમને સાઇડમાં લેવાનું કહ્યું હતું. આમ છતાં તેઓ રસ્તામાં નડતરરૂપ રેતી-કપચી દૂર લેતાં ન હોઇ આજે તેણે પરપ્રાંતીય શખ્સના છોકરાને આ બાબતે ઠપકો આપતાં તેના પરિવારજનોએ ભેગા મળી માર માર્યો હતો. આ કારણે પોતે ફિનાઇલ પી ગયો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
નવાગામમાં ભારતીબેન પરમારે ઝેરી દવા પી લીધી
બીજા બનાવમાં નવાગામ આણંદપરમાં રહેતાં ભારતીબેન પ્રદિપભાઇ બથવાર (ઉ.વ.૨૬) સવારે ઘરે ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરાઇ હતી. તેણીના પતિ લાદી કામ કરે છે. સંતાનમાં ચાર વર્ષનો દિકરો છે. આ દિકરાને તેણીએ ઠપકો આપતાં પતિએ આવુ નહિ કરવા કહેતાં માઠુ લાગતાં પગલુ ભર્યુ હતું.
(3:27 PM IST)










