News of Thursday, 23rd April 2026
પત્નિ સાથે ઝઘડો કરી રહેલા હિતેષને સમજાવવા ગયેલા ભાવેશભાઇને પડખામાં છરી ભોંકી દેવાઇઃ ગંભીર ઇજા
રેલનગર અવધ પાર્કમાં ૧૪ વર્ષના દિકરાને ગાળો દેનાર પાડોશીને રંજનબેન સમજાવવા જતાં તેની સાથે ડખ્ખો સફાઇ કામદાર આધેડ સિવિલ હોસ્પિટલના બીછાનેઃ પ્ર.નગર પોલીસે તેમના પત્નિ રંજનબેન સરવૈયાની ફરિયાદ પરથી હિતેષ બારૈયા સામે ગુનો દાખલ કરી ઝડપી લેવા તજવીજ કરી

રાજકોટ તા. ૨૩: શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા સંતોષીનગર સામે અવધ પાર્કમાં બાળકો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. પોતાના ૧૪ વર્ષના પુત્રને ગાળો આપનાર શખ્સને ઠપકો આપવા ગયેલા સફાઇ કામદાર આધેડ પર હુમલો કરી છરીનો ઘા પડખામાં મારી દેવાયો હતો. ગંભીર ઇજા થતાં તે સારવાર હેઠળ છે.
જાણવા મળ્યા મુજબ રેલનગર અવધ પાર્ક-૩માં રહેતાં અને છુટક સફાઇ કામ કરતાં ભાવેશભાઇ કાનજીભાઇ સરવૈયા (ઉ.વ.૪૫) પર સાંજે ઘર નજીક રહેતાં હિતેષ બારૈયાએ છરીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. પો
લીસે ભાવેશભાઇના પત્નિ રંજનબેન સરવૈયા (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી તેના પાડોશી હિતેષ સામે ગુનો નોંધ્યો છે.
રંજનબેન મહિલા કોલેજ અન્ડરબ્રીજ પાસે એલઆઇસી ઓફિસમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેણીએ જણાવ્યું હતું કે તેમનો ૧૪ વર્ષનો પુત્ર કેવલ ઘર પાસે રમતો હતો ત્યારે સામે રહેતા હિતેશ બારીયા નામના શખ્સે તેને ગાળો આપી ઝઘડો કર્યો હતો. પુત્રએ ઘરે આવી જાણ કરતા તેણી હિતેશને ઠપકો આપવા ગયા હતા. આ દરમિયાન હિતેશ વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. ઝઘડાનો અવાજ સાંભળી તેણીના પતિ ભાવેશભાઈ કાનજીભાઈ સરવૈયા પણ ત્યાં દોડી આવ્યા હતા અને વચ્ચે પડી ઝઘડો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
ઝઘડો વધે નહીં તે માટે રંજનબેન પોતાના પતિ અને પુત્રને લઈ ઘરે જઈ રહ્યા હતાં. ત્યારે હિતેશ બારીયા અચાનક ઘરમાંથી છરી કાઢી લાવ્યો હતો. તેણે પાછળથી આવી ભાવેશભાઈને ડાબા પડખાના ભાગે છરીનો જોરદાર ઘા ઝીંકી દીધો હતો. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં ભાવેશભાઈ ઢળી પડ્યા હતા અને રાહદારીઓ એકઠા થતા હુમલાખોર હિતેશ હથિયાર સાથે નાસી છૂટયો હતો. ગંભીર રીતે ઘવાયેલા ભાવેશભાઈને તાત્કાલિક એક્ટિવા પર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર છરીનો ઘા ઘણો ઊંડો હોવાથી ફેફસામાં લોહી ભરાઈ ગયું હતું. પ્ર.નગર પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. જાડેજાએ ગંભીર ઇજા પામનાર ભાવેશભાઇના પત્નિ રંજનબેનની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેતા તજવીજ હાથ ધરી છે.
(3:50 PM IST)










