<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

આટકોટમાં બુધવારે પૂ.વીરબાઈમાના જન્‍મ સ્‍થળે નૂતન મંદિરનું ભૂમિ પૂજન

પૂ.શ્રી જલારામબાપાના ધર્મ-પત્‍નિ પૂ.શ્રી વીરબાઇમાના પ્રાગટય (જન્‍મ) સ્‍થળ અને ગળહસ્‍થાશ્રમની મંગલાચરણની ઐતિહાસિક પાવનભૂમિ ઉપર દિવ્‍ય અને ભવ્‍ય મંદિરના પુનઃ નિર્માણનું સંતો મહંતોના હસ્‍તે ભૂમી પુજન અને શીલા પૂજનઃ ધાર્મિક અને અલૌકિક કાર્યક્રમનો લ્‍હાવો લેવા ટ્રસ્‍ટ દ્વારા અનુરોધ

આટકોટ ખાતે યોજાનારા ધાર્મિક કાર્યક્રમનું અકીલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને આમંત્રણ આપતા મંદિરના ટ્રસ્‍ટી અને સ્‍થાનિક કમિટીના સભ્‍યો ફુલભાઈ પોપટ,બીપીનભાઈ જસાણી,સંજયભાઈ પોપટ,મનાભાઈ વસંત અને અકિલા પરિવારના વિજય વસાણી તસ્‍વીરમાં નજરે પડે છે

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૧૧ જસદણ તાલુકાના આટકોટ ખાતે પૂ.શ્રી જલારામબાપાના ધર્મ-પત્‍ની પૂ.શ્રી વીરબાઈમાતાના પ્રાગટય (જન્‍મ)સ્‍થળે ૩૫ વર્ષ પૂર્વે બનાવવામાં આવેલ મંદિરના પુનઃનિર્માણ પ્રસંગે ભૂમિ પૂજનનો આઞામી બુધવારે ભવ્‍ય ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે.

આટકોટ ખાતે આવેલી આ ઐતિહાસિક જગ્‍યા ઉપર ૩૫ વર્ષ પૂર્વે પૂ.હરિરામબાપા દ્વારા પૂ. વીરબાઈમાનુ મંદિર સ્‍થાપવામાં આવ્‍યું હતું સમય જતા આ મંદિર જીર્ણ થતાં આજુબાજુની થોડી જગ્‍યા સોમૈયા પરિવાર દ્વારા મંદિરને અર્પણ થતા અને આજુબાજુની થોડી જગ્‍યા ટ્રસ્‍ટ દ્વારા ખરીદી પૂ.વીરબાઈમાનુ અધતન અને ભવ્‍ય મંદિર બનાવવાનો તા.૧૩ ને બુધવારે ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે પૂ.શ્રી વીરબાઈમાનુ પ્રાગટય સ્‍થળ હોવાથી આ સ્‍થાનકનું વિશેષ મહત્‍વ હોય ગુજરાત ભરમાંથી સંતો મહંતોના વરદ હસ્‍તે નૂતન મંદિરનુ ભૂમિ પૂજન કરવામાં આવશે. પુનઃનિર્માણ માટે યોજાનારા આ ધાર્મિક કાર્યક્રમોમાં ખાતમુહૂર્ત વિધિ ભાણ સાહેબની જગ્‍યા કમીજાળાના મહંત જાનકીદાસ બાપુના હસ્‍તે કરવામાં આવશે જ્‍યારે શીલા પૂજન વિધિ ભોજલરામ ધામ ફતેપુરના ભક્‍તિરામબાપુ દ્વારા સંપન્ન થશે આ પ્રસંગે ગઢસીસાથી ચંદુમાં અને ભજાનંદ આશ્રમ બોટાદના આત્‍માનંદ સ્‍વામી આશિર્વચન આપશે આ કાર્યક્રમની વૈદિક વિધિ પ્રખર રામાયણી અને ભાગવતાચાર્ય જૂનાગઢના શાષાી ઈશ્વરચંદ્ર વ્‍યાસ દ્વારા સંપન્ન કરવામાં આવશે.

આગામી તા.૧૩ અને બુધવારના રોજ યોજાનારા ધાર્મિક કાર્યક્રમોમાં સવારે ૧૦ કલાકે આટકોટ ગ્રામ પંચાયત કચેરી ખાતેથી સંતો મહંતો અને મહેમાનોનું સામૈયુ કરી મંદિર ખાતે લઈ જવાશે ત્‍યારબાદ ૧૦:૩૦ કલાકે ખાતમુર્હત યોજાશે ત્‍યારબાદ સંતો દ્વારા આશિરવચન અને બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે.

આ પ્રસંગે ગુજરાત ભરના લોહાણા શ્રેષ્ઠીઓ,મહાજનના હોદ્દેદારો, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા,વાંકાનેરના ધારાસભ્‍ય જીતુભાઈ સોમાણી,પૂર્વ ધારાસભ્‍ય ડો.ભરતભાઈ બોઘરા,રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ,નાગપુરના જગદીશભાઈ ઠકરાર સહિત મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્‍થિત રહેશે.

ઉલ્લેખની છે કે વિરબાઈમાતાનું જે જગ્‍યા ઉપર પ્રાગટય થયું હતું તે જ જગ્‍યા ઉપર મંદિરનો જીર્ણોદ્ધાર થશે અને મંદિરની સામે આવેલ જગ્‍યા ઉપર પૂ.શ્રી જલારામબાપા અને પૂ.શ્રી વીરબાઈમા ચોરીના ચાર ફેરા ફર્યા હતા ત્‍યાં અનક્ષેત્ર પણ ચાલે છે જેમાં બંને ટાઈમ ભોજન પ્રસાદ પીરશવામાં આવે છે તેમજ પદયાત્રીઓ માટે પણ ભોજન અને રહેવાની સુવિધા મંદિર દ્વારા નિઃશુલ્‍ક પૂરી પાડવામાં આવે છે. આ ઐતિહાસિક અને ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ટ્રસ્‍ટ,સ્‍થાનિક કમિટી અને સમગ્ર ગ્રામજનો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે

(1:17 PM IST)