News of Sunday, 2nd August 2026
હાપા-નાહરલાગુન સ્પેશિયલ ટ્રેનમાં મોટો ફેરફાર: હવે જનરલ ટિકિટ નહીં મળે, જાણો નવી વ્યવસ્થા
અરુણાચલ પ્રદેશની પરમિટ વ્યવસ્થાના કારણે પશ્ચિમ રેલવે દ્વારા આગામી સમય માટે ટ્રેનના કોચ સંયોજનમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે.

રાજકોટ : અરુણાચલ પ્રદેશમાં લાગુ કરાયેલી 'ઈનર લાઈન પરમિટ' વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન થાય તે હેતુસર પશ્ચિમ રેલવે દ્વારા ગાડી સંખ્યા 09525/09526 હાપા–નાહરલાગુન–હાપા સ્પેશિયલ ટ્રેનના કોચ સંયોજનમાં અસ્થાયી રૂપે મોટો ફેરફાર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના સત્તાવાર નિવેદન અનુસાર, આ વિશેષ વ્યવસ્થા હેઠળ આગામી ઑગસ્ટ મહિનો અને નવેમ્બર મહિના વચ્ચે મુસાફરી કરનાર મુસાફરોએ હવે સંપૂર્ણપણે રિઝર્વ્ડ ટિકિટ સાથે જ પ્રવાસ કરવાનો રહેશે.
આ ફેરફાર અંતર્ગત ટ્રેનમાં અગાઉ જોડવામાં આવતા ચાર જનરલ કોચના સ્થાને હવે ચાર રિઝર્વ્ડ સેકન્ડ ક્લાસ કોચ જોડવામાં આવશે. એટલું જ નહીં, લગેજ કમ બ્રેક વાન સાથે જોડાયેલા અનાઅનામત જનરલ કોચને પણ અસ્થાયી રૂપે અનામત સેકન્ડ ક્લાસ કોચ તરીકે જ ચલાવવામાં આવશે. જોકે, રાહતની વાત એ છે કે ટ્રેનમાં કુલ ૨૧ એલએચબી (LHB) કોચ યથાવત રાખવામાં આવ્યા છે અને અન્ય કોઈ ટેકનિકલ કે સંરચનાત્મક ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ વિશેષ અને અસ્થાયી વ્યવસ્થાની સમયસીમા વિશે વાત કરીએ તો, હાપાથી ઊપડતી ગાડી માટે આ નિયમ ૦૫ ઑગસ્ટ, ૨૦૨૬થી ૦૪ નવેમ્બર, ૨૦૨૬ સુધી અમલી રહેશે, જ્યારે નાહરલાગુનથી ઉપડતી ગાડી માટે ૦૮ ઑગસ્ટ, ૨૦૨૬થી ૦૭ નવેમ્બર, ૨૦૨૬ સુધી લાગુ રહેશે. આગામી ૦૫ ઑગસ્ટથી ૧૬ સપ્ટેમ્બર સુધીની મુસાફરી માટેનું બુકિંગ ૦૨ ઑગસ્ટ, ૨૦૨૬થી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) પર ઉપલબ્ધ કરાવાશે, જ્યારે બાકીના સમયગાળા માટેનું રિઝર્વેશન નિર્ધારિત સમય મુજબ ખુલશે.
આગામી આદેશ સુધી આ સ્પેશિયલ ટ્રેન સંપૂર્ણપણે રિઝર્વ્ડ ટ્રેન તરીકે જ દોડવાની હોવાથી, કોઈપણ પ્રકારની અનરિઝર્વ્ડ એટલે કે જનરલ ટિકિટ ઈશ્યૂ કરવામાં આવશે નહીં. રેલવે પ્રશાસન દ્વારા તમામ મુસાફરોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ આ સુધારેલી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનના સ્ટોપેજ, સમય અને અન્ય વિગતવાર માહિતી મેળવવા માટે મુસાફરોએ અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા સલાહ આપવામાં આવી છે.
(10:37 AM IST)










