<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

વાહનની હેડલાઇટથી આંખ અંજાઇ જતાં બાઇક થાંભલામાં ભટકાયું: ગેરેજ સંચાલક ૨૬ વર્ષિય પ્રિયેશ ગજ્જરનું મોત

રાતે ગેરેજ બંધ કરી નવલનગરમાં ઘરે જતી વખતે ગોંડલ રોડ ડી-માર્ટ નજીક બનાવ :મમ્‍મી રાજેશ્રીબેને દિકરો હજુ કેમ ન ઘરે પહોંચ્‍યો એ જાણવા ફોન જોડતાં ૧૦૮ના તબિબે ફોન રિસીવ કરી ઘટનાની જાણ કરીઃ પ્રિયેશને હોસ્‍પિટલે ખસેડાયો પણ જીવ ન બચ્‍યોઃ ગજ્જર મોટર ગેરેજવાળ વિપુલભાઇએ એકનો એક દિકરો ગુમાવ્‍યોઃ પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૧૮: શહેરમાં જીવલેણ વાહન અકસ્‍માતની વધુ એક ઘટનામાં એક પરિવારે યુવાન અને આધારસ્‍તંભ દિકરો ગુમાવી દીધો છે. વાહનોની હેડલાઇટથી આંખ અંજાઇ જવાને કારણે અવાર-નવાર અકસ્‍માત સર્જાતા રહે છે. આ બનાવમાં પણ આવુ જ થયું હતું. નવલનગરમાં રહેતો ૨૬ વર્ષનો યુવાન ઢેબર રોડ પર આવેલુ ગેરેજ બંધ કરી રાતે બાઇક પર ઘરે જવા નીકળ્‍યો ત્‍યારે ગોંડલ રોડ ડી માર્ટ પાસે પહોંચતા તેની આંખ કોઇ વાહનની હેડલાઇટથી અંજાઇ જતાં બાઇક થાંભલામાં અથડાઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ મવડી રોડ નવલનગર-૧માં રહેતાં પ્રિયેશભાઇ વિપુલભાઇ ગજ્જર (સુથાર) (ઉ.વ.૨૬) નામના યુવાનને રાતે ગોંડલ રોડ ડી માર્ટ નજીક તેનું બાઇક થાંભલામાં અથડાઇ જતાં અકસ્‍માત નડતાં ગંભીર ઇજા થઇ હતી. તે રોડ પર ફેંકાઇ જતાં લોકો ભેગા થઇ ગયા હતાં. કોઇએ ૧૦૮ને બોલાવતાં તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન વહેલી સવારે દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર પ્રિયેશ એક બહેનથી મોટો અને અપરિણીત હતો. તેના પિતા વિપુલભાઇ ગજ્જરના જણાવ્‍યા મુજબ અમારે ઢેબર રોડ ગુરૂકુળ પાસે ગજ્જર મોટર ગેરેજ છે. મારી સાથે દિકરો પ્રિયેશ આ ગેરેજ સંભાળતો હતો. રાતે જમવાનો ટાઇમ થવા છતાં દિકરો પ્રિયેશ ઘરે ન પહોંચ્‍યો હોઇ મારા પત્‍નિ રાજેશ્રીબેને દિકરા પ્રિયેશને ફોન જોડયો હતો. પણ ફોન ૧૦૮ના તબિબે રિસીવ કર્યો હતો અને સિવિલ હોસ્‍પિટલે પહોંચવા કહ્યું હતું. અમે તુરત જ હોસ્‍પિટલે પહોંચ્‍યા ત્‍યારે દિકરાની સારવાર ચાલુ હતી. તે થોડો ભાનમાં હોઇ તેણે સામેના કોઇ વાહનની હેડલાઇટથી આંખ અંજાઇ જતાં બાઇક થાંભલામાં અથડાઇ ગયાનું કહ્યું હતું.  તબિબોએ સઘન સારવાર ચાલુ કરી હતી. પરંતુ વહેલી સવારે તેણે દમ તોડી દીધો હતો.

યુવાન અને આશાસ્‍પદ એકના એક દિકરાના મૃત્‍યુથી વડગામા પરિવાર પર વજ્રઘાત થયો છે. માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવી પરિવારને સોંપ્‍યો હતો. સવારે અંતિમયાત્રામાં મોટી સંખ્‍યામાં સ્‍વજનો, સગા-સ્‍નેહી જોડાયા હતાં.

(3:00 PM IST)