તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
ગુંદા પાસે બીલખાના ટ્રક ચાલકની હત્યા, લૂંટના ગુનામાં ૧૨ વર્ષથી ફરાર જાવેદ ઉર્ફે જાવલાને ક્રાઇમ બ્રાંચે દબોચ્યો
શરૂઆતમાં અકસ્માતની જણાતી ઘટનામાં સીસીટીવી ચેક થતાં શંકાસ્પદ વેગનઆર કાર સતત ટ્રકની પાછળ જોવા મળતાં શંકા ઉપજી હતીઃ પીએસઆઇ બી. ટી. ગોહિલ અને ટીમે તપાસ કરતાં ઘટના મર્ડર-લૂંટની હોવાનું ખુલ્યું હતું ટ્રક ચાલક જયેશભાઇ પંડયાનું તેના જ ટ્રક નીચે માથું છુંદી હત્યા કરી લૂંટ ચલાવી હતીઃ એક ભાઇ અગાઉ પકડાઇ ગયો હતોઃ પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ એ. એન. પરમાર અને ટીમની કામગીરી જયદેવસિંહ પરમાર, હરસુખભાઇ સબાડ, મોહિલરાજસિંહ ગોહિલ અને મયુરધ્વજસિંહ જાડેજાની બાતમી જાવેદ પોલીસથી બચવા મોબાઇલ સાથે રાખતો નહિઃ ટ્રક ડ્રાઇવીંગ કરતો હોઇ દેશભરમાં ફરતો રહેતો હતોઃ જામકંડોરણા સગાની વાડીએ આવ્યાની જાણ થતાં દબોચી લેવાયો

રાજકોટ તા. ૨૦: કુવાડવા નજીકના ગુંદા ગામ પાસે ૧૨ વર્ષ પહેલા ૨૦૧૪માં ગોંડલના બીલખા ગામના ટ્રકચાલક જયેશભાઇ જયંતિલાલ પંડયા (ઉ.વ.૪૧)ની તેના જ ટ્રક નીચે માથું છુંદી નાંખી હત્યા કરી ૫૦ હજારની લૂંટ ચલાવાઇ હતી. આ ગુનામાં એક આરોપી જે તે વખતે ઝડપાઇ ગયો હતો. બીજો આરોપી જેતપુરના ચાંપરાજપુરનો જાવેદ ઉર્ફે જાવલો ૧૨ વર્ષથી સતત ફરાર હતો. તેને ક્રાઇમ બ્રાંચે જામકંડોરણા નજીકથી ઝડપી લીધો છે. પોતાના સગા ભાઇ સાથે મળી હત્યા કરી લૂંટ ચલાવનાર જાવલો ટ્રક ડ્રાઇવીંગક રતો હોઇ દેશમાં અલગ અલગ રાજ્યોમાં ફરતો રહેતો હતો અને મોબાઇલ પણ સાથે રાખતો નહોતો.
જાણવા મળ્યા મુજબ બાર વર્ષ પહેલાના કુવાડવા પોલીસના હત્યા-લૂંટના ગુનામાં ફરાર જાવેદ ઉર્ફે જાવીદ ઉર્ફે જાવલો અજીતખાન પઠાણ (ઉ.વ.૪૮-રહે. ચાંપરાજપુર હુડકો સોસાયટી ફાટક પાસે તા. જેતપુર) જામકંડોરણા નજીક એક વાડીમાં આવ્યો હોવાની બાતમી રાજકોટ ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. જયદેવસિંહ પરમાર, હરસખુભાઇ સબાડ, મોહિલરાજસિંહ ગોહિલ અને કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજાને મળતાં તેને દબોચી લઇ કુવાડવા રોડ પોલીસને સોંપ્યો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ તા. ૧૧/૬/૨૦૧૪ના રોજ કુવાડવાના ગુંદા ગામ પાસે બીલખાના જયેશભાઇ જયંતિલાલ પંડયા (ઉ.વ.૪૧) નામના ટ્રકચાલક યુવાનનું એક ટ્રક જીજે૧ટી-૮૬૦૦ના જોટામાં આવી જતાં માથું છુંદાઇ જતાં કમકમાટી ભર્યુ મૃત્યુ થયું હતું. આ યુવાન તે વખતે સુરેન્દ્રનગર રોનક જીનમાં કપાસ ખાલી કરી પરત ગોંડલ તરફ આવી રહ્યા હતાં ત્યારે આ ઘટના બની હતી. જે તે વખતે કુવાડવા પોલીસે મૃત્યુ પામનારના ભાઇ સંજયકુમાર પંડયાની ફરિયાદ પરથી બેદરકારીથી સાથેના માણસે ટ્રક હંકારી અકસ્માત સર્જી જયેશભાઇનું મૃત્યુ નીપજાવવાનો અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.
જે તે વખતે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ડી. સ્ટાફમાં ફરજ બજાવતાં પીએસઆઇ બી. ટી. ગોહિલને ઘટના શંકાસ્પદ લાગતાં તેમણે ટ્રક ગોંડલથી રવાના થઇ સુરેન્દ્રનગર કપાસ ખાલી કરવા ગયો અને પરત ત્યાંથી ગોંડલ જવા નીકળ્યો ત્યાં સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં આ ટ્રક પાછળ સતત એક વગેનઆર કાર નજરે પડી છે. આથી શંકા વધુ દ્રઢ બનતાં કાર નંબરને આધારે તેના ચાલક-માલિકની શોધખોળ કરી તપાસ કરતાં ચોંકાવનારી હકિકત સામે આવી હતી.
જયેશભાઇનું મૃત્યુ અકસ્માતે નહોતું થયું પણ કારમાં આવેલા ચાંપરાજપુરના બે સગા ભાઇઓ જાવેદ ઉર્ફે જાવીદ ઉર્ફે જાવલો અજીતખાન પઠાણ અને તેના ભાઇ કાસમે કાવત્રુ ઘડી હત્યા કરી લૂંટ ચલાવ્યાનું ખુલતાં એક આરોપીને જે તે વખતે ઝડપી લેવાયો હતો. પણ જાવેદ ઉર્ફે જાવલો સતત બાર વર્ષથી ફરાર હતો. બંને ભાઇઓ ટ્રકનો પીછો કરી ગુંદા પાસે આંતરી લીધો હતો.
બાદમાં ચાલક જયેશભાઇને નીચે ઉતારી તેના જ ટ્રક નીચે માથું છુંદી હત્યા કરી કપાસ વેંચતા ઉપજેલી રોકડની લૂંટ ચલાવી હોવાનું ખુલ્યું હતું.
ફરાર જાવેદ છેક બાર વર્ષે ઝડપાઇ ગયો હતો. તે ટ્રકચાલક હોઇ દેશભરમાં કોઇપણ રાજ્યમાં જતો રહેતો હતો અને અમુક મહિના પછી ગામ શહેર બદલી નાંખતો હતો. પોલીસ શોધી ન શકે એ માટે મોબાઇલ ફોન પણ રાખતો નહોતો. આ કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ એ. એન. પરમાર, હેડકોન્સ. જયદેવસિંહ પરમાર, કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, અર્જુનભાઇ ડવ, મોહિલરાજસિંહ ગોહિલ, અનુજભાઇ ડાંગર, કોન્સ. ગોપાલભાઇ પાટીલ, મયુરધ્વજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ઝાલાએ કરી છે.
(2:41 PM IST)










