News of Monday, 13th July 2026
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા ભાજપમાં ભારે રસ : ૧૦૦થી વધુ દાવેદારો મેદાનમાં, લોબિંગ શરૂ
મનપાની ટિકિટ ફાળવણીની જેમ પ્રદેશ ભાજપ જાહેર કરશે ગાઈડલાઈન : હાલ ઇચ્છુક કાર્યકરોની અરજીઓ સ્વીકારવાની સૂચના, શૈક્ષણિક લાયકાતને મળશે પ્રાધાન્ય

રાજકોટ, તા.૧૩: મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રચનાને લઈને ભાજપમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સમિતિના સભ્યપદ માટે ૧૦૦થી વધુ કાર્યકરો અને આગેવાનોએ પોતાની દાવેદારી શહેર ભાજપમાં નોંધાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સભ્યપદ મેળવવા માટે હાલથી જ જોરદાર લોબિંગ શરૂ થઈ ગયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રદેશ ભાજપે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં સંગઠનને સૂચના આપી છે કે શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા ઇચ્છુક કાર્યકરો પાસેથી લેખિત અરજીઓ સ્વીકારવામાં આવે. સભ્યોની પસંદગી માટે કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી જેવી માર્ગદર્શિકા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કુલ ૧૫ સભ્યો હોય છે. તેમાંથી ત્રણ સભ્યોની નિમણૂક રાજ્ય સરકાર કરે છે, જ્યારે બાકીના ૧૨ સભ્યો કોર્પોરેટરોના સંખ્યાબળના આધારે ચૂંટાય છે. આ પૈકી એક બેઠક અનુસૂચિત જાતિ-જનજાતિ માટે, ત્રણ બેઠકો શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અને બાકીની બેઠકો સામાન્ય વર્ગ માટે અનામત હોય છે.
તાજેતરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ૬૫ અને કોંગ્રેસના ૭ કોર્પોરેટરો ચૂંટાયા હોવાથી આ વખતે ૧૨ ચૂંટાતા સભ્યોમાંથી ૧૧ ભાજપ અને એક કોંગ્રેસનો સભ્ય બનવાની સંભાવના છે. જો ભાજપ તમામ ૧૨ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરશે તો ચૂંટણી યોજવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
પક્ષના સૂત્રો મુજબ, સભ્યોની પસંદગીમાં તાાતક જેવી શૈક્ષણિક લાયકાતને વિશેષ મહત્વ આપવામાં આવશે. ઉપરાંત ૪૫ વર્ષ સુધીની વય, અગાઉ સંગઠનમાં અથવા જાહેર જીવનમાં મોટા હોદ્દા પર તક ન મળી હોય, તેમજ કોર્પોરેશન કે અન્ય કોઈ ચૂંટણી ન લડી હોય તેવા કાર્યકરોને પ્રાધાન્ય મળી શકે છે. સાથે જ વિવિધ સમાજ અને જ્ઞાતિઓનું સંતુલન જળવાય તે માટે પણ વિશેષ ધ્યાન રાખવામાં આવશે.
ભાજપ દ્વારા શિક્ષણ સમિતિની રચનાને લઈને અંતિમ માર્ગદર્શિકા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. જોકે સમિતિની રચનામાં હજુ એક મહિનાથી વધુ સમય લાગી શકે છે. ત્યાં સુધી દાવેદારો વચ્ચે રાજકીય સંપર્કો અને લોબિંગ વધુ તેજ બનવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(3:47 PM IST)










