News of Tuesday, 12th May 2026
કાલાવડ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવવામાં ભાજપ શાસિત RMCની બેવડી નીતિ
સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના કડક આદેશો છતાં સત્તાધીશો 'ફોન' પર કામગીરી અટકાવી દે છેઃ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરના લેખિત આદેશો માત્ર કાગળ પર, અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ મૌનઃ ૫ થી ૧૦ હજાર નાગરિકોના રોજિંદા આવાગમનમાં પડતી હાલાકી તંત્રની કઠપૂતળી સમાન કામગીરીઃ ડિમોલિશન માટે મશીનરી અને સ્ટાફ તૈયાર હતા, પરંતુ કોઈ રાજકીય આગેવાનના એક ‘ફોન' થી જ સમગ્ર કાર્યવાહી રોકી દેવાયાનો કોંગ્રેસ પ્રવકતા સંજય લાખાણી અને કૃષ્ણદત રાવલનો આક્ષેપ

કાલાવાડ રોડ પર સ્વામીનારાયણ મંદિર દ્વારા રસ્તા વચ્ચે કોઇપણ પૂર્વ મંજુરી વગર ખડકી દેવાયેલા સ્મારકને હટાવવા કોર્ટ અને સતાધીશોના આદેશ છતા નહિ હટાવાતા કોંગ્રેસે સતાધારી ભાજપની બેધારી નિતી ખુલ્લી પાડી અડચણરૂપ આ સ્કલ્પચર તાકીદે હટાવાની માંગણી કરી છે.
રાજકોટ તા.૧૨: રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભાજપ શાસિત રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને સત્તાના મદમાં રાચતા સત્તાધીશોની કાયદા વિરોધી તેમજ પ્રજા વિરોધી માનસિકતાનો સનસનીખેજ પર્દાફાશ કરવામાં આવ્યો છે. કાયદો અને ભારતીય સંવિધાનને નેવે મૂકીને શાસકો સામાન્ય જનતાની સુવિધા ખુલ્લેઆમ છીનવી રહ્યા છે. રાજકોટના સૌથી વ્યસ્ત ગણાતા કાલાવડ રોડ પર ટીપી (TP) રોડની બરોબર વચ્ચે જ કોઈપણ સરકારી કે પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી લીધા વિના એક ગેરકાયદેસર ધાર્મિક સ્મારક ઊભું કરી દેવામાં આવ્યું છે. આ દબાણના કારણે સ્થાનિક નાગરિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તંત્ર મુકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યું છે.
રાજકોટ સિટી કોંગ્રેસના ઉપપ્રમુખ અને પ્રવક્તા શ્રી સંજય લાખાણી તથા મહામંત્રી અને પ્રવક્તા શ્રી કળષ્ણદત્ત રાવલ દ્વારા તંત્રની આ નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવાયું છે કે, કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિરની સામેના માર્ગ પર આ ગેરકાયદે દબાણ ખડકી દેવામાં આવ્યું છે. આ દબાણને કારણે આસપાસની સોસાયટીઓના આશરે ૫,૦૦૦ થી ૧૦,૦૦૦ જેટલા લોકોને પોતાના ઘરે આવવા-જવામાં ભારે તકલીફ પડી રહી છે. ટ્રાફિક અને રસ્તાની ગંભીર સમસ્યા સર્જાવા છતાં RMC ના અધિકારીઓ અને ભાજપના નેતાઓ આંખ આડા કાન કરી રહ્યા છે. પ્રજા ટ્રાફિક જામમાં પીસાઈ રહી છે અને ત્રસ્ત બનીને ત્રાહિમામ પોકારી ગઈ છે.
જાહેર માર્ગો પરના ધાર્મિક દબાણો હટાવવા માટે નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અંતર્ગત સ્પષ્ટ અને કડક આદેશો આપેલા છે. વર્ષ ૨૦૨૪ની શરૂઆતમાં જ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી. મયીએ ગેરકાયદેસર ધાર્મિક માળખાંઓ હટાવવાની ધીમી કામગીરી અંગે રાજ્ય સરકાર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જેના પરિણામ સ્વરૂપ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં સરકારે ૪૮ જેટલા દબાણો હટાવ્યાનો અને ૪૬૮ નોટિસો આપ્યાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો છે. પરંતુ રાજકોટમાં આ નિયમો અને કોર્ટના આદેશો જાણે લાગુ જ ન પડતા હોય તેમ ખુલ્લેઆમ ન્યાયપાલિકાના આદેશોનો ઉલાળિયો થઈ રહ્યો છે.
કાગળ પર આદેશો, જમીન પર શૂન્ય કામગીરી (ઘટનાક્રમ): કોંગ્રેસ પક્ષ દ્વારા આ બાબતે વારંવાર લેખિત ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી છે. સરકારી દસ્તાવેજો જ સાબિત કરે છે કે આ દબાણ સંપૂર્ણપણે ગેરકાયદેસર છેઃ (૧) ગત તા. ૦૬/૦૯/૨૦૨૪ ના રોજ ખુદ કલેક્ટરશ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ (પત્ર ક્રમાંક લેન્ડ/અપીલ/બીનખેતી/વશી-૫૦૮/૨૦૨૪) મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આ ધાર્મિક સંસ્થા દ્વારા કરાયેલું દબાણ હટાવવા સ્પષ્ટ સૂચના આપી હતી. (૨) ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સિટી એન્જિનિયર (ટ્રાફિક, ટ્રાન્સપોર્ટ એન્ડ ર્પાકિંગ સેલ) ને કાર્યવાહી કરવાનો આદેશ કર્યો. (૩) જેના અનુસંધાને સિટી એન્જિનિયર દ્વારા તા. ૧૧/૧૧/૨૦૨૪ ના રોજ (પત્ર નં. Rmc/૦૩૨૩/૨૨૧૨૦૨૮) કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે આવેલ ‘‘સ્કલ્પચર'' દુર કરવા બાબતે પત્ર લખવામાં આવ્યો હતો. આટલા સ્પષ્ટ લેખિત આદેશો હોવા છતાં આજદિન સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
સૌથી આઘાતજનક બાબત એ છે કે, જ્યારે આ ગેરકાયદેસર દબાણ હટાવવા માટે તંત્ર દ્વારા મશીનરી અને સ્ટાફ તૈયાર કરીને ડિમોલિશનનો દિવસ નક્કી કરવામાં આવ્યો, ત્યારે છેલ્લી ઘડીએ કોઈ મોટા રાજકીય આગેવાનનો ‘‘ફોન'' આવી જતા સમગ્ર કામગીરી પડતી મૂકવામાં આવી હતી. આ ઘટના સ્પષ્ટ કરે છે કે RMC ના અધિકારીઓ કોઈ રાજકીય નેતાના ઈશારે કઠપૂતળી બનીને કામ કરી રહ્યા છે. વધુમાં, આ માટે પોલીસ કમિશનર કે જોઈન્ટ પોલીસ કમિશનરની કોઈ પૂર્વ મંજૂરી પણ લેવામાં આવી નથી. જો મંદિર પરિસરની બહાર આ રીતે રસ્તાની વચ્ચોવચ બાંધકામ થાય, તો લોકોએ કયાંથી પસાર થવું?
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ઉગ્ર માંગ કરે છે કે સત્તાધીશો તાત્કાલિક પોતાનો ‘‘મદ'' છોડીને કાયદાનું પાલન કરે. જો વહેલી તકે આ ગેરકાયદેસર દબાણ હટાવીને ૫,૦૦૦ થી ૧૦,૦૦૦ નાગરિકોને ન્યાય નહીં આપવામાં આવે, તો કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી દિવસોમાં સ્થાનિક રહીશોને સાથે રાખીને ઉગ્ર અને જલદ આંદોલનના મંડાણ કરવામાં આવશે. આ આંદોલન દરમિયાન જો કોઈ પરિસ્થિતિ સર્જાશે, તો તેની સંપૂર્ણ જવાબદારી શાસકો અને તંત્રની રહેશે.
અંતમાં, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ સ્પષ્ટપણે જણાવવા માંગે છે કે વિકાસ અને સ્માર્ટ સિટીના નામે મસમોટા દાવા કરતી ભાજપ સરકાર અને મહાનગરપાલિકાનું તંત્ર જ્યારે ખરા અર્થમાં પ્રજાલક્ષી કામગીરી કરવાની આવે છે, ત્યારે રાજકીય દબાણ હેઠળ ઘૂંટણિયે પડી જાય છે. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. જો રસ્તા પર રોજીરોટી કમાતા સામાન્ય લારી-ગલ્લાવાળાઓના દબાણો તંત્ર દ્વારા રાતોરાત હટાવી શકાતા હોય, તો કોઈપણ મંજૂરી વગર રસ્તાની વચ્ચોવચ ખડકાયેલા આ ગેરકાયદે સ્મારકને હટાવવામાં તંત્રના હાથ કેમ ધ્રૂજે છે? કોંગ્રેસ પક્ષ પ્રજાના હિતમાં અને ન્યાયપાલિકાના આદેશોના રક્ષણ માટે આ લડાઈને છેવાડા સુધી લઈ જવા કટિબદ્ધ છે. તંત્ર કોઈ પણ શેહ-શરમ રાખ્યા વિના વહેલી તકે આ દબાણ દૂર કરી હજારો નાગરિકોનો માર્ગ મોકળો કરે, અન્યથા જનતાના રોષનો સામનો કરવા માટે તૈયાર રહે.
(3:03 PM IST)










