<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

રાજકોટમાં લોહિયાળ શુક્રવાર: માત્ર એક જ કલાકમાં બે અલગ-અલગ વિસ્તારમાં બે હત્યાથી સનસનાટી : જુઓ વિડીયો

મોરબી રોડ વેલનાથપરામાં ઘરકંકાસમાં પતિએ છરીના ઘા ઝીંકી પત્નીને પતાવી દઈ ઝેરી દવા ગટગટાવી: ગાંધીગ્રામના એસ.કે. ચોક પાસે પ્રેમ પ્રકરણની આશંકાએ જેલમાંથી છૂટેલા ગનીએ મનીષ પરમારની છરીના ઘા મારી હત્યા નીપજાવી

​રાજકોટ: શહેરમાં માત્ર એક જ કલાકના ગાળામાં બે અલગ-અલગ વિસ્તારોમાં હત્યાના બનાવો બનતા સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શહેરના મોરબી રોડ પર આવેલા વેલનાથપરામાં પતિએ જ પત્નીની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જ્યારે બીજા બનાવમાં ગાંધીગ્રામ વિસ્તારના એસ.કે. ચોક પાસે તાજેતરમાં જ જેલમાંથી છૂટેલા શખ્સે એક યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

​વેલનાથપરામાં ઘરકંકાસનો કરૂણ અંજામ: પતિએ પત્નીની હત્યા કરી ઝેર પીધું

​પ્રથમ બનાવની મળતી વિગતો અનુસાર, શહેરના મોરબી રોડ પર આવેલા વેલનાથપરા વિસ્તારમાં રહેતા પ્રવીણ પરસોડા અને તેની પત્ની શારદા પરસોડા વચ્ચે લાંબા સમયથી ઘરકંકાસ ચાલતો હતો. આજે રાત્રિના સમયે દંપતી વચ્ચે ફરી ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં આવેશમાં આવી ગયેલા પ્રવીણ પરસોડાએ ઉશ્કેરાઈ જઈ પોતાની પત્ની શારદા પરસોડા પર તીક્ષ્ણ છરી વડે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓ થવાને કારણે શારદા પરસોડાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પત્નીની હત્યા નીપજાવ્યા બાદ ગભરાઈ ગયેલા પતિ પ્રવીણ પરસોડાએ પણ પોતે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતા જ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જી. આર. ચૌહાણ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઝેરી દવા પી લેનાર આરોપી પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

​એસ.કે. ચોક પાસે જેલમાંથી છૂટેલા શખ્સે યુવાનને રહેંસી નાખ્યો

​આ ઘટનાની શાહી હજુ સુકાઈ નહોતી ત્યાં જ ગાંધીગ્રામ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ગાંધીગ્રામના એસ.કે. ચોક નજીક રહેતા મનીષ પરમાર નામના યુવાન પર ગની નામના શખ્સે તીક્ષ્ણ છરી વડે જીવલેણ હુમલો કરી શરીરના ભાગે ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા મનીષ પરમારનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં હત્યારો ગની તાજેતરમાં જ જેલમાંથી છૂટીને બહાર આવ્યો હોવાનું અને પ્રેમ પ્રકરણના મનદુઃખમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

​માત્ર એક કલાકના અંતરમાં બે હત્યાના બનાવો બનતા પોલીસની ઢીલી નીતિને કારણે શહેરમાં અસામાજિક અને લુખ્ખાતત્વો બેફામ બન્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એસ.કે. ચોક પાસે થયેલી હત્યાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એચ. પી. ગઢવી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ બી ડિવિઝન અને ગાંધીગ્રામ પોલીસની અલગ-અલગ ટીમોએ બંને હત્યાના બનાવોમાં ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા તથા સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવા સઘન તપાસ હાથ ધરી છે.

(9:43 PM IST)