News of Friday, 22nd May 2026
લોહાનગરના ત્રણ દિવસથી ગુમ વૃધ્ધ કાળુભાઇ સોલંકીની લક્ષ્મીનગર નાલા પાસે લાશ મળી
ખાડામાંથી મૃતદેહ મળતાં લોકોના ટોળા ઉમટયાઃ પરિવારમાં અરેરાટીઃ મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની જોવાતી રાહ

રાજકોટ તા. ૨૨: શહેરના ગોંડલ રોડ પર લોહાનગરમાં જીમ્મી ટાવરની પાછળ રહેતાં કાળુભાઇ મેઘાભાઇ સોલંકી-મારવાડી (ઉ.વ.૮૦) નામના વૃધ્ધ ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થઇ જતાં પરિવારજનો તેમને શોધી રહ્યા હતાં એ દરમિયાન આજે તેમની લાશ લક્ષ્મીનગર અન્ડર બ્રીજ નજીક ઝૂપડપટ્ટી પાસે મેલડી માતાજીના મંદિર નજીક ખાડામાંથી કોહવાયેલી હાલતમાં મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇહતી.
મૃત્યુ પામનાર કાળુભાઇ ભીક્ષાવૃતિ કરતાં હતાં ભગવા કપડા પહેરી જીવન જીવતા હતાં. તે ચાર ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ દિકાર અને બે દિકરી છે. ખાડામાં એક લાશ પડી હોવાની જાણ થતાં માલવીયાનગર પોલીસ દોડી ગઇ હતી. આ વૃધ્ધનું મોત બિમારીથી બેભાન થઇ જવાને કારણે થયું કે પછી અન્ય કારણોસર તે જાણવા માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી છે. ઝૂપડપટ્ટી પાસે ખાડામાં માનવ લાશ પડી હોવાની વાતથી લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. પોસ્મટમોર્ટમ બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે. ત્રણ દિવસથી પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતાં ત્યારે આજે કાળુભાઇની લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
(3:46 PM IST)










