<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

ગોંડલથી સાંજે નીકળેલા પ્રતિક સોંદરવાની રાતે બિલીયાળામાં લાશ મળી : હત્‍યાની શંકા દર્શાવાઇ

સાંજે સાડા ચારે ગામમાં ઉઘરાણીના કામ માટે જવાનું કહીને નીકળ્‍યો, સાતેક વાગ્‍યે પત્‍નિએ વિડીયો કોલ કરી જમવા બોલાવતાં ૧૦ મિનીટમાં આવું છું એવુ કહ્યું: પછી ફોન રીસીવ જ ન થયોઃ લોકેશનને આધારે તપાસ કરતાં લાશ મળીઃ માથામાં ઇજા : પોલીસે મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયોઃ મૃત્‍યુ પામનાર રીસોર્ટમાં મેન સપ્‍લાયનું કામ કરતો હતોઃ દોઢ વર્ષના પુત્રએ પિતાનું છત્ર ગુમાવતાં અરેરાટીઃ બનાવ વાહન અકસ્‍માતનો કે અન્‍ય કંઇ બન્‍યું?: ગોંડલ તાલુકા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૨૦: ગોંડલમાં રહેતો ૨૭ વર્ષનો યુવાન સાંજે સાડા ચારેક વાગ્‍યે ઘરેથી ગામમાં ઉઘરાણીના કામે જઇ રહ્યો છે તેવુ કહીને બાઇક લઇને નીકળ્‍યા બાદ સાતેક વાગ્‍યે પત્‍નિએ વિડીયો કોલ કરી જમવા બોલાવતાં દસ જ મિનીટમાં આવું છું તેવુ કહ્યા બાદ આ યુવાને ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં મોડી રાતે પરિવારજનોએ લોકેશનને આધારે તપાસ કરતાં ગોંડલના બિલીયાળા પાસેથી તેની લાશ મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. તેની લાશ નજીક જ તેનું બાઇક પણ પડયું હતું. માથામાં, આંખ પાસે ઇજાના નિશાન હોઇ પરિવારજનોએ હત્‍યાની આશંકા દર્શાવતા ગોંડલ તાલુકા પોલીસને મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલના ભગવતપરામાં વાછરા રોડ પર ધારેશ્વર સોસાયટી-૧માં રહેતો પ્રતિકભાઇ કિશોરભાઇ સોંદરવા (ઉ.વ.૨૭) નામનો યુવાન રાતે બારેક વાગ્‍યે નજીકના બિલીયાળા ગામે ભારત પેટ્રોલ પંપ ઘરધાબા નજીક માથામાં ઇજા થયેલી હાલતમાં બેભાન મળતાં  ૧૦૮ બોલાવાઇ હતી. તેના તબિબે તેને મૃત જાહેર કરતાં ગોંડલ તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. જો કે પરિવારજનોએ પ્રતિકભાઇ સાથે કંઇક ખોટુ થયાની અને તેની હત્‍યા થયાની શંકા દર્શાવતા પોલીસે મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે.મૃત્‍યુ પામનાર પ્રતિકભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેના પત્‍નિનું નામ કાજલબેને છે અને સંતાનમાં દોઢ વર્ષનો એક દિકરો છે. પ્રતિકભાઇ ગોંડલના રિસોર્ટમાં કામ કરતો હતો. ત્‍યાં જરૂરીયાત મુજબ કેટરર્સ સહિતના કામ માટે માણસો પુરા પાડવાની તેની જવાબદારી હતી. તેના પિતા કિશોરભાઇ સોંદરવા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે.

મૃત્‍યુ પામનારના કાકા મનોજભાઇ સોંદરવાએ જણાવ્‍યું હતું કે સાંજે સાડા ચારેક વાગ્‍યે પ્રતિકભાઇ ઘરેથી તેનું બાઇક લઇ ગામમાં ઉઘરાણીના કામ માટે જાય છે તેવુ કહીને નીકળ્‍યો હતો. બાદમાં સાંજે સાતેક વાગ્‍યે તેને પત્‍નિ કાજલબેને વિડીયો કોલ કરી જમવાનું તૈયાર થઇ ગયું છે તેવી વાત કરતાં તેણે પોતે દસ જ મિનીટમાં ઘરે આવે છે તેવી વાત કરી હતી. જો કે ત્‍યાર બાદ મોડો સમય પસાર થવા છતાં તે ઘરે ન આવતાં ફરી ફોન જોડતાં ફોર રિસીવ થયો નહોતો.

આથી પરિવારજનો તેની શોધખોળ કરવા નીકળ્‍યા હતાં અને પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન રાત્રીના બારેક વાગ્‍યે લોકેશનને આધારે પોલીસ અને પરિવારજનો બિલીયાળા ગામના ભારત પેટ્રોલ પંપ નજીક પહોંચ્‍યા ત્‍યારે રોડ સાઇડમાં ઝાડી જાંખરા પાસેથી પ્રતિકભાઇ માથામાં ઇજા થયેલી હાલતમાં બેભાન મળ્‍યો હતો. બાજુમાં તેનું બાઇક પણ મળ્‍યું હતું. તેને ૧૦૮ના તબિબે મૃત જાહેર કર્યો હતો. ગોંડલથી તે બિલીયાળા શું કરવા ગયો? દસ મિનીટમાં ઘરે આવુ છું તેવુ કહ્યા બાદ તેણે ફોન ઉપાડવાનું કેમ બંધ કરી દીધું? આ સહિતના સવાલો શંકાસ્‍પદ લાગતાં હોઇ અને માથામાં ઇજા પણ હોઇ બનાવ હત્‍યાનો હોવાની શંકા અમને લાગી ઉપજી હતી. તેમ વધુમાં મૃતકના કાકા મનોજભાઇએ જણાવ્‍યું હતું. જો કે મૃતકને કોઇ સાથે કોઇ વાતે માથાકુટ નહિ હોવાનું પણ તેમણે કહ્યું હતું. ગોંડલ તાલુકા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું છે. તેનો રિપોર્ટ આવ્‍યા બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે. યુવાન દિકરાના અણધાર્યા શંકાસ્‍પદ મૃત્‍યુથી પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

(10:47 AM IST)