News of Monday, 27th April 2026
ગોંડલમાં બોલેરોના અકસ્માતમાં રાજકોટમાં વધુ એક મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૩ થયો
રાજકોટથી વિસાવદરના ધ્રાફડ ડેમ ખાતે માછીમારી કરવા જઇ રહેલા મુળ બિહારના બે યુવાનનો ઘટના સ્થળે જીવ ગયોઃ ગુલાબ સહાનીએ રાજકોટમાં દમ તોડયો ગુંદાળા ચોકડી ઓવર બ્રીજ પરની ઘટનાઃ છ યુવાનો વીસેક ફુટ ઉંચાઇથી ફંગોળાઇ બ્રીજ નીચે ફેંકાઇ ગયા હતાં અકસ્માતમાં ઘાયલ પાંચ પૈકીના બે યુવાન રાજકોટ સારવાર હેઠળ ત્રણ મૃતકોમાં બે સગા ભાઇઓ અને એક માસીયાઇ ભાઇ સામેલઃ મુળ બિહારના પરિવારોમાં શોકની કાલીમા

ગમખ્વાર અકસ્માતનો ભોગ બનેલા બે હતભાગી મૃતકો અને ગોંડલ હોસ્પિટલનું દ્રશ્ય જોઇ શકાય છે (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
રાજકોટ તા. ૨૭: ગોંડલની ગુંદાળા ચોકડીએ શનીવારની મોડી રાતે બોલેરો પીકઅપ ગાડી અંડર બ્રીજની રેલીગમાં અથડાતાં રાજકોટ રહેતાં મુળ બિહારના બે યુવાનના ઘટના સ્થળે જ મોત થયા હતાં. જ્યારે પાંચને ઇજાઓ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાંથી એકનું મોત થતાં કુલ મૃત્યુઆંક ૩ થયો છે. મુળ બિહારના વતની એવા આ તમામ યુવાનો રાજકોટથી બોલેરોમાં બેસી વિસાવદરના ધ્રાફડ ડેમ ખાતે માછીમારી કરવા જઇ રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. ત્રણ મૃતકોમાં બે સગા ભાઇઓ અને એક આ બંનેનો માસીયાઇ ભાઇ હતો. બોલેરો રેલીંગમાં અથડાયો ત્યારે પાછળ બેઠેલા પૈકી છએક યુવાન ઉલળીને બ્રીજ પરથી ફગાળાઇ વીસેક ફુટ નીચે ખાબક્યા હતાં.
ગોંડલથી જીતેન્દ્ર આચાર્યના અહેવાલ મુજબ રાજકોટ આજીડેમ ચોકડી પાસે રહેતાં મુળ બિહારના પંદર જેટલા યુવાનો રાજકોટથી બોલેરો પીકઅપ વાન નંબર જીજે૦૩બીટી-૫૦૨૦માં બેસીને જુનાગઢનાં વિસાવદરના ધ્રાફળ ડેમ તરફ મચ્છીમારી કરવા માટે રવાના થયા હતાં. બોલેરો પીકઅપ વાન નાં ઠાઠામાં માચ્છીમારીની નેટ ભરેલી હતી અને તેના ઉપર બારથી પંદર યુવાનો બેઠા હતાં. દરમિયાન રાત્રીનાં અગીયાર આસપાસ ગોંડલ ગુંદાળા ચોકડી પરનાં ઓવરબ્રિજ પર પંહોચેલી બલેરોના ચાલકે કાબુ ગુમાવતા બોલેરો બ્રીજની રેલિંગ સાથે ઘડાકાભેર અથડાતા નેટ ઉપર બેઠેલા કળષ્ણનંદન રામબલી સહાની, રિતેષકુમાર ઓપીન્દર સહાની, સન્ની સહાન,ી વિકાસ મિથીલેશ સહાની, ચંદન નરેશ સદા, ગુલાબ રામબલી સહાની બ્રીજ પરથી ફંગોળાઇ ૨૦ ફુટ નીચે પટકાતાં માથા શરીરે ઇજાઓ થઇ હતી.
જેમાં કળષ્ણનંદન રામબલી સહની (ઉ.૨૫) તેના તેના માસીયાઇ ભાઇ રિતેષકુમાર સહાની (ઉ.૧૮)ના ઘટના સ્થળે જ મોત થયા હતાં. બાકીના ગુલાબ રામબલી સહાની (ઉ.વ.૩૮), ચંદન નરેશભાઇ માંઝી (ઉ.વ.૧૬), સન્ની અજયભાઇ સહાની (ઉ.વ.૧૫), વિકાસ અજયભાઇ સહાની (ઉ.વ.૧૯)ને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાંથી ગુલાબ સહાનીનું મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક ૩ થયો હતો. ઘટના સ્થળે મૃત્યુ પામનાર કૃષ્ણનંદનનો તે સગો ભાઇ અને રિતેષકુમારનો માસીયાઇ ભાઇ થતો હતો. નું ઘટનાસ્થળે મોત નિપજ્યા હતાં.
અકસ્માતની જાણ થતા જ યુવા આગેવાન ગણેશભાઈજાડેજા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી. રાહત કામગીરી માટે માર્કેટ યાર્ડની એમ્બ્યુલન્સ, ૧૦૮ સેવા તેમજ શિવમ ટ્રસ્ટની એમ્બ્યુલન્સો પણ સ્થળ પર પહોંચી ગઈ હતી.
મળતક બન્ને યુવાનો બિહારનાં વતની હતા અને હાલ રાજકોટ આજીડેમ પાસે રહેતા. અને માચ્છીમારી નો વ્યવસાય કરતા હતાં.બન્ને અપરણીત હતા. બોલેરો ગાડીમાં ઘરવખરીના સામાન સાથે ગેસ સિલિન્ડર પણ રાખેલા હતા. સદનસીબે, અકસ્માત દરમિયાન ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો ન હતો, નહીંતર મોટી જાનહાનિ થવાની શકયતા હતી. બનાવ અંગે બી-ડીવીઝન પોલીસનાં આર. ટી. પરમારે સુરજ સહાનીની ફરિયાદ લઇ બોલેરો ચાલક રાજકોટના મૌલિક ધનજીભાઇ રાઠોડ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
રાજકોટમાં મૃત્યુ પામનાર ગુલાબ સહાની પાંચ ભાઇ અને બે બહેનમાં મોટો હતો. તેની સાથે એક ભાઇનું પણ આ અકસ્માતમાં મોત થયું છે. ગુલાબ સહાનીને સંતાનમાં ચાર દિકરા છે. આ બનાવથી પરિવારોમાં ગમગીની વ્યાપી ગઇ છે
(12:26 PM IST)










