તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Saturday, 25th April 2026
બોમ્બે હાઉસીંગની ૮.૩૨ લાખની ચોરીનો ભેદ ખુલ્યોઃ રીઢા ચોરે ૧ કરોડ સહિતની વધુ બે ચોરી પણ કબુલી
યુનિવર્સિટી પોલીસ અને એલસીબી ઝોન-૨ ટીમે પગેરૂ શોધતાં તસ્કર અમદાવાદમાં હોવાની માહિતી મળતાં નારોલ પોલીસને જાણ કરી સકંજામાં લેવડાવ્યોઃ રાજકોટમાં બીજી ચોરી પણ બોમ્બે હાઉસીંગમાં રમનીબેન નમ્બીયારના ઘરમાં કરી હતી : ગાંધીનગરમાં એનઆરઆઇના ઘરમાંથી એક કરોડની મત્તા મળી હતીઃ પીઆઇ સી. એન. દવે, પીએસઆઇ વી. જી. ડોડીયા, એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમની કામગીરીઃ મુળ રાધનપુરનો માલો સમેચા હાલ રાજકોટ મઢી પાસે છોટુનગર ઝૂપડામાં રહે છેઃ ૬.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે : રાજકોટ, બનાસકાંઠા, ગાંધીધામ, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધનગરમાં ૨૦ ગુનાઓમાં સામેલઃ એક વખત પાસામાં જઇ આવ્યો છેઃ બંધ મકાનની રેકી કરી મોજશોખ માટે ચોરીઓ કરવાની અદાત : ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પીઆઇ સી. એન. દવે, પીએસઆઇ વી. જી. ડોડીયા, જગમાલભાઇ, એલસીબી ઝોન-૨ પીએઆઇ આર. એચ. ઝાલા અને ટીમોની કામગીરી

રાજકોટ તા. ૨૫: શહેરમાં અઠવાડીયા પહેલા યુનિવર્સિટી રોડ બોમ્બે હાઉસીંગ સોસાયટીમાં એક મકાન બંધ મકાનના તાળા તોડી ૭ લાખથી વધુના ચાંદીના દાગીના, સોનાના દાગીના, રોકડા તેમજ ચશ્મા, ઘડીયાળો સહિત મળી ૮.૩૨ લાખની માલમત્તા ચોરી જવામાં આવી હતી. આ ચોરીના ગુનાનો ભેદ યુનિવર્સિટી પોલીસ અને એલસીબી ઝોન-૨ ટીમે ઉકેલી હાલ હનુમાન મઢી પાસે છોટુનગર ઝૂપડામાં રહેતાં મુળ અમદાવાદના રીઢા તસ્કરને ઝડપી લઇ સવા છ લાખની માલમત્તા કબ્જે કરી છે. આ તસ્કરે બોમ્બે હાઉસીંગમાં જ અન્ય એક રૂા. ૪૧ હજારની ચોરી થઇ હતી તેની કબુલાત આપી છે, તેમજ ગાંધીનગરમાં એનઆરઆઇના બંધ મકાનમાં થયેલી ૧ કરોડથી વધુની ચોરીની કબુલાત પણ આપી છે.
જાણવા મળ્યા મુજબ બોમ્બે હાઉસીંગ સોસાયટી નવદુર્ગા હોલની પાસે જી. કે. ધોળકીયા સ્કૂલની સામે શેરી નં. ૧/૫૫ના ખુણે રહેતાં વિશ્વરાજસિંહ યોગેન્દ્રસિંહ રાણા (ઉ.વ.૩૦) હાલ ગાંધીનગર ખાતે નોકરી કરતાં હોઇ જેથી તેઓ પરિવાર સાથે હાલ અમદાવાદ આરાધના સોસાયટી બોપલમાં રહે છે. દસ પંદર દિવસે તેઓ રાજકોટ ખાતેના બંધ રહેતાં મકાન ખાતે આટો મારવા આવે છે અને પરત અમદાવાદ જતાં રહે છે. ગત ૨૧/૩/૨૬ના રોજ તે રાજકોટ ખાતેના ઘરે મારા માતા જ્યોત્સનાબા સાથે અમદાવાદથી આવ્યા બાદ ૨૨મીએ નોકરી ચાલુ હોઇ ફરી અમદાવાદ ગયા હતાં. એ પછી ૧૬/૪ના રોજ ઘરે આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થઇ હતી. તસ્કરો મકાનના તાળા તોડી રોકડા ૬૦ હજાર તેમજ રૂા. ૭,૧૨,૦૦૦ના ૭૧૨૦ ગ્રામ ચાંદીના દાગીના, સોનાના ૩૦ હજારના દાગીના, ઘડીયાળ, ચશ્મા, તાંબાની ગોળી મળી કુલ રૂા. ૮,૩૨,૦૦૦ની માલમત્તા ચોરી ગયા હતાં.
આ ગુનાનો ભેદ ઉકેલવા યુનિવર્સિટી પોલીસ અને એલસીબી ઝોન-૨ ટીમ કાર્યરત થઇ હતી. આ દરમિાયન ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સિસ તેમજ સીસીટીવી કેમેરાને આધારે તપાસ થતાં આ ટીમોને એવી પાક્કી માહિતી મળી હતી કે ચોરીમાં સામેલ રીઢો ચોર માલો સમેચા અમદાવાદ નારોલ વિસ્તારમાં ચોક્કસ જગ્યાએ છે. આ ટીમો નારોલ પહોંચે એ પહેલા ચોર ભાગી ન જાય તે માટે સ્થાનિક નારોલ પોલીસને જાણ કરતાં તેને પકડી લેવાયો હતો. તેની પાસેથી રૂા. ૧,૦૦,૨૪,૫૫૬ની રોકડ, દાગીના સહિતનો મુદ્દામાલ મળ્યો હતો. આ માલની ચોરી તેણે ગાંધીનગરમાં સેક્ટર-૭માં આવેલા એનઆરઆાઇના બંધ મકાનમાંથી કરી હોવાની કબુલાત આપી હતી.
રાજકોટ યુનિવર્સિટી પોલીસના બે ચોરીના ગુના પણ તેણે કબુલ્યા છે. જેમાં વિશ્વરાજસિંહ રાણાના ઘરની ૯.૩૨ લાખની ચોરી તેમજ બોમ્બે હાઉસીંગ શેરી નં. ૨માં રહેતાં રમનીબેન ઉન્નીક્રિષ્નન નમ્બીયાર (ઉ.વ.૬૮) નામના વૃધ્ધાના ઘરમાં ૧૨/૪ના રોજ થયેલી ૪૧ હજારની ચોરીની પણ માલા સમેચાએ કબુલાત આપી છે. રમનીબેન ઘર બંધ કરી મહારાષ્ટ્ર દિકરાને ત્યાં રોકાવા ગયા ત્યારે તેમના રેઢા ઘરમાંથી ચાંદીના વાસણો, ચાંદીની મુર્તિઓ, કોપરના ગ્લાસ, મોબાઇલ સહિતની માલમત્તા ચોરાઇ હતી.
પોલીસે માલા સમેચા પાસેથી ચાંદીની કટાર રૂા. ૮૦૫૮૬ની, ચાંદીના છ ગ્લાસ રૂા. ૩,૦૭,૫૭૨ના, ચાંદીની ટ્રેક રૂા. ૧,૭૩,૭૪૮ની, ચાંદીની નોટ રૂા. ૧૨૦૦ની, રાધાકૃષ્ણની મુર્તિ રૂા. ૧૨ હજારની અને ચાંદીના રાણીછાપ સિક્કા રૂા. ૫૫૬૨૪ના મળી ૬,૩૦,૭૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. માલો સમેચા મુળ ડમરૂનગર સોસાયટી નારોલ અમદાવાદનો વતની છે. હાલ તે રાજકોટ હનુમાન મઢી પાછળ છોટુનગર ઝૂપડપટ્ટીમાં રહે છે. તેનું મુળ વતન આંબાવાડી જૈન ટોકીઝ પાછળ રાધનપુર જી. પાટણ છે. આ શખ્સ ૨૦૧૮થી ચોરીઓના ગુના આચરે છે. અત્યાર સુધીમાં તેણે રાજકોટ, રાધનપુર, બનાસકાંઠા, ગાંધીધામ કચ્છ, ધ્રાંગધ્રા- સુરેન્દ્રનગર, અમદાવાદ શહેર, પાટણ, ગાંધીનગર, ભચાઉ સહિત ૨૦ સ્થળે ચોરીના ગુના આચર્યા છે. એક વખત ચાંદખેડા અમદાવાદ પોલીસે તેને પાસામાં પણ ધકેલ્યો હતો. તે મોજશોખ પુરા કરવા માટે બંધ મકાનની રેકી કરી ચોરી કરવાની આદત ધરાવે છે.
આ કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પીઆઇ સી. એન. દવે, પીએસઆઇ વી. જી. ડોડીયા, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, હેડકોન્સ. વિરદેવસિંહ જાડેજા, વિજુભા જાડેજા, મહિપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, ગોપાલસિંહ જાડેજા, કોન્સ. દિવ્યરાજસિંહ સુખદેવસિંહ, દિવ્યરાજસિંહ ટેમભા, વનરાજભાઇ લાવડીયા, પ્રવિણભાઇ જતાપરા, મૈસુરભાઇ કુંભારવાડીયા, પ્રાદિત્યસિંહ ઝાલા, ધારાબેન મેઘાણી, એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્સ. શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, ધર્મરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ ઝાલાએ આ કામગીરી કરી છે.
(2:43 PM IST)










