<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

મગફળીના મહામંથન માટે દેશભરના બોકર્સ રાજકોટમાં: કાલે અધિવેશન

સોૈરાષ્‍ટ્રમાં ૧૩૦૦ સહિત દેશમાં ૪ હજારથી વધુ સીંગદાણાના કારખાના, વર્ષે ૭ લાખ ટન સીંગદાણાની નિકાસ, ૫૦ હજાર લોકોને રોજગારી ૧૩ રાજયોમાંથી બ્રોકર્સ, નિકાસકારો, કારખાનેદારો અને પ્રોસેસર્સની હાજરીઃ વેપાર સરળ બનાવવા સહિતના મુદે ચર્ચા

રાજકોટઃ મગફળી અને સીંગદાણાના વેપાર સાથે સંકળાયેલા દેશભરના બ્રોકર્સ, નિકાસકારો, પ્રોસેસર્સ તથા પીનટ બટર ઉત્‍પાદકોનો મહત્ત્વપૂર્ણ મેળાવડો આવતીકાલે તા. ૨૭ સપ્‍ટેમ્‍બરના રવિવારે યોજાશે. ઇન્‍ડિયન પીનટ બ્રોકર્સ એસોસિએશન (આઈપીબીએ) દ્વારા સાંજે ૪ વાગ્‍યાથી ટ્રીટ ટીસોર્ટ, વીવીઆઈપી એન્‍જિનિયરિંગ કોલેજ સામે, રેજેન્‍સી લગૂન પાસે, કાલાવડ રોડ ખાતે અધિવેશનનું આયોજન કરવામાં આવ્‍યું છે. દેશના ૧૩ રાજ્‍યોમાંથી ફેક્‍ટરી ફેડર્સ, નિકાસકારો અને બ્રોકર્સ સહિત મગફળી ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનો આ અધિવેશનમાં ઉપસ્‍થિત રહેશે.

આઈપીબીએ ભારતના વિવિધ રાજ્‍યોમાં મગફળી અને સીંગદાણાના વેપાર સાથે સંકળાયેલા બ્રોકર્સનું રાષ્ટ્રીય સંગઠન છે. રાજકોટમાં યોજાનારા આ અધિવેશનમાં મગફળી અને સીંગદાણાના વેપારને વધુ સરળ, વ્‍યવસ્‍થિત અને અસરકારક બનાવવા સાથે તેના મૂલ્‍યવર્ધન અંગે પણ વિસ્‍તૃત ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત નિકાસ ક્ષેત્રે વેપારીઓ અને કારખાનેદારોને પડતી સમસ્‍યાઓ, નિકાસની તકો તથા ઉદ્યોગના વિકાસ માટે જરૂરી બાબતો અંગે પણ વિચારવિમર્શ થશે.

આ અંગે અકિલાની મુલાકાતે આવેલા ડીએસએન એગ્રોના બ્રોકર તથા આઈપીબીએના સેક્રેટરી શ્રી નીરજ અઢિયા  શ્રી પૂર્વાંગ વોરા (મનસુખલાલ પ્રેમચંદ રાજકોટ અને ખજાનચી આઇપીબીએ)એ જણાવ્‍યું હતું કે, રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં આશરે ૧૩૦૦ જેટલા સીંગદાણાના કારખાના કાર્યરત છે, જ્‍યારે દેશભરમાં આ સંખ્‍યા આશરે ૪ હજાર જેટલી છે. સીંગદાણાના ક્ષેત્ર સાથે મોટી સંખ્‍યામાં લોકો સીધી અને આડકતરી રીતે સંકળાયેલા છે.

ભારતમાંથી દર વર્ષે આશરે ૭ લાખ ટન સીંગદાણાની નિકાસ થતી હોવાનું જણાવાયું હતું. આ સમગ્ર ઉદ્યોગ દેશની અર્થવ્‍યવસ્‍થામાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યો છે અને અંદાજે ૫૦ હજાર લોકોને રોજગારી તથા રોજીરોટી મળી રહી છે. છેલ્‍લા એક દાયકામાં આધુનિક અને નવીન મશીનરીના આગમનથી સીંગદાણાના પ્રોસેસિગ અને ઉત્‍પાદન ક્ષેત્રે પણ નોંધપાત્ર વધારો થયો છે. ટેકનોલોજીના ઉપયોગથી ગુણવત્તા જાળવવા, પ્રક્રિયાને ઝડપી બનાવવા તથા નિકાસલક્ષી ઉત્‍પાદન વધારવામાં મદદ મળી રહી છે.

સીંગદાણાના ઉદ્યોગમાં પેકિગ માટે પીપી બેગ તથા જ્‍યૂટ બેગનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. મગફળીના ઉત્‍પાદનથી માંડીને તેના પ્રોસેસિગ, પેકિગ અને નિકાસ સુધીની સમગ્ર સાંકળમાં અનેક નાના-મોટા ઉદ્યોગો અને વેપારીઓ જોડાયેલા હોવાથી આ ક્ષેત્રનું વ્‍યાપક આર્થિક મહત્‍વ છે.

આવતીકાલના અધિવેશનમાં કારખાનેદારો તથા નિકાસકારો દ્વારા નિકાસને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવશે. સીંગદાણાના વેપાર દરમિયાન પડતી મુશ્‍કેલીઓ, વેપાર વધુ સરળ અને પારદર્શક રીતે કેવી રીતે થઈ શકે, નિકાસને પ્રોત્‍સાહન આપવા કયા પગલાં જરૂરી છે તેમજ મગફળીના મૂલ્‍યવર્ધન દ્વારા ઉદ્યોગને નવી તકો કેવી રીતે મળી શકે તે સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે.

દેશના વિવિધ રાજ્‍યોમાંથી એકત્રિત થઈ રહેલા આ ઉદ્યોગના આગેવાનો વચ્‍ચે વિચારોનું આદાનપ્રદાન થાય અને વેપાર-નિકાસ ક્ષેત્રની સમસ્‍યાઓના વ્‍યવહારુ ઉકેલો અંગે ચર્ચા થાય તે દિશામાં આ અધિવેશન મહત્‍વનું બની રહેશે. રાજકોટ ખાતે યોજાનારા આ કાર્યક્રમથી સૌરાષ્ટ્રના મગફળી અને સીંગદાણા ઉદ્યોગને પણ નવી દિશા અને દેશભરના વેપારીઓ સાથે વધુ સારા વ્‍યવસાયિક જોડાણની તક મળવાની અપેક્ષા હોવાનું જણાવાયું છે.

તસ્‍વીરમાં ઇન્‍ડિયન પીનટ બ્રોકર્સ એસોસીએશનના આગેવાનો સર્વશ્રી નીરજ અઢીયા (મો.૯૮૨૫૨ ૮૫૪૨૯) અને પૂર્વાંગ વોરા(મો. ૯૯૨૫૧ ૫૫૦૫૬) નજરે પડે છે.

(3:55 PM IST)