News of Monday, 27th April 2026
રાજકોટમાં કાલે મનપાની ચૂંટણીના મત ગણતરીના દિવસે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાનું જાહેરનામુ: મંગળવારે વિજય સરઘસમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

રાજકોટ: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલ મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓની મતગણતરી કાલે તા.૨૮/૦૪/૨૦૨૬ના મંગળવારના રોજ યોજાનાર છે. આ પ્રસંગે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ખાસ પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે.
ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ નીકળતા વિજય સરઘસોમાં જાહેર માર્ગો પર ફટાકડા ફોડવાથી સામાન્ય જનતાને હાલાકી ન પડે અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે. પોલીસ કમિશનર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સમગ્ર રાજકોટ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં પ્રતિબંધ ફરમાવ્યો છે.
તે મુજબ વિજય સરઘસ દરમિયાન જાહેર રસ્તા પર કોઈપણ પ્રકારના ફટાકડા કે દારૂખાનું ફોડવા અથવા સળગાવીને જાહેરમાં છૂટા ફેંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ જાહેરનામું તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ કલાક ૦૦:૦૦ થી તા.૨૯/૦૪/૨૦૨૬ના રોજ કલાક ૨૪:૦૦ સુધી રાજકોટ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળનો તમામ વિસ્તારમાં અમલમાં રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ ૨૨૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના તમામ અધિકારીઓને ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
આ આદેશની જાણકારી તમામ નાગરિકો સુધી પહોંચે તે માટે સ્થાનિક વર્તમાન પત્રો, આકાશવાણી, દૂરદર્શન તેમજ રાજકોટ પોલીસના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની પ્રસિદ્ધિ કરવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત તમામ પોલીસ સ્ટેશનો અને સરકારી કચેરીઓના નોટિસ બોર્ડ પર પણ આ હુકમની નકલ લગાવવામાં આવશે.
(8:24 PM IST)










