<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

એક કલાકમાં ૧૭ ટ્રાન્‍જેકશન કરી વેપારી અને તેના માતાના બેંક ખાતામાંથી ૮.૧૬ લાખ ઉપાડી લેવાયા

કારના રૂા. ૨૦૦૦ના ઇ-ચલાણનો ટેક્‍સ મેસેજ લિંક સાથે મોકલ્‍યોઃ લિંક પર ક્‍લીક કરતાં જ એપીકે ફાઇલ ઇન્‍સ્‍ટોલ થઇ ને ફોન હેક થઇ ગયો મોબાઇલ નંબર પોર્ટ કરાવવાની પ્રક્રિયા વખતે જ ચલાણનો મેસેજ આવ્‍યોઃ નવુ કાર્ડ એક્‍ટીવેટ થતાં જ સિસ્‍ટમ હેક કરી લેવાઇઃ જગન્‍નાથ પ્‍લોટના વેપારી મિતેનભાઇ મહેતા સાથે ઠગાઇ થતાં સાબયર ક્રાઇમ પોલીસમાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૨૯: શહેરના કાલાવાડ રોડ પર ક્રિસ્‍ટલ મોલની સામે પાર્શ્વ કોર્પોરેશન નામે પેઢી ચલાવતા અને બીગ બાઝારા પાછળ જગન્‍નાથ પ્‍લોટ ગુલાબ વિહાર મેઇન રોડ પર વેપારી મિતિનભાઈ ચંદ્રકાંતભાઇ મહેતા (ઉ.વ. ૫૨) સાયબર ક્રાઇમનો ભોગ બન્‍યા છે. ગઠીયાઓ વેપારીના માતા ભાવનાબેનના નામે ચાલતી પેઢી અને તેમના પર્સનલ બેંક ખાતામાંથી ઓટીપી  બાયપાસ કરીને માત્ર એક જ દિવસમાં કુલ રૂપિયા ૮,૧૬,૭૪૨ની રકમ સેરવી ગયા છે. ટ્રાફિક મેમો ઇ-ચલણ  ભરવાના બહાને મોકલેલી એક શંકાસ્‍પદ લિંક પર ક્‍લિક કરવાથી તેઓ ફ્રોડનો શિકાર બની ગયા હતા.

ઘટનાની વિગત મુજબ ગત તા. ૯/૫ના  રોજ મિતિનભાઈએ પોતાનો વીઆઇ કંપનીનો મોબાઈલ નંબર પોર્ટ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ પ્રક્રિયા દરમિયાન જ રાત્રિના સમયે તેમના મોબાઈલ પર એમ-પરિવહનના નામે એક ટેક્‍સ્‍ટ મેસેજ આવ્‍યો હતો. જેમાં તેમની કારનું રૂપિયા ૨,૦૦૦નું ચલાન બાકી હોવાનું દર્શાવી નીચે એક લિંક આપવામાં આવી હતી. મિતિનભાઈએ આ મેસેજને સાચો માની જ્‍યારે આપેલી શંકાસ્‍પદ યુઆરએલ લિંક પર ક્‍લિક કર્યું, ત્‍યારે તેમના મોબાઈલમાં એક અજ્ઞાત એપીકે  ફાઈલ ડાઉનલોડ થઈ ગઈ હતી. આ ફાઈલ વાસ્‍તવમાં સાયબર ગુનેગારોનું એક માધ્‍યમ-માલવેર હતું. જેનાથી વેપારીનો આખો ફોન હેક થઈ ગયો હતો. ત્‍યારબાદ બીજા દિવસે તેમના ફોન પર અલગ-અલગ ઈ-કોમર્સ સાઈટ્‍સના આશરે ૩૦ થી વધુ ઓટીપી મેસેજ આવવા લાગ્‍યા હતા.

આ રીતે ધડાધડ શંકાસ્‍પદ મેસેજો આવતા મિતિનભાઈએ તુરંત યસ બેંકના બ્રાંચ મેનેજર સાથે વાત કરી હતી. મેનેજરે ફ્રોડની આશંકા વ્‍યક્‍ત કરતા ટ્રાન્‍ઝેક્‍શન લીમિટ બદલવાની સલાહ આપી હતી, જેથી મિતિનભાઈએ તુરંત જ ઓનલાઈન ઉપાડ મર્યાદા ઘટાડીને ૧,૫૦૦ કરી નાખી હતી. ત્‍યારબાદ તા. ૧૨ મે ના રોજ નવું સિમકાર્ડ એક્‍ટિવેટ થતાં તેમણે રિચાર્જ કરાવી ફોન ચાલુ કર્યો હતો. પણ સાયબર ગુનેગારોએ આખી સિસ્‍ટમ હેક કરીને તા. ૧૩/૫ની વહેલી સવારે સવા પાંચ વાગ્‍યાની આસપાસ એક જ કલાકમાં ઉપરાઉપરી મેસેજ મોકલી બંને ખાતાઓમાંથી રૂપિયા ઉપાડી લીધા હતા.

 ઠગોએ પેઢીના બેંક ખાતામાંથી ૩ ટ્રાન્‍ઝેક્‍શન દ્વારા રૂા. ૧,૮૦,૨૧૨ અને માતાના વ્‍યક્‍તિગત ખાતામાંથી ૧૪ ટ્રાન્‍ઝેક્‍શન દ્વારા ૬,૩૬,૫૨૯મળી કુલ ૧૭ ટ્રાન્‍ઝેક્‍શન મારફતે રૂપિયા ૮,૧૬,૭૪૨ ઉપાડી લીધા હતાં. પોતાની જાણ બહાર ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી જતાં વેપારી મિતિનભાઈએ તુરત જ સાયબર ક્રાઈમ હેલ્‍પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરીને ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. હવે વિધીસર ફરિયાદ દાખલ કરાવતાં હેડકોન્‍સ. એમ. એસ. ટંકારીયાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(4:06 PM IST)