તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
ગેરકાયદે બાંધકામનો ભોગ બની વેપારીની ફેકટરી
પાણીના સતત લીકેજથી છત, પ્લાસ્ટર અને આંતરિક ભાગોમાં નુકસાનઃ જવાબદારો સામે કાર્યવાહી કરવા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બિપિન અઢિયાની મહાનગરપાલિકામાં રજૂઆત

રાજકોટ તા.૨૦: રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બિપિનભાઈ કાંતિલાલ અઢિયાએ શહેરના પંચનાથ રોડ વિસ્તારમાં આવેલા પોતાની બીપીન સોપ ફેકટરીને અડીને થયેલા કથિત ગેરકાયદે બાંધકામ સામે મહાનગરપાલિકાના સંબંધિત વિભાગમાં લેખિત રજૂઆત કરી છે. આ બાંધકામના કારણે કાર્યાલયમાં સતત પાણીનું લીકેજ થતું હોવાના પરિણામે મિલકતને વ્યાપક નુકસાન થઈ રહ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
બિપિન અઢિયાના જણાવ્યા મુજબ, તેમનો પરિવાર છેલ્લા આશરે છ દાયકાથી પંચનાથ રોડ વિસ્તારમાં વ્યવસાય સાથે સંકળાયેલો છે. પરિવારના લાંબા સમયથી ચાલતા વ્યવસાય સાથે જોડાયેલી આ મિલકતની બાજુમાં જરૂરી મ્યુનિસિપલ મંજૂરી વિના બાંધકામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. આ બાંધકામના કારણે પાણીના લીકેજ અને નુકસાન અંગે વારંવાર ધ્યાન દોરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, સતત પાણી ટપકવાના કારણે કાર્યાલયની છત, પ્લાસ્ટર ઓફ પેરિસ (POP), આંતરિક ભાગો તેમજ અન્ય બાંધકામને ભારે નુકસાન થયું છે. પરિણામે કાર્યાલયની મિલકતને આર્થિક નુકસાન થવાની સાથે તેની સ્થિતિ પણ દિનપ્રતિદિન બગડી રહી છે. ભેજ અને પાણીના સતત લીકેજને કારણે સ્વચ્છતા તથા સલામતી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. બિપિન અઢિયાએ રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે, કોઈ વ્યક્તિ દ્વારા ગેરકાયદે બાંધકામ કરીને અન્ય વ્યક્તિની માલિકીની મિલકતને નુકસાન પહોંચાડવાનું કે માનવજીવનની સલામતી જોખમાય તેવી સ્થિતિ ઊભી કરવાનું યોગ્ય નથી. આથી સમગ્ર મામલે સ્થળ તપાસ કરીને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
મહાનગરપાલિકા સમક્ષ કરવામાં આવેલી રજૂઆતમાં સ્થળની તાત્કાલિક તપાસ, મંજૂર બાંધકામ પ્લાન અને પાણીના નિકાલની વ્યવસ્થાની ચકાસણી, જવાબદાર વ્યક્તિઓને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી, પાણીનું લીકેજ બંધ કરાવવું તેમજ થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરાવી યોગ્ય વળતર અપાવવાની માગ કરવામાં આવી છે
(4:16 PM IST)










