News of Wednesday, 20th May 2026
મોટા મવા વિસ્તારમાં બાઇકને હડફેટે લઈને ઇજા કરવાના કેસમાં કારચાલકનો છુટકારો

રાજકોટ, તા.૨૦: કાલાવડ રોડથી મોટા મવા રોડ ઉપર કારની હડફેટે બાઈકના અકસ્માતમાં બે મિત્રોને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડવાના બે વર્ષ પહેલાંના કેસમાં અદાલતે કારચાલકનો છુટકારો ફરમાવ્યો છે.
આ કેસમાં તારીખઃ ૦૨- ૦૬- ૨૦૨૪ના બનાવની હકીકત મુજબ હીરેનકુમાર લાલજીભાઇ કણજારીયા તથા તેમના મિત્ર યતિનભાઈ વલ્લભભાઈ હડીયલ પોતાનું મોટરસાયકલ લઇ કાલાવાડ રોડથી મોટા મૌવા રોડ તરફ માસુમ સ્કુલ પાસે જતા હતા ત્યારે અજય પ્રવિણભાઈ ભાયાણીએ પોતાની કાર પુરઝડપે બેફીકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી બંને મિત્રોને મોટરસાયકલ સહીત પાછળથી હડફેટે બંનેને માથામાં અને શરીરે ફ્રેક્ચર સહિતની ઇજા થતાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુનાની તપાસમાં તપાસનીશ અમલદારે તપાસના અંતે હાલનાં આરોપી વિરૂદ્ધ પુરતો પુરાવો જણાતાં અદાલતમાં ચાર્જશીટ મૂકયું હતું.
આ કેસ ચાલવા ઉપર આવતા ફરીયાદ પક્ષે પોતાનો કેસ પુરવાર કરવા માટે ફરીયાદી તથા ડોકટર, સાહેદોના, પંચોના અને ત.ક. અમલદારની મૌખિક જુબાનીઓ તેમજ અસલ ફરીયાદ, મેડીકલ સર્ટીફીકેટ, નિવેદનો, બનાવવાળી જગ્યાની વિડીયોગ્રાફી, પંચનામાઓ દસ્તાવેજી પુરાવા કર્યા હતા. ત્યારબાદ બચાવ પક્ષના વકીલે પોતાની દલીલમાં જણાવેલ હતું કે, ફરિયાદપક્ષ તરફે જે પણ સાહેદ, ડોકટરનો મૌખિક પુરાવો નોંધવામાં આવેલ છે તે પૈકી ફરિયાદી કે સાહેદોએ તેમના મૌખિક પુરાવામાં ફરિયાદ-હકીકતને સમર્થન આપેલ નથી. ફરિયાદ પક્ષ સીધા કે સાચા પુરાવા દ્વારા તહોમતદાર વિરુધ્ધનો આક્ષેપ સાબિત કરવામાં નિષ્ફળ નીવડેલ હોવાના મતલબની દલીલો કરી હતી. જે દલીલો ધ્યાને લઈ અદાલતે આરોપી અજય પ્રવિણભાઈ ભાયાણીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે ધારાશાષાી હેમલકુમાર બી.ગોહેલ, હીરેન્દ્રસિંહ આર. ચૌહાણ, આનંદ સદાવ્રતિ રોકાયા હતા.
(2:46 PM IST)










