News of Tuesday, 12th May 2026
કારચાલક બાઇકને ઉલાળી ભાગી ગયોઃ બજરંગવાડીના ઇલ્યાસભાઇને હેમરેજ
મવડી પાળ રોડ પર શ્રીનાથજી હોટેલ નજીક હિટ એન્ડ રનનો બનાવ : પાણીના ફેરા કરતાં યુવાન અર્ધબેભાન હાલતમાં દાખલઃ તાલુકા પોલીસે બલેનો કારના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૨: શહેરના મવડી-પાળ રોડ પર શ્રીનાથજી હોટલ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ વેગે આવતી એક બલેનો કારના ચાલકે બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર મારતા યુવકને માથાના ભાગે ગંભીર હેમરેજ જેવી ઇજાઓ પહોંચી છે. અકસ્માત સર્જી કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
હિટ એન્ડ રનની આ ઘટનામાં તાલુકા પોલીસે બજરંગવાડી-૧૦/૧૧ના ખુણે રહેતાં સાજીદભાઇ કાસમભાઇ કુરેશી (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી જીજે૦૩પીઆર-૩૦૦૨ નંબરની બલેનો કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે. સાજીદભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના ભાઇ ઈલ્યાસભાઈ કાસમભાઈ કુરેશી પાણીના ફેરાની રિક્ષા ચલાવે છે. ગત તા. ૦૭/૦૫/૨૦૨૬ ના રોજ સાંજે આશરે છ વાગ્યાના અરસામાં ઇલ્યાસભાઇ પોતાનું મોટરસાયકલ નં. જીજે૦૩એનએલ-૪૭૭૨ લઈને ઘર તરફ આવી રહ્યા હતા. તેઓ જ્યારે મવડી-પાળ રોડ પર શ્રીનાથજી હોટલ પાસેના ડિવાઈડર કટ પાસે પહોંચ્યા, ત્યારે શ્રીરામ ચોક તરફથી પૂરઝડપે આવેલી એક બલેનો કાર નંબર જીજે૦૩પીઆર-૩૦૦૨ના ચાલકે તેમને ડાબી બાજુથી હડફેટે લીધા હતા.
અકસ્માત એટલો ભયાનક હતો કે ઈલ્યાસભાઈ બાઈક સાથે રોડ પર પટકાયા હતા અને તેમને કાનમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક ઉભો રહેવાને બદલે નાસી છૂટયો હતો. સમગ્ર ઘટના વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. ઈજાગ્રસ્ત ઈલ્યાસભાઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હાલત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે રાજ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમને માથાના ભાગે ગંભીર હેમરેજ થયું છે અને હાલ તેઓ અર્ધબેભાન અવસ્થામાં છે. તાલકુા પોલીસ સ્ટેશનના એએએસઆઇ ડી. સી. જોષી દ્વારા ગુનો નોંધી કારચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(3:55 PM IST)










