તા. ૨૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૧ ગુરૂવાર
News of Monday, 23rd November 2026
રાજકોટની સિટી બસમાં ટિકિટ વિના મુસાફરી કરાવવાનો મામલો સામે આવ્યોઃ જબરી ગેરરીતિની તપાસની માંગ
ટિકિટના નાણાં વસૂલી રસીદ નહીં અપાતી હોવાનો આક્ષેપઃ મનપાને દર મહિને લાખોનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરતા તુષિત પાણેરી

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સેવામાં ટિકિટ આપ્યા વિના મુસાફરો પાસેથી નાણાં વસૂલવામાં આવતા હોવાનો આક્ષેપ કરી સનાતનની યજ્ઞ પવિત્ર બ્રાહ્મણ અને સામાજિક કાર્યકર શ્રી તુષિત પાણેરી મો. ૯૪૨૭૨ ૪૨૨૫૩ એ સમગ્ર મામલે તપાસની માંગ કરી છે. આ અંગે તેમણે મહાનગરપાલિકામાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હોવાનું એક યાદીમાં જણાવ્યું છે.
શ્રી તુષિત પાણેરીની યાદીમાં જણાવ્યા મુજબ, ગત તા. ૨૧ નવેમ્બરના રોજ રાત્રે આશરે ૮ વાગ્યે રૂટ નંબર ૧ની જીજે-૩ બીઝેડ-૪૬૨૧ નંબરની સિટી બસ ત્રિકોણબાગથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફ જઈ રહી હતી. તે દરમિયાન ટિકિટ ચેકિંગ ટીમ દ્વારા તપાસ કરાતા આઠ મુસાફરો પાસે ટિકિટ નહીં હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. મુસાફરોએ ટિકિટ માંગવા છતાં કંડક્ટરે ટિકિટ આપવાને બદલે ઊતરતી વખતે પાંચ રૂપિયા આપવાનું જણાવ્યું હોવાનો દાવો યાદીમાં કરાયો છે.
પાણેરીએ આ પ્રકારની ગેરરીતિ અન્ય બસોમાં પણ થતી હોય તો મહાનગરપાલિકાને દર મહિને લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે તેવી આશંકા વ્યક્ત કરી છે. તેમણે આ અંગે મનપાના ફરિયાદ કેન્દ્રમાં ફરિયાદ નંબર ૨૬૪૫૬૧૪૫ હેઠળ રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે.
સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારી નક્કી કરવા, ટિકિટ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા અને ગેરરીતિ જણાય તો જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ પણ તેમણે કરી છે. જરૂર પડ્યે ગાંધીનગર સુધી રજૂઆત કરવાની પણ તેમણે યાદીના અંતમાં જણાવ્યું છે.
(3:21 PM IST)










