<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

ચારણીયા સમાજ દ્વારા ગુરૂવારે પૂ. નાગબાઇ માતાજીની શોભાયાત્રા

બીજ મહોત્‍સવને લઇને ભારે ઉત્‍સાહ : માતાજીની ૧૪ ફુટ વિરાટ પ્રતિમા સાથે શોભાયાત્રા નિકળશે : ચારણીયા સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં જોડાશે : ડી.જે.ના સુર તાલે ગરબાવલીઓ ગુંજશે : રાસ ગરબાની રમઝટ અને બપોરે મહાપ્રસાદ

રાજકોટ તા. ૧૩ : સમસ્‍ત ચારણીયા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ મહોત્‍સવ અંતર્ગત આઇશ્રી પૂ. નાગબાઇ માતાજીની વિરાટ પ્રતિમા સાથેની શોભાયાત્રાનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ચારણીયા સમાજના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે આઇશ્રી પૂ.નાગબાઇ માતાજીના બીજ મહોત્‍સવ નિમિતે રાજકોટમાં તા. ૧૬ ના ગુરૂવારે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયુ છે. જેનો સવારે ૯.૩૦ વાગ્‍યે કિસાનપરા ચોકથી પ્રારંભ કરાશે. 

પૂ.શ્રી નાગબાઇ માતાજીની ૧૪ ફુટ ઉંચી વિરાટ પ્રતિમા સાથેની આ શોભાયાત્રાને આઇધામ સમુહલગ્ન સમિતિ દ્વારા પ્રસ્‍થાન કરાવ્‍યા બાદ અહીંથી જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ, જવાહર રોડ, જયુબેલી ચોક, આર.ડી.સી. બેન્‍ક રોડ, ચોધરી હાઇસ્‍કુલ ચોક, બહુમાળી ભવન થઇ રેસકોર્ષ ગ્રાઉન્‍ડમાં બપોરે ૧૨ વાગ્‍યે સમાપન થશે. જયાં બહેનો માટે રાસ ગરબા અને બાદમાં સૌકોઇ માટે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા રાખેલ છે.

ચારણીયા સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં આ શોભાયાત્રામાં જોડાશે. ડી.જે.ના સુર તાલે આધ્‍યશક્‍તિ જગદંબાની ગરબાવલીઓ રજુ થશે.

રાજકોટ, અમદાવાદ, હાલાર, પાંચાળ, સોરઠ, કચ્‍છ ઉપરાંત રાજસ્‍થાન-મહારાષ્‍ટ્રથી ચારણીયા સમાજના લોકો પૂ. નાગબાઇ માતાજીના બીજ મહોત્‍સવમાં  ઉમટી પડશે.

આ મહોત્‍સવને લઇને ચારણીયા સમાજના બહેનો, બાળકો, યુવાનોમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ચારણીયા સમાજના સુરેશભાઇ ગર (મો.૯૯૭૪૦ ૦૫૮૨૧), દિનેશભાઇ ચૌહાણ (મો.૯૯૦૯૯ ૯૬૯૦૯), જમેશભાઇ ગર, કેતનભાઇ આઠુ, યાજ્ઞિકભાઇ ગોગીયા, રવિભાઇ બઢીયા, નરેશભાઇ ગોગીયા, રોહીતભાઇ ગોગીયા, આદિત્‍યભાઇ બઢીયા, કિરીટભાઇ  બઢીયા, મહેશભાઇ રાઠોડ નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(4:04 PM IST)