<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટ જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે વિનામૂલ્યે પ્લોટના હક્કપત્રકો અર્પણ કરાયા

જિલ્લા વહીવટી તંત્રની વિશેષ ઝુંબેશ રંગ લાવી : અત્યાર સુધીમાં કુલ ૨૨૭૫ જરૂરિયાતમંદ પરિવારોને પ્લોટ ફાળવીને કાયમી સરનામું પૂરું પાડવામાં આવ્યું

રાજકોટ:રાજ્ય સરકારના અંત્યોદયના અભિગમ અને કલ્યાણકારી વિચારોને સાકાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે રાજકોટ ખાતે વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક હેતુ માટે વિનામૂલ્યે પ્લોટની સનદનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોતાના માલિકીની જમીન અને રહેણાક માટેના હક્કપત્રકો મળતાં જ આ પરિવારોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી અને તેમણે મુખ્યમંત્રી તેમજ જિલ્લા વહીવટી તંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

વિચરતી અને વિમુક્ત જાતિના ઘરવિહોણા લોકોને કાયમી આશરો અને રહેણાક હેતુ માટે પ્લોટ ફાળવવા માટે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ દ્વારા વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે. તેમના માર્ગદર્શન અને સૂચનાઓ મુજબ મહેસૂલ વિભાગના ઠરાવ અન્વયે આ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આજના તબક્કામાં જસદણના ૯૦, રામપરા બેટીના ૨૧ અને મોટાદડવાના ૨૮ મળીને કુલ ૧૩૯ પરિવારોને વિનામૂલ્યે રહેણાંકના ઘરથાળના પ્લોટ ફાળવવામાં આવ્યા છે.

આ ઘરથાળના પ્લોટ મળવાથી વિચરતી અને વિમુક્ત જાતિના આ પરિવારોને રાજ્યમાં કાયમી સરનામું પ્રાપ્ત થશે. આ ઐતિહાસિક નિર્ણયના પરિણામે હવે આ પરિવારોના બાળકો નિયમિતપણે શાળાએ જઈ શકશે અને આ તમામ પરિવારો સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો સરળતાથી લાભ મેળવી શકશે. નોંધનીય છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવેલી આ વિશેષ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૨૨૭૫ પરિવારોને પ્લોટની ફાળવણી કરવામાં આવી ચૂકી છે.

(6:54 PM IST)